Team Chabuk-Gujarat Desk: ICCએ ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યરને મહિનાનો શ્રેષ્ઠ ક્રિકેટર ઘોષિત કર્યો છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ઓલરાઉન્ડર અમેલિયા કેરને મહિલા શ્રેણીમાં પ્લેયર ઓફ ધ મંથના ખિતાબથી નવાજી છે. ક્રિકેટના ત્રણે ફોર્મેટમાં શ્રેયસનું બેટ કમાલ કરી રહ્યું છે. શ્રીલંકાની વિરુદ્ધ ત્રણ મેચની T20I શ્રેણીમાં 174ની સ્ટ્રાઈક રેટ સાથે 204 રન બનાવ્યા. શ્રેયસે ત્રણે મેચમાં ફિફ્ટી પ્લસનો સ્કોર બનાવ્યો અને નોટઆઉટ પણ રહ્યો. આ પહેલા તેને વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ ત્રીજી વનડેમાં તક આપવામાં આવી હતી. જેમાં મોકાનો ફાયદો ઉઠાવતા શ્રેયસ અય્યરે 80 રનની શાનદાર ઈનિંગ રમી. વેસ્ટ ઈન્ડિઝ સામેની આ ઈનિંગમાં શ્રેયસ અય્યરને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ તેની કમબેક તરીકેની પ્રથમ વનડે મેચ હતી.
વર્ષ 2021માં શ્રેયસને ઈંગ્લેન્ડ સામેની શ્રેણી દરમિયાન ક્ષેત્ર રક્ષણ કરતાં ખભામાં ઈજા પહોંચી હતી. છ મહિના સુધી શ્રેયસ ક્રિકેટથી દૂર રહ્યો. આઈપીએલ 2021નો સેકન્ડ હાફ પણ તેણે ગુમાવ્યો હતો. એ પછી શ્રેયસને ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં તક મળી. એવામાં શ્રેયસે આ તકનો ફાયદો ઉઠાવતા ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સેન્ચુરી ફટકારી દીધી. અહીંથી શ્રેયસ સતત ભારતીય ટીમ માટે રન બનાવી રહ્યો છે. શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં પણ શ્રેયસે ત્રણ ઈનિંગમાં બે હાફ સેન્ચુરીની મદદથી 186 રન બનાવ્યા હતા.
શ્રેયસ અય્યરના શાનદાર પુનરાગમન બાદ આઈસીસીના રસ આર્નોલ્ડે લખ્યું છે કે શ્રેયસ અય્યરે આ મહિનામાં પોતાની બેટીંગ દ્વારા ગજબનું સાતત્ય દેખાડ્યું છે. તેણે પૂરી રીતે વિપક્ષી બોલર્સ પર દબદબો બનાવ્યો. સતત રન બનાવ્યા અને યોગ્ય ક્ષણે બોલર્સ પર હુમલો કર્યો. પરંતુ મને સૌથી વધારે શ્રેયસની નિરંતરતાએ પ્રભાવિત કર્યો છે. કેમ કે તે સતત ભારતીય બેટીંગ લાઈનઅપમાં પોતાની જગ્યા બનાવવા માટે રમી રહ્યો છે.
બીજી તરફ મહિલા ક્રિકેટ વર્ગમાં ન્યૂઝીલેન્ડની અમેલિયા કેરે ભારતની વિરુદ્ધ મર્યાદિત ઓવરની શ્રેણીમાં ઉમદા પ્રદર્શન કર્યું હતું. તેણે એક માત્ર ટી ટ્વેન્ટી મેચમાં 17 રન બનાવવા સિવાય બે વિકેટ ઝડપી હતી. એ પછી અમેલિયાએ પાંચ મેચની વનડે શ્રેણીમાં લગભગ 118ની બેટીંગ એવરેજથી 353 રન બનાવ્યા. જેમાં એક સેન્ચુરી અને ત્રણ હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. બોલિંગમાં અમેલિયાએ માત્ર 13ની એવરેજથી સાત વિકેટ પોતાના નામે કરી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત