‘ગોવાબાપા આટલા વહેલા કેમ ઓફિસે ? દિવાળી ઉજવવી લાગે’
એલા ના હવે. સાંજે જવામાં મોડુ થઈ જાય એમાં ફટાકડા ધોતિયા તરફ આવે છે. કેટલાક છોકરાવ તો મારું ધોતિયું જોઈને જ ફટાકડા સામા ઘા કરે છે. રોકેટની બોટલ ભરેલી હોય એ આડી કરી નાખે છે. જેથી રોકેટ મારા ધોતિયામાં ગમે એમ કરી ને ઘુસે. મારે તો બે સમસ્યા છે. ફટાકડા પણ ફૂટે અને બીજું એ જ ફટાકડા અને મારી ધોતીને જોઈ કૂતરા મારી પાછળ ભાગે. એટલે હું કઉં આજે વહેલું જ પૂરું કરી નાખું. આવીને જોયું તો એક પણ મોટા સમાચાર નહીં. સિવાય કે મહારાષ્ટ્ર અને લોંગેવાલા પોસ્ટ પર પ્રધાનમંત્રી. તો ચાલો સીધા મહારાષ્ટ્રમાં જ ઉપડી જઈએ.
મહારાષ્ટ્રમાં મંદિરો ખુલશે
હવે ચાબુક આજે સૌથી મોટા સમાચાર આવે છે મહારાષ્ટ્રમાંથી. ત્યાં હવે દરેક ધાર્મિક સ્થળને ખોલવાની અનુમતિ આપી દેવામાં આવી છે. 16 તારીખથી મંદિરો ખુલી જશે પણ ધક્કામુક્કી નથી કરવાની. કોરોનાની જે ગાઈડલાઈન છે એ મુજબ પાલન કરીને જ જવાનું રહેશે. માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશ. એ બહાને મહારાષ્ટ્રમાં કોઈ નવો મુદ્દો તો પ્રકાશમાં આવ્યો. નહીં તો અર્નબ અને કંગનામાંથી જ ઊંચા નહોતા આવતા.
લોંગેવાલામાં પ્રધાનમંત્રી
હવે આજે પીએમ મોદી લોંગેવાલા પોસ્ટ પર જવાનો સાથે દિવાળી મનાવવા ગયા.
‘બોર્ડર ફિલ્મમાં આવે છે એ.’
હા. બોર્ડર ફિલ્મમાં આવે છે એ. એમણે ચીનનું નામ લીધા વિના કહી દીધું કે એમની વિસ્તારવાદી નીતિ એ 18મી સદીની વિચારસણી છે. આ વિચારમાં માનસિક વિકૃતિ છે. જેનાથી સમગ્ર વિશ્વ પરેશાન છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે, ભારતને અજમાવવાનો પ્રયત્ન ન કરો. પ્રચંડ પ્રહાર મળશે.
देश की अखंडता देशवासियों की एकता पर निर्भर करती है।
— Narendra Modi (@narendramodi) November 14, 2020
सीमा की सुरक्षा सुरक्षाबलों की शक्ति के साथ जुड़ी है।
सीमा पर हमारे जांबाजों का हौसला बुलंद रहे और उनका मनोबल आसमान से भी ऊंचा रहे, इसलिए उनकी हर आवश्यकता आज देश की सर्वोच्च प्राथमिकताओं में शामिल है। pic.twitter.com/7VjUpUKSrj
‘બરાબર છે ગોવાબાપા.’
પાકિસ્તાન સામે કરેલી એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકને પણ યાદ કરી. એમણે કહ્યું કે, આતંકના આકાઓને અમે ઘરમાં ઘુસીને માર્યા છે.
તેજસ્વી હજુ જૂના મુદ્દા પર
હવે ચૂંટણી હારેલા તેજસ્વી પાસે જઈએ. તેજસ્વી વધારે સીટ જીતી શકે એમ હતો જો તેણે કોંગ્રેસ સાથે ગઠબંધન ન કર્યું હોત. એણે રોજગારીનો જે વાયદો કરેલો તેના પર જનતા એ તેને ખોબલે ખોબલે મત આપ્યા તેવું એક્ઝિટ પોલ પરથી લાગતું હતું, પણ પછી એવું થયું નહીં. પ્રથમ સુખના અને પછી દુ:ખના દાડા તેજસ્વીને જોવા પડ્યા.
આ તેજસ્વીએ આજે જે ટ્વીટ કર્યું છે એમાં પણ બેરોજગારીના રાવણનું દહન કરવાની વાત તેણે મુકી છે ચાબુક. ટ્વીટર પર એણે લખ્યું છે કે દિવાળીની આપ સૌને શુભકામનાઓ. અમે અશિક્ષા, ભ્રષ્ટાચાર, બેરોજગારી, ઓફિસરશાહીની સાથે સાથે દવા, અભ્યાસ, કમાણી, સિંચાઈ અને સુનાવણીના વ્યાપિત અંધારાને ખત્મ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
आप सभी को #दीपावली के पावन पर्व की असंख्य शुभकामनाएँ। हम अशिक्षा, गरीबी, भ्रष्टाचार, बेरोज़गारी, अफसरशाही के साथ साथ दवाई, पढ़ाई, कमाई, सिंचाई और सुनवाई में व्याप्त घनघोर अंधेरे को खत्म करने के लिए प्रतिबद्ध है।
— Tejashwi Yadav (@yadavtejashwi) November 14, 2020
जय हिंद, जय बिहार pic.twitter.com/99pRSg637C
‘એનો અર્થ તો એ થયો ગોવાબાપા કે આ જ મુદ્દા પર એ ફરી ચૂંટણી લડશે. નીતિશ જ સામે.’
હા કાં નીતિશે તો એવું કહ્યું જ નથી કે આ મારી છેલ્લી ચૂંટણી છે. એટલે હવે પછી પણ નીતિશની સામે તેજસ્વી જ હશે.
અખિલેશ તૈયાર છે
હવે ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવે અત્યારથી જ મજબૂત ભારતીય જનતા પાર્ટી સામે લડવા માટેની તૈયારી આરંભી દીધી છે. 2017ની ચૂંટણીમાં તેઓ ભાજપ સામે હારી ગયા હતા. એ વખતે તેમની સાથે માયાવતી હતા. બંનેએ ગઠબંધન કર્યું અને ધબાયનમ: થઈ ગયા. સાઈકલ અને હાથી બેઉં ન ચાલ્યા. પણ આ વખતે આવું ન થાય આ માટે તમામ બેઠકો પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ઉતારીને જીત મેળવવાની લ્હાયમાં શ્રીમાન અખિલેશ બાબુ છે. પત્રકારોએ એમને જ્યારે બિહારમાં થયેલા NDAના વિજય વિશે પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે, લોકતંત્રમાં આવું કોઈ દિવસ નથી થયું. ભાજપે મહાગઠબંધનની સાથે બેઈમાની કરી છે.
ચાલો ત્યારે હવે હું ભાગુ છું ચાબુક. આમ તો જો ફટાકડા અત્યારથી જ ફૂટવા માંડ્યા છે. જોકે ગત્ત વર્ષ કરતાં આ વર્ષે ફટાકડા ફૂટવાની સંખ્યા થોડી ઘટી તો છે હો. મને લાગે આપણે જે સાદાઈથી દિવાળી મનાવવાની વાત છેડી એ ઘણાએ સ્વીકારી તો નથી લીધીને. જે હોય એ ચાલો ત્યારે આપ સૌને દિવાળીની શુભકામનો.