Homeસિનેમાવાદહોલિવુડ ઇતિહાસની શ્રેષ્ઠ હોરર ફિલ્મોમાંથી એક ‘Drag Me to Hell’ કેવી રીતે...

હોલિવુડ ઇતિહાસની શ્રેષ્ઠ હોરર ફિલ્મોમાંથી એક ‘Drag Me to Hell’ કેવી રીતે બની?

Team Chabuk– Entertainment Desk: એક બેંક છે. બેંકમાં એક સીધી, સાદી અને સરળ મહિલા કામ કરે છે. એક દિવસ એક વૃદ્ધા મકાનના કામ માટે તેની પાસે આવી પહોંચે છે. નિયમ મુજબ કશું થઈ શકે એમ નથી તોય પેલી વૃદ્ધ સ્ત્રી બે દાંતની વચ્ચે સોપારીનો કટકો ચોંટેલો હોય એમ ચોંટી જાય છે. તેના પર હુમલો કરે છે. તેના કાનમાં કશું ગણગણે છે. તેના ખમીસનું બટન લઈ લે છે. જાદુટોનો કરે છે અને હવે? થોડા સમયમાં એ મહિલા બેંક કર્મચારી મૃત્યુ પામશે! તેને ભયાવહ અનુભૂતિઓ થવા લાગે છે. એ બચવાના તમામ પ્રયાસ કરે છે અને અંતે બચી જવાની હોય છે ત્યાં…!!!

આ છે હોલિવૂડ સિનેમા પર એક સમયે રાજ કરનારી સેમ રાયમીની હોરર – સસ્પેન્સ – થ્રીલર ફિલ્મ Drag Me to Hellનો સારાંશ. સેમ રાયમી એટલે જેણે ઇવિલ ડેડ બનાવી હતી. સેમ રાયમી એટલે જેણે માર્વેલ કૉમિક્સમાંથી સ્પાઈડર મેનના ત્રણ ભાગ બનાવ્યા હતા. ટૉબી મેગ્વાયરવાળા! અને છેલ્લે ડૉ. સ્ટ્રેન્જ મલ્ટીવર્સ ઓફ મેડનેસનું કામ પણ તેના ખભા પર સોંપવામાં આવેલું, પણ તે જોઈએ એવું પ્રદર્શન નહોતી કરી શકી, કારણ કે અહીં સેમને છૂટ નહોતી. અગાઉની માર્વેલ ફિલ્મોની સાથે થોડું અનુસંધાન જોડવાનું હતું અને આગામી ફિલ્મ શરૂ થઈ શકે એ રીતે બનાવવાની હતી. તેને ફિલ્મ સર્જક તરીકે પૂરતી સ્વતંત્રતા નહોતી.

રાયમીનું ખાતું એવું છે કે એ એક પટકથા પર કામ કરવામાં વર્ષો લગાવી દે છે. એની ઘણી ફિલ્મોની પટકથા ફિલ્મ બની તેના દસ વર્ષ પહેલા લખાઈ ચૂકી હતી. જોકે સેમની ફિલ્મો ડાર્ક હોય છે. લોહીના ફૂંવારા છૂટે છે. સિલસિલાવાર મોત થાય છે. દૈત્યો હોય છે. એ ઓન સ્ક્રિન ખતરનાક શૈતાન બનાવે છે. પડદાને તે ડરાવવા માટે હોરરનું સગવડિયું સાધન બનાવે છે. પોતાની જ નવી ફિલ્મમાં પોતાની જ જૂની ફિલ્મની કોઈક વસ્તુને પોસ્ટર કે ચિત્ર સ્વરૂપે દર્શાવે છે. એ પણ ક્ષણવાર માટે. જો દર્શકની પકડવાની ત્રેવડ હોય તો પકડી લે!

આ જ રાયમીની ડ્રેગ મી ટુ ધ હેલ. ગુજરાતી તમે જાણો જ છો – મને નર્કમાં લઈ જાવ! ખાસ્સી ચગેલી. હવે તો આધુનિક હોરર ફિલ્મો ડરાવવા માટે નીતનવા ગતકડાં અજમાવતી હોય છે. એમાં એ સફળ પણ જાય છે. જોકે જોઈએ એવી સફળતા તો ક્યાંથી મળે? કારણ કે એક સામાન્ય સ્ત્રીના દાંત વડે ડરાવવાનું કામ સેમ રાયમી કરે છે. મેકઅપના ભપકા દ્વારા તેમાં સફળતા પણ પ્રાપ્ત કરે છે. ફિલ્મની થીમ કાંઈ જાદુટોનાની નથી. વિશ્વભરમાં આવેલી મંદી અને નાયિકાનું ભૂતકાળમાં સ્થૂળતાથી પીડાવું એ તેનું વિષયવસ્તુ છે.

ફિલ્મનું એક દૃશ્ય છે, અભિનેત્રી લોરા જે વૃદ્ધાનો રોલ પ્લે કરી રહી છે તે કારમાં બેસવા જતી નાયિકા પર હુમલો કરે છે. આ દૃશ્ય વાસ્તવિકતાની એકદમ નજીક લાગે, કારણ કે બેઉં અભિનેત્રીઓ સાચ્ચેકમાં સામસામે બથ્થમબથ્થી આવી હતી. અભિનેત્રી એલિસન લોહમને નક્કી કરેલું કે ફિલ્મના તમામ એક્શન દૃશ્યો હું જાતે કરીશ. દિગ્દર્શક સેમ રાયમીનું પણ આ દૃશ્યને લઈ એવું માનવું હતું કે જો એમાં કોઈ સ્ટંટ ડબલનો ઉપયોગ કરવામાં આવશે તો કૅમેરાના કારણે તેની મજા મરી જશે. કૅમેરાનું ફોકસ આ બે નારીઓનાં ચહેરાના હાવભાવ પર જ હોવું જોઈએ. નહીં કે સ્ટંટ ડબલ હોવાના કારણે દૂરથી ઝઘડતી એક યુવાન અને એક વૃદ્ધ બૈરાંને દર્શાવવી!

એલિસન લોહમનને ફિલ્મનું શૂટિંગ થકવી નાખવું હતું. રોજ રાત્રે ઊંઘતા પહેલા તે ટકીલા શૉટ અચૂક લેતી હતી. એટલું જ નહીં, એલિસન પહેલી વખત કોઈ હોરર ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીના રોલમાં હતી. ફિલ્મની તૈયારી માટે તેણે કશુંક નવું કરવાનું નક્કી કર્યું જે તેણે આજ સુધી નહોતું કર્યું. રાત થતાં એ લાઇટ બંધ કરી દેતી અને કોઈ એક હોરર ફિલ્મ જોવાનું શરુ કરતી. જેથી હોરર ફિલ્મમાં અભિનય કેવી રીતે કરાય તેનાથી તે પરિચિત થાય. આવી રીતે તેણે હોલિવુડની લગભગ હોરર ક્લાસિક જોઈ નાખી. એટલે જ્યારે દર્શક ફિલ્મ જુએ છે ત્યારે તેના અભિનયમાં એક પ્રકારની વાસ્તવિકતાનું રંગોરોગાન દેખાય છે. પણ તે હોરર ફિલ્મની આજે પણ મોટી ફેન નથી.

મૂળ તો આ રોલ એલિસન માટે બન્યો જ નહોતો. સ્ત્રીમાંથી પુરુષ બનેલી અને ઇન્સેપ્શનની એકમાત્ર લેડી સ્ટાર Ellen Pageનું આ ફિલ્મ પર નામ લખાયેલું હતું. પરંતુ એટલામાં સ્ક્રિન એક્ટર ગીલ્ડની હડતાળ પડી ગઈ. આ રોલ તેના હાથમાંથી સરકી ગયો.

ફિલ્મની શરુઆત થાય ત્યારે એવું ન લાગવું જોઈએ કે ફિલ્મ ફ્લેશબેકમાં જઈ રહી છે. એડિટર હતા બોબ મુરાવસ્કી. એમણે દિગ્દર્શક સેમને કહ્યું કે ફિલ્મનો લોગો 1980નો રાખીએ. એટલે જ્યારે ફિલ્મ જુઓ છો ત્યારે યુનિવર્સલ પિક્ચરનો લોગો 1980નો છે. અને ત્યાંથી વાર્તા 1969ની શરુ થાય છે. આ કારણે દર્શક સીધા અતીતની કથા સાથે કનેક્ટ થઈ શકે. એ દર્શકને દર્શાવવા માટે છે કે તમે 1969માં આવી ગયા છો. ત્યાંથી કથા વર્તમાનમાં પહોંચે છે. તોય ફિલ્મમાં ફ્લેશબેક તો છે જ! આ અઘરો ફકરો એમના જ પલ્લે પડવાનો જે ફિલ્મ જોશે.

drag me to hell

1992માં આર્મી ઓફ ધ ડાર્કનેસ ફિલ્મ આવી. જે સેમ રાયમીની જ ઇવિલ ડેડનો જ હિસ્સો હતી. ડ્રેગ મી ટુ ધ હેલ ફિલ્મ તો 90’sમાં જ લખાઈને તૈયાર થઈ ગઈ હતી, પરંતુ જ્યારે બનાવવાની તૈયારી કરી ત્યારે સેમની પાસે મસમોટો પ્રોજેક્ટ આવી ગયો. એ આ પ્રોજેક્ટને કોઈ પણ ભોગે છોડવા નહોતો માગતો, કારણ કે તેની વિશ્વભરમાં ઇમેજ બની જાય એમ હતું. પ્રોજેક્ટ ખાસ્સો લાંબો. 2002થી શરૂ થાય તે છેક 2007 સુધી ચાલે. એ પ્રોજેક્ટ એટલે સ્પાઈડર મેન. એ આખો પૂર્ણ કર્યાં પછી સેમ રાયમીએ આ ફિલ્મની શરુઆત કરી.
ફિલ્મનો ક્લાઈમેક્સ સીન કબરનો છે. વૃદ્ધા તો મૃત્યુ પામી. કબરમાં દાટી આવ્યા. એને ત્યાંથી અભિનેત્રી બહાર કાઢવાનો પ્રયાસ કરે. સડી ગયેલો મૃતદેહ. ખદબદે જીવડાં. એટલે મેકઅપમાં પણ મહેનત. ઉપરથી વરસાદ પણ પડતો હોય. પોતે પણ અંદર ખૂંપતી જાય. આ દૃશ્ય સતત બે અઠવાડિયા સુધી ફિલ્માવવામાં આવ્યું હતું. જ્યારે રાયમીએ ઓકે કહ્યું ત્યારે જ એલિસનના શ્વાસમાં શ્વાસ આવ્યો.

જો તમારે ચીલાચાલુ નહીં પણ કશીક થીમવાળું હોરર જોવું હોય તો ડ્રેગ મી ટુ ધ હેલ અચૂક જોવું. હોલિવુડ ઇતિહાસની શ્રેષ્ઠ પચાસ હોરર ફિલ્મમાં ફેન્સે એને સ્થાન આપ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments