Homeસિનેમાવાદસોની પિક્ચર્સે શક્તિમાન ફિલ્મની પ્રથમ ઝલક શેર કરી, કોણ છે નવો શક્તિમાન?

સોની પિક્ચર્સે શક્તિમાન ફિલ્મની પ્રથમ ઝલક શેર કરી, કોણ છે નવો શક્તિમાન?

Team Chabuk-Cinema Desk: ભારતના પ્રથમ અને લોકપ્રિય સુપરહીરો શક્તિમાનને હવે તમે થીએટરમાં જોઈ શકશો. શક્તિમાનને પુન: જીવંત કરવાનું કામ સોની પિક્ચર્સે કર્યું છે. પ્રોડક્શન કંપનીએ તેનો એક વીડિયો પણ શેર કર્યો છે. શક્તિમાન સાથે સોનીનું નામ જોડાયેલું હોવાથી દર્શકો પણ ઉત્સાહમાં આવી ગયા છે, કારણ કે ભૂતકાળમાં સોનીએ જ સ્પાઈડર મેનનું પ્રોડક્શન કાર્ય સંભાળ્યું હતું.

વીડિયોમાં શું શું છે?

સોનીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરેલા વીડિયોમાં શક્તિમાનનું નવું સ્વરૂપ દેખાઈ રહ્યું છે. વીડિયોની શરૂઆતમાં પૃથ્વી અને એક ઉપગ્રહથી થાય છે, એક સળગતી ઉલ્કા પડે છે, મુંબઈનો દરિયા કિનારો અને હોટલ તાજ છે, આકાશમાં વીજળી કડકે છે, કેમેરો છે, ચશ્મા છે અને શક્તિમાનનું સ્યૂટ છે. બાકીનું તમે નીચેના વીડિયોમાં જોઈ શકો છો.

એક્ટર અને ડિરેક્ટર કોણ?

સોની પિક્ચર્સે ગુરૂવારના રોજ કહ્યું હતું કે તેણે ભારતનાં લોકપ્રિય સુપરહીરોને પરત લાવવા માટે બ્રૂવિંગ થોટ્સ અને ભીષ્મ ઈન્ટરનેશનલ પાસેથી કોન્ટ્રેક્ટ સાઈન કર્યો છે. સોનીએ લખ્યું છે કે, ભારતમાં સુપરહીરો ફિલ્મની અઢળક સફળતા બાદ હવે દેશી સુપરહીરોને પરત લાવવાનો સમય આવી ગયો છે. આ કેપ્શન સાથે સોનીએ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફિલ્મની ઝલક દર્શાવતું ટીઝર શેર કર્યું છે. જોકે ફિલ્મમાં શક્તિમાન કોણ બનશે? દિગ્દર્શક કોણ હશે? અન્ય કાસ્ટ કેવી હશે? આ તમામ વાતો હજુ જાહેર કરવામાં નથી આવી.

દૂરદર્શન અને શક્તિમાન

1997થી 2000 સુધી શક્તિમાન દૂરદર્શન પર આવી હતી. તેણે 90sનાં બાળકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. ભારતમાં માતબર ટીવી ચેનલ્સ હોવા છતાં શક્તિમાને દૂરદર્શનની લોકપ્રિયતા અને તેની ટીઆરપી અકબંધ રાખી હતી. શક્તિમાનનું પાત્ર મુકેશ ખન્નાએ ભજવ્યું હતું. જેમાં તે શક્તિમાન સિવાય પત્રકાર કમ ફોટોગ્રાફર પંડિત ગંગાધર વિદ્યાધર શાસ્ત્રીનો રોલ પણ પ્લે કરે છે. શક્તિમાનમાં કિટુ ગિડવાણી સિવાય અભિનેત્રી વૈષ્ણવી મહંત પણ હતી, જેણે ગીતા વિશ્વાસનો રોલ પ્લે કર્યો હતો. અભિનેતા સુરેન્દ્ર પાલે તમરાજ કિલવિશનો રોલ પ્લે કર્યો હતો. આ શ્રેણીએ 450 એપિસોડ સુધી દર્શકોને મનોરંજન પૂર્ણ પાડ્યું હતું.

શક્તિમાન અને સુપરમેન

શક્તિમાન સુપરહીરો તરીકે ભલે પોતીકો લાગતો હોય પણ તેની સુપરમેન અને સ્પાઈડર મેન સાથે ઘણી સામ્યતા છે. સ્પાઈડર મેનનો પિટર પાર્કર ફોટોગ્રાફર છે તેમ શક્તિમાનનો ગંગાધર પણ ફોટોગ્રાફર છે. સુપરમેન ક્લાર્ક કેન્ટ ચશ્મા પહેરી પોતાની ઓળખ છુપાવે છે તેવી રીતે જ શક્તિમાન ગંગાધર બની પોતાની ઓળખ છુપાવે છે. સુપરમેનમાં સ્ત્રી પાત્ર તરીકે લુઈસ છે એમ શક્તિમાનમાં ગીતા વિશ્વાસ છે. બંને સ્ત્રી પાત્ર પત્રકાર છે. સુપરહીરોની શક્તિ પણ એકસરખી છે. અલગ છે તો ફક્ત પહેરવેશ. ભારતમાં સ્પાઈડર મેન અને સુપર મેનના પ્રવેશ પૂર્વે શક્તિમાનનો પ્રવેશ થઈ જવાના કારણે આજે પણ તે કોઈને નકલ નથી લાગતો. જો બાદમાં આગમન થયું હોત તો નકલ લાગેત.

શક્તિમાન બંધ કેમ થઈ ગયો?

13 સપ્ટેમ્બર 1997માં શરૂ થયેલો શક્તિમાન શો 27 માર્ચ 2005 સુધી દૂરદર્શન પર ચાલ્યો. એ શો ખેંચાતો જ ગયો. કિલવીશના રાક્ષસો આક્રમણ કરતાં અને શક્તિમાન લડ્યા રાખતો. રિપીટ ટેલિકાસ્ટમાં સ્ટાર ઉત્સવ અને દંગલ જેવી ચેનલમાં પણ શક્તિમાન દેખાયો. જ્યારે શક્તિમાન શરૂ થયું ત્યારે તેને પ્રાઈમ ટાઈમનો સ્લોટ નહોતો આપવામાં આવ્યો. એ વખતે ત્રણ લાખ એંસી હજારની કિંમત એ સ્લોટની હતી પણ પોપ્યુલર થતાં તેને પ્રાઈમ ટાઈમ આપી દેવામાં આવ્યું અને પછી ફી વધતી જ ગઈ. મુકેશ ખન્નાએ શું કહેલું એ જોઈએ. ‘તકલીફ ત્યાં થઈ કે જ્યારે મને કહેવામાં આવ્યું કે રવિવારનો સ્લોટ લેવો જોઈએ. મેં એમને કહ્યું કે, મને કોઈએ આપ્યો નથી પણ જો આપો તો હું લઈ શકું છું. મુસીબતનો પહાડ અહીંથી જ શરૂ થયો. આ સ્લોટની પહેલા ફી 7.50 લાખ રૂપિયા કહેવામાં આવી હતી. 104 એપિસોડ પૂર્ણ થયા પછી સ્લોટની કિંમત 10.50 લાખ રૂપિયા થવાની હતી. હું માની ગયો પણ અંતે એ રકમ વધવા જ માંડી. 350 એપિસોડ પૂરા થયા પછી એ લોકો તેને હજુ વધારવા માગતા હતા. મને લાગ્યું કે હું સ્લોટ નહીં સફળતાની કિંમત ચૂકાવી રહ્યો છું. અમે તેના પર ચર્ચા કરી પણ વાત બની નહીં. મેં શક્તિમાન વચ્ચે જ છોડી દીધી. ઘણા લોકો ફરિયાદ કરે છે કે, શોને આ રીતે અધવચ્ચે ન છોડવો જોઈએ, પણ અમે કરેત પણ શું ?’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments