Homeગામનાં ચોરે‘ઉંમર વધારે હોવા છતાં મોદીએ રાહુલ કરતા વધારે રેલી કરી અને રાહુલ…’

‘ઉંમર વધારે હોવા છતાં મોદીએ રાહુલ કરતા વધારે રેલી કરી અને રાહુલ…’

હે ચાબુક બિહારની ચૂંટણી હતી ત્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કઈ જગ્યાએ હતા ?

‘ખબર નહીં ગોવા બાપા.’

હવે આરજેડીના નેતાએ સવાલ ઉઠાવ્યો છે કે બિહારની ચૂંટણી હતી ત્યારે રાહુલ અને પ્રિયંકા પિકનિક કરતા હતા. આ સળગતો મુદ્દો શિવાનંદ તિવારીએ ઉઠાવ્યો છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ બિહારની ચૂંટણીમાં ધ્યાન નહોતું આપ્યું. એવું લાગી રહ્યું હતું કે, તેઓ કોંગ્રેસ પાર્ટીમાં છે જ નહીં.  શિવાનંદ તિવારીનું એવું કહેવું છે કે, રાહુલ ગાંધી ત્રણ દિવસ માટે ચૂટણી પ્રચાર કરવા આવ્યા હતા જ્યારે પ્રિયંકા ગાંધી તો આવ્યા જ નહીં. આ લોકો શિમલામાં પિકનિક મનાવી રહ્યા હતા.

રાહુલ અને પ્રિયંકાની ગેરહાજરીથી ફર્ક તો પડ્યો છે હો ચાબુક, કારણ કે બિહારમાં આરજેડીની સરકાર બનતા બનતા કે આગામી સમયમાં વિશ્વાસમત લઈ શકે એટલે સુધી પહોંચતા પહોંચતા રહી ગઈ. રાહુલ અને પ્રિયંકાએ જોઈએ તેટલું બળ ચૂંટણી પ્રચારમાં ન લગાવ્યું. એકલી આરજેડી પાર્ટી જ લડતી રહી.

તિવારીએ તો ત્યાં સુધી કહી દીધું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીથી વધારે વય ધરાવે છે. એમણે તેમના કરતા વધારે રેલી કરી પણ રાહુલ ગાંધીએ ન કરી. તેઓ ચૂંટણી મુદ્દે ગંભીર હતા જ નહીં.

મને તો લાગે આરજેડીએ મને ટિકિટ આપી હોત તો હું ખાલી ગોવાબાપાની કોલમ લખી લખીને મોટાભાગની બેઠકો જીતાવી દેત.

‘હવે ડિંગા મારોમાં એક દિવસ મેં શું વખાણ કર્યા તમે તો સાવ માથે ચડી ગયા.’

માથે તો કાલ ધોકો ચડી ગયો હતો. અહીંથી વહેલા નીકળીને જતો હતો તે ગગજીનો છોકરો મગનો દોડીને આવ્યો અને મારા માથામાં જોરથી ધોકો મારતા બોલ્યો, ‘હેપ્પી ધોકા દિવસ.’

હું એના ઘરે ફરિયાદ કરવા ગયો તો એનો બાપ ગગજી મને કહે, ‘ગોવાબાપા માફ કરો. આ વખતે દિવાળી અને બેસતા વર્ષના દિવસની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ હતું. તે આ મગનીયો મને પૂછે કે આ ધોકો કોને કહેવાય ? તો મેં એને કહી દીધું કે આપણા દુશ્મનના માથે મારવાનો હોય. આ તારી બા મને નથી વેલણું મારતી એમ જ. તે મારી મજાકને ગંભીરતાથી લઈ તમને ઠોકી દેશે એ મને નહોતી ખબર.’

‘સારું ગોવાબાપા ધોકો હતો. બુલડોઝર હોત તો તો મગનો શુંય કરેત ?’

ટ્રમ્પને કંઈક થઈ ગયું છે

ટ્રમ્પને કંઈક થઈ ગયું છે ચાબુક. એ ગાંડા કાઢે છે. આજે ટ્વીટ કરી કહે આપણે જીતી ગયા. બાઈડેન પણ તેની ટ્વીટ વાંચી પોતાના મત ગણવા લાગ્યા હશે. અમેરિકામાં હવે આવી સ્થિતિના કારણે જનતા હેરાન થઈ રહી છે. નથી કોઈ પ્રમુખ પદ સંભાળતું અને નથી કોરોના કાબુમાં આવતો. અમેરિકામાં કોરોનાનો જ્વાળામુખી એવો ફાટ્યો છે કે હવે ત્યાં વસતિનો વિનાશ નોતરાય રહ્યો છે.

કોરોનાની શરૂઆતમાં ન્યૂયોર્કમાં જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ હવે દરેક રાજ્યમાં થઈ રહી છે. દસ દિવસમાં દસ લાખ કેસ સામે આવ્યા છે. ટ્રમ્પને જેટલા વોટ મળ્યા તેના કરતા વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે અને તે સમજણો થઈ બાઈડનને પ્રમુખ પદ આપી વ્હાઈટ હાઉસ ખાલી કરવાની જગ્યાએ હું જીતી ગયો એમાં પડ્યો છે. આવા રાજકારણીઓ હોય તો જનતાના કેવા હાલ થાય એની આ મોટી સાબિતી છે ચાબુક.

બિહારના બે નાયબ મુખ્યપ્રધાન

બિહારને હવે બે નાયબ મુખ્યપ્રધાન મળી ગયા ચાબુક. એક છે તારા કિશોર અને બીજા છે રેણુ દેવી. તારાકિશોરની વાત તો કાલે જ સુશીલ કુમાર મોદીએ ટ્વીટ થકી ઉઘાડી કરી દીધી હતી. હવે વાત તેજસ્વીની આવે. એણે ટ્વીટ કરી બિચારા નીતિશ કુમારને ચીંટલો ભરી લીધો છે. એણે કહ્યું છે કે, આદરણીય શ્રી નીતિશ કુમારજીને બિહારના મુખ્યમંત્રી બનવા પર શુભકામનાઓ. આશા રાખું છું કે ખુરસીની મહત્વાકાંક્ષાની જગ્યાએ તેઓ જનાકાંક્ષા અને NDAના 19 લાખ નોકરી-રોજગાર, અભ્યાસ, દવા, કમાણી, સિંચાઈ, સુનાવણી જેવા સકારાત્મક મુદ્દાઓને પ્રાથમિકતા આપશે.

તયે હાલો ચાબુક તને અને તારી ટીમને નવા વર્ષના રામ રામ. જોકે આપણે તો બધા દિવસો સરખા. કાલથી પાછું હતું એનું એ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments