Homeસાહિત્યલેખક નહીં પણ ચિત્રકાર સુરેન્દ્ર મોહન પાઠક

લેખક નહીં પણ ચિત્રકાર સુરેન્દ્ર મોહન પાઠક

નાનપણથી સુરેન્દ્ર મોહન પાઠકને ચિત્ર દોરવાનો શોખ હતો. તેના ડ્રોઈંગ ટીચર માનતા હતાં કે એ ચિત્રકળાનો શિક્ષક બની જશે. તેના ચિત્રકામના શિક્ષકને એવી આશા બંધાયેલી હતી કે સુરેન્દ્ર ડિસ્ટીક્શન માર્ક લઈ આવશે. પરીક્ષા લેવાય અને ચિત્રકામના શિક્ષકે જે આશા સેવી હતી એ ઠગારી નીવળી.

જાલંધરના ભૈરવ બજારની બાજુમાં એક દુકાન હતી. મેગેઝિનો અસંખ્ય હતી. અંગ્રેજીના પુસ્તકો પણ હતા. એ દુકાન પર સુરેન્દ્ર ગયા અને એક નજર ફેરવી. એમાં એક નવલકથા તે જોઈ ગયો. વેદ પ્રકાશ કમ્બોજની હતી. દુકાનદારને તેણે પોતાનો રોલો જમાવવા કહ્યું, ‘કમ્બોજ મારો બાળપણનો ભેરુ છે.’

આ સાંભળીને દુકાનદાર તો ખુશ થઈ ગયો. તેણે સુરેન્દ્ર મોહન પાઠકનો હાથ પકડી લીધો અને કહ્યું, ‘મને નીલમ જાસૂસની એજન્સી અપાવી દે.’ એ ગળગળો થઈ ગયો.

નીલમ જાસૂસની એજન્સી એટલે વેદપ્રકાશ કમ્બોજ અને ઓમ પ્રકાશ શર્માની નવલકથાઓ જાલંધરમાં પહેલા આ દુકાનવાળાને ત્યાં જાય. એ પુસ્તકો અને મેગેઝિનનોની દુકાન ચલાવનારો આટલો નીચો નમી ગયો તો એ પુસ્તકો વેચાતા કેટલા હશે ?

રજા પડી અને હ્રદયમાં આશા સંઘરીને બેઠેલા દુકાનદારનો અવાજ લઈ સુરેન્દ્ર મોહન પાઠક વાર્ષ્ણેય પ્રકાશનની પાસે ગયા. પ્રકાશકે ના પાડી દીધી. પ્રકાશકે આખુ ગણિત સમજાવ્યું કે શા માટે તેને એજન્સી ન અપાય જે વાત સુરેન્દ્રના ગળા નીચે ન ઉતરી.

સુરેન્દ્રએ પણ તેની વાત પર વજન મૂક્યો અને ફરી એક વખત વિચારવાનું કહ્યું. પ્રકાશક માની ગયો. આ એ દુકાન હતી જ્યાંથી સુરેન્દ્રએ અઢળક મેગેઝિન વાંચેલી. દુકાનના માલિક અને સુરેન્દ્રની દ્રઢ દોસ્તી થઈ ગઈ. હવે તે મફતમાં મેગેઝિન લઈ જતો અને પાછા આપી જતો. જો સુરેન્દ્રની ઓળખાણના વ્યક્તિને મેગેઝિનની આવશ્યકતા હોય, તો દુકાનનો માલિક તેને ઓછા રૂપિયામાં મેગેઝિન આપી દેતો.

જાનબુલ મેગેઝિન આ દુકાનદારને ત્યાં આવતી. જે સુરેન્દ્રને અતિશય ગમતી હતી. એ ચિત્રકાર તો હતો જ ફક્ત સારા માર્ક નહોતા મળ્યા. જાનબુલમાં છપાયેલા એક ઈલસ્ટ્રેશનના આધાર પર તેણે ચિત્ર બનાવ્યું અને મિત્ર વેદપ્રકાશ કમ્બોજને બાતાવ્યું. નવલકથાને છાજે એવું શિર્ષક હતું. તેણે એ ચિત્ર લઈ લીધું અને કહ્યું કે, ‘હું આને પ્રકાશકને બતાવીશ.’

પ્રકાશકને જ્યારે બતાવવામાં આવ્યું તો ચિત્ર ચાલ્યું નહીં, કારણ કે એ સમયે લુગદી સાહિત્યના પુસ્તકોમાં આ ખૂબ ખર્ચાળ સાબિત થતું હતું.

કમ્બોજે વિગતવાર સુરેન્દ્રને સમજાવતા કહ્યું : જેવી રીતે તે પેન્ટ કર્યું છે. એમણે મને કહ્યું કે ઓફસેટ પ્રણાલીમાં આ છપાઈ શકે છે, પણ તેમના ખિસ્સાને પરવડે તેવું નથી. તે જે બનાવ્યું છે તેની કાળા રંગથી આઉટલાઈન કરવી પડે અને સાથે કલરચાર્ટ પણ આપવો પડે. એક વાતનું ધ્યાન રાખવાનું બ્લોક કાળી આઉટ લાઈનથી બનાવવાનો, કલરચાર્ટથી નહીં. કલર ચાર્ટમાં જો કોઈ ક્ષતિ રહી જશે તો બ્લોક મેકર એ સમસ્યાને સંભાળી શકશે. બીજી ભૂલને સંભાળી નહીં શકે.

સુરેન્દ્રએ કમ્બોજની વાત પ્રમાણે ફરી ચિત્ર બનાવ્યું. મોકલવામાં આવ્યું અને સુરેન્દ્ર મોહન પાઠકને આ કામ માટે વીસ રૂપિયા મળ્યા. ‘જાસૂસ’માં છપાયેલું આ શીર્ષક ‘નિલમ જાસૂસ’ના પ્રકાશકના ધ્યાનમાં આવી ગયું અને તેણે કમ્બોજને તાત્કાલિક કહ્યું કે, મારતા ઘોડે આ આર્ટિસ્ટને બોલાવી લાવો.

કમ્બોજે કહી દીધું કે, સુરેન્દ્ર નામના એક છોકરાએ ટાઈટલ બનાવ્યું છે. પ્રકાશક લાલાની પાસે સુરેન્દ્રને હાજરી પૂરાવવાની હતી. એ હાજર થયો તો લાલાએ કહ્યું, ‘જે પણ બનાવે એને તાત્કાલિક અહીં જ લઈને આવજે. બીજી કોઈ જગ્યાએ ગુડાતો નહીં.’

હવે નીલમ જાસૂસની પ્રકાશિત થતી તમામ નવલકથાઓના શીર્ષક સુરેન્દ્ર બનાવવા લાગ્યો. તેનો કોલેજમાં અભ્યાસ હજુ ચાલુ હતો.

સામેની બાજુ ‘રાજેશ’ સિરીઝની નવલકથાઓ અને લેખક ઓમ પ્રકાશ શર્મા. જેના શીર્ષકો ઈન્દ્રજીત નામનો એક આર્ટિસ્ટ બનાવતો હતો. તેનો સિક્કો જામી ગયો હતો એટલે ચાર ગણી વધારે રકમ માગતો હતો. ઈન્દ્રજીત જે પણ નવલકથાના શીર્ષક તૈયાર કરતો તેની ફી એંસી રૂપિયા લેતો હતો. એ વખતે લેખકને પોતાને ગમે તેવા આર્ટિસ્ટો લાવતા હતા અને શીર્ષકો ડિઝાઈન કરાવવામાં આવતા હતા.

તેનું પ્રથમ શીર્ષક એક નાના એવા કાગળમાં હતું. વાર્ષ્ણેય જે રાજેશનો માલિક હતો તેણે શીર્ષક જોયું તો દંગ રહી ગયો. તેણે તુરંત ઓમ પ્રકાશ શર્માને બોલાવ્યો અને સમગ્ર વાત મૂકી. શર્માજીના મુખે એ વાત કંઈક આવી હતી.

‘‘લાલાએ માથા પર હાથ રાખ્યો અને શીર્ષકને જોતો હતો. તેને સમજાતું ન હતું કે આ સીધું કઈ જગ્યાએથી છે. મને જોતા જ એ ભડકી ગયો અને બોલ્યો, આ શું ભંગાર બનાવ્યું છે. એંસી રૂપિયા એમ નેમ ગયા. એંસી રૂપિયામાં હું ચાર ટાઈટલ બનાવી લેત. મેં તેને સમજાવતા કહ્યું, લાલાજી આ વાત તમે નહીં સમજી શકો. બ્લોક મેકરને આવવા દો અને તેને જોવા દો. ત્યારે તમને વિશ્વાસ થશે કે શું ગજબ વસ્તુ બની છે.’’

બ્લોક મેકર આવ્યો અને તેણે ટાઈટલને જમાવી દીધું. લાલાજી તો આ શીર્ષક જોઈ દંગ રહી ગયો. એ વખતે ટાઈટલના કારણે રાજશે સિરીઝની નવલકથાઓ ચપોચપ ઉપડી ગઈ.

આ ઈન્દ્રજીત એટલે ઈમરોઝ. અમૃતા પ્રિતમ અને ઈમરોઝ. સુરેન્દ્ર મોહન પાઠક એમની આત્મકથા ન બૈરી ના બેગાનામાં ઈન્દ્રજીતને યાદ કરતા લખે છે.

‘‘ઈન્દ્રજીત ઉર્ફ ઈમરોઝ જે વર્ષો સુધી શમાનો સ્ટાફ આર્ટિસ્ટ રહ્યો. ન્યૂ ફિલ્ડ એડવર્ટાઈઝમેન્ટ એજન્સીનો આર્ટ ડાયરેક્ટર રહ્યો. અમૃતા પ્રિતમની દરેક પુસ્તકનું આર્ટ તેણે જ બનાવ્યું. હિન્દી પોકેટ બુક્સ અને સમયાંતરે લોકપ્રિય લેખકો અને આરતી પોકેટ બુક્સ માટે પણ ટાઈટલ બનાવ્યા. ધર્મેન્દ્ર અને મીના કુમારીની ફિલ્મ બહારો કી મંઝિલનો આર્ટ ડાયરેક્ટર બન્યો. તેણે ઉત્કૃષ્ટ પોસ્ટરો ડિઝાઈન કરવામાં આવ્યા. ઓપી રલ્હનની ફિલ્મ તલાશ માટે પણ તેને સાઈન કરવામાં આવ્યો. પણ કામ અધવચ્ચે જ છોડી દિલ્હી પરત ફરી ગયો. હું લેખક ન હતો. મારે લેખક બનવું હતું. લેખક ન બન્યો ત્યાં સુધી તમારા આ સુરેન્દ્ર મોહન પાઠકે સો પુસ્તકોના ટાઈટલ તૈયાર કર્યા. ફિલ્મી દુનિયાના પોસ્ટર પણ તૈયાર કર્યા.’’

સુરેન્દ્ર મોહન પાઠકને પણ લખવાનો શોખ હતો. નવલકથાના શીર્ષકો જ નહોતા બનાવવા પોતાની નવલકથાઓ લખવી હતી. કોલેજમાં હતા ત્યારે કમ્બોજની આઠ નવલકથાઓ પ્રકાશિત થઈ ગઈ હતી. તેનાથી પ્રેરિત થઈ સુરેન્દ્રએ જાસૂસી નવલકથાના પચાસ પાનાં લખ્યા. વાર્તા આગળ ન ચાલી શકી. તે અટકી ગયો. રજામાં સુરેન્દ્ર દિલ્હી પરત ફર્યો અને કમ્બોજને એ પચાસ પાના સોંપતા કહ્યું, ‘આ વાર્તા તને કોઈ જગ્યાએ કામ આવી જાય.’

કમ્બોજે તેને વાંચ્યા અને કહ્યું, ‘કચરો છે. એક વાત કઉં ? ફાડીને ફેંકી દે.’

બહાર નીકળી સુરેન્દ્રએ જાસૂસી નવલકથાના પચાસ પાના ફાડીને ફેંકી દીધા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments