Homeસિનેમાવાદલકી અલીએ મને યાદ અપાવ્યું કે હું કેટલો મોટો થઈ ગયો છું

લકી અલીએ મને યાદ અપાવ્યું કે હું કેટલો મોટો થઈ ગયો છું

ઝાલાવાડથી જલજીરા : કેટલા સમયે ખોવાઈ ગયેલા લકી અલીને ફરી એક વખત જોયા. માથા પર ટોપી. એ ટોપી વિશે એક વખત એમણે કહેલું કે, ‘મારો પ્રાર્થનાનો સમય થઈ ગયો છે.’ એટલે કે નમાજનો.

લકી અલી એ બધા સિંગરની જેમ નથી જેના ગીતો આવવાની પબ્લિક રાહ જોતી હોય. એ કોઈ કોઈ વખત યાદ આવ્યા કરે છે. ઘોંઘાટીયા સંગીતની વચ્ચે એમના ગીતો સાંભળવા યુટ્યુબ પર લટાર મારી આવીએ તો દિલ ખુશ થઈ જાય. હાથમાં ગીટાર લઈ પ્રેમિકા માટે ગીતો ગાતા યુવા લકી અલી અભિનેતા જ લાગતો. આજે તો નવા વીડિયોમાં સફેદ દાઢી સાથે એક આયખુ પસાર થઈ ગયું હોય એવું લાગે. 62 વર્ષના લકી અલીએ મને યાદ અપાવ્યું કે હું કેટલો મોટો થઈ ગયો છું.

એમને વૃદ્ધ થતા જોઈ એવી ફિલીંગ આવી રહી છે કે આપણે આપણા જીવનનો કેટલો હિસ્સો વિતાવી ચૂક્યા છીએ. એમટીવી અને વીટીવીમાં બપોરે આવતો લકી અલી ઉનાળાના તડકામાં પણ પોતાના સુમધુર અવાજથી ઠંડીનો અહેસાસ કરાવતો. હવે લકી અલીને જોવા હોય તો ફક્ત અને ફક્ત યુટ્યુબ પર જ મળશે.

એમને તો આપણે બધા ભૂલી ગયા હતા. ગઈકાલે એમનો એક વીડિયો સામે આવ્યો. ખાટલા પર બેઠા છે. ગીટાર વગાડે છે. માથામાં સફેદ ટોપી પહેરી છે. કાળા કલરના કપડાં પહેર્યા છે. આંખો મીંચી દીધી છે. ગીટારના તાર પર હાથ ફરે છે અને થોડી વાર પછી તેમના ગળામાંથી એ જૂની યાદો પુન:જીવંત થાય છે.

ઓ સનમ… ઓ સનમ…. કેટલીક વસ્તુઓ ન બદલે એમાં કેટલી મજા આવે. લકી અલીનો ચહેરો થોડો રૂક્ષ થયો. પીંગરી આંખો ધરાવતો એ હેન્ડસમ હંક ક્વેન્ટેન ટેરેન્ટીનોની રિઝર્વિયર ડોગ્સની રિમેક કાંટેમાં જોવા મળ્યો.

ઋત્વિક રોશનને લોકપ્રિયતા અપાવવામાં આ હીરો કમ ગાયકનો હાથ છે. તેણે ગીત ગાયેલું ઈક પલ કા જીના અને તેની સાથે ઋત્વિકનો ડાન્સ. બીજા ગીતમાં તો ઋઃત્વિક દોડતો હતો. ચાલતો હતો. કારમાં પ્રદક્ષિણા કરતો હતો. પણ લકી અલીના ગીતે તેની આ પ્રવૃતિને લોકપ્રિયતા અને હીટમાં પલટાવી નાખી. ના તુમ જાનો ના હમ… ક્યું ચલતી હૈ પવન…

લકી અલીએ જે ગીત ગાયું તે 1996માં આવ્યું હતું. સુનોહ આલ્મબનું ગીત હતું. જેની ભારે પ્રશંસા થઈ હતી. તે યુવાન હતો. સોનુ નિગમ, કુમાર સાનુ, ઉદિત નારાયણ સહિતના કંઈ કેટલાય ગાયકોની વચ્ચે તે પોતાની જગ્યા બનાવવા મથતો હતો. કહોના પ્યાર હૈથી એ ઓળખાયો. કાંટેથી તે બધાને દેખાયો.

નેટ પર તેનો અનપ્લગ્ડ વર્ઝનનો વીડિયો આવ્યો અને નેટીઝન્સ પાગલ થઈ ગયા. નવા છોકરા અને છોકીરીઓને તો શું હોય? પણ 1990માં જન્મેલા બાળકો ઘેલા ઘેલા થઈ ગયા કે લકી અલી ઈઝ બેક. સોશિયલ મીડિયા શું કહે છે તેના પર એક નજર કરી લઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments