HomeસિનેમાવાદDon't Look Away: આ ફિલ્મ જ ન જોવી…! પણ કેમ?

Don’t Look Away: આ ફિલ્મ જ ન જોવી…! પણ કેમ?

Team Chabuk–Entertainment Desk: Don’t Look Away ફિલ્મમાં, એક ફિલ્મ કેવી રીતે ન બનાવવી, શા માટે ન જોવી? એ તમામ લક્ષણો છે. કોઈ ઉતરતી કક્ષાની બોલિવૂડ ફિલ્મ જોઈ રહ્યા હોઈએ એવી વરાળ ચારેબાજુથી ઉઠે છે. દૃશ્યો જે ફિલ્મની કથાને અનુરૂપ ‘ડરાવતા’ ફિલ્માવાવા જોઈએ એ પ્રકારના નથી ફિલ્માવાયા. સંવાદો જે ક્યાં સંવૃત રાખવું ક્યાં ઉઘાડી દેવું એની ભનક વગરના છે. ક્યારે સસ્પેન્સ ખોલવું અને ક્યારે ઢાંકવું એની ખબર નથી પડતી. ફિલ્મ તો નાની એવી. એક પલોઠીએ પૂરી પણ થઈ જાય, પરંતુ ક્લાઈમેક્સની પાછળ કથાને લંબાવવા રાખેલો બીજો ક્લાઈમેક્સ, બીજો ભાગ બનાવવા માટે જ રાખ્યો છે! આ સિવાય આ ફિલ્મમાં કોઈ લેવાલ નથી.

ફિલ્મનો આરંભ વિશુદ્ધ ગુંડાગર્દીથી થાય છે. અને ત્યાંથી જ હોરરનો પાયો નંખાઈ જાય છે. ફિલ્મમાં વારંવાર આવતું પૂતળું પણ એટલું ડરાવતું નથી. ફિલ્મનું ટાઇટલ છે ડૉન્ટ લૂક અવે. એટલે ક્યાંય બીજે નહીં જોવાનું. એ વિશેની ખબર પડે છે. એક પછી એક પાત્રો પૂતળાને મજા આવે એ રીતે વારાફરતી જોવાનું નક્કી કરે છે, પણ એમાંય દિગ્દર્શકે લાઘવનો કૂતરો એવો પાળ્યો છે કે પપ્પી ભરવાની જગ્યાએ કરડી જાય છે. ઇન્જેક્શન બિચારા દર્શકને લેવું પડે છે!

ડૉન્ટ લૂક અવેના પ્રોડક્શનને ત્રણ ભાગમાં વહેંચી શકાય. એનું પ્રથમ પ્રોડક્શન આઉટડોર થયું છે, પછી કોલેજમાં, પછી ઘરમાં અને એક કલાક સુધી આ વાર્તા ઘરની આસપાસ જ ભમ્યા કરે છે. જાણે કોરોના હોય! આ ફિલ્મની માત્ર નબળાઈની વાતો નહીં કરીએ. એની પાસે થીમ સુંદર છે. નાર્સિઝમની થીમ. પોતાના પ્રેમમાં પડવાના અહંકારનું વિષયવસ્તુ. તમે મને જુઓ! મને સતત જુઓ! એકધારો જુઓ! ક્યાંય પાંપણ ફરકાવો નહીં! આ કેવું છે? તમે કોઈ કાપડની દુકાને ગયા હો. માની લો, જીન્સની દુકાને. ત્યાં બહાર ક્રમબદ્ધ પૂતળાઓ હોય. એને કપડાં પહેરાવ્યા હોય. તમે કપડાં જુઓ પણ પેલા પુતળાને જોવાની તસ્દી કોઈ વખત લીધી? એ રીતે આ સમજી શકાય એવો વિષય આવ્યો છે, પણ તેને ફિલ્મના માધ્યમમાં ઢાળવાની પ્રક્રિયા બેહૂદી છે. થીમ સિવાય એની પાસે કોઈ એવી વાનગી નથી જે ભાવી જાય. એક સરસ વિષયની માવજત જ ન થઈ.

Don't look Away

પાત્રો અધૂરા અધૂરા લાગે છે. જો કોઈની સાથે રિલેશનશિપમાં હોઈએ, કેટલા મહિનાથી એ દિગ્દર્શકે બતાવવાનું કષ્ટ નથી વેઠ્યું, કારણ કે તેને ફિલ્મ નાની બનાવવી હતી, પૈસા બચાવવા હતા. તો કોઈ સાથે રિલેશનશિપમાં હોઈએ ત્યારે તેની નાની-મોટી તમામ વાતો – એનું સારું નરસું શું છે – એને શું ગમે શું નહીં? એ બધું એક આશિક તરીકે જાણી જઈએ. પણ હીરોઈન એક માનસિક રોગીના પ્રેમમાં પડી છે અને એ મરી જવાનો હોય તેની દસ મિનિટ પહેલા તેને ખબર પડે છે, કે ઓહ, આનું ભેજું તો બરાબર નથી. આમાં પેલી સિનેમાઈ સ્વતંત્રાની ક્રાંતિ નથી લાવવાની. આ એક તર્કનો મુદ્દો છે અને એ મુદ્દો સમજી વિચારીને લેપટોપ પર ઉતારાયો નથી. જ્યારે નાયિકાને નાયકની મનોરુગ્ણ અવસ્થા વિષે ખબર પડે છે ત્યાં પણ દિગદર્શકે ક્લાસિક શાઇનિંગ ફિલ્મનું દૃશ્ય બેઠું ઉપાડી લીધું છે.

આટલા બધા પ્રેમીઓ હોવા છતાં, હોલિવૂડની ફિલ્મ હોવા છતાં, કોઈ પ્રેમનું દૃશ્ય નથી, કોઈ સંવાદ નથી. તો એ બધાને ભેગા શું કામ કર્યાં ? કે એક પૂતળું આવે અને મારી નાખે એ માટે? કોઈ પાત્રની હત્યા થાય છે તો અંદરથી વેલકમ ફિલ્મમાં નાના પાટેકર કરે એમ હાથ હલાવી – ચાલો હવે જવા દો – એમ જ કરવાનું મન થાય. એ પાત્રો પ્રત્યે દર્શક તરીકે જે લાગણી થવી જોઈએ એ થતી જ નથી. માથું કપાઈ ગયું અને ધડ ચાલે છે એ સિવાય હત્યાના બીજા દૃશ્યો નામ માત્રની ક્રુરતા દર્શાવે છે. આ કરતાં ફાઇનલ ડેસ્ટિનેશન કે રોંગ ટર્ન જોઈ લેવી!

ઈન્ટરનેટ પર આ ફિલ્મને લઈ એક દર્શકે બરાબરની ભડાસ કાઢી છે, એને અનુમોદન આપવું રહ્યું – “Ignore the title. If you value your eyes and brain, do look away, or rather run away, from this pitiful misbegotten little mutant trying to pass itself off as a tolerable time-waster (‘movie’ is too strong a word). Some films are so bad they’re kinda good in a guilty-pleasure sense and may even become cult/camp classics. No danger of this happening here.”

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments