Chapter – 1 કૉર્ટમાં હત્યા
આરોપી અક્કુ યાદવને કૉર્ટમાં લઈ આવવામાં આવ્યો. એની સાથે એક બીજો ગુનેગાર પણ હતો. એક હથકડી અને એના બેઉં છેડે બંનેના એક એક હાથ. અક્કુને ખબર હતી કે એના દિવસો ભરાઈ ગયા છે પણ રોફ બતાવવાનું ભૂલ્યો નહીં. પોલીસ વેનમાંથી ઉતરતાં જ તેણે એક મહિલાની સામે પોતાની મૂછ પર હાથ ફેરવ્યો અને આંખો કાઢી મર્દાનગી બતાવતા કહ્યું : “હું બહાર આવું એટલે જોઈ લઈશ.” મહિલાઓ જેમ તેમ કરીને હિંમત એકઠી કરી અહીં પહોંચી તો ગયેલી પરંતુ અક્કુ જ્યારે પોલીસ વેનમાંથી નીચે ઉતર્યો ત્યારે બધી મહિલાઓની સ્થિતિ પોબારા ગણવા પડે એવી થઈ ગઈ હતી. એવામાં ઉપર કહ્યું એ મુજબનો અક્કુએ સંવાદ ફટકાર્યો. એક મહિલા જેના ઘરમાં એક બીજી મહિલા ભાડે રહેતી હતી તેના પર અક્કુએ બળાત્કાર કર્યો હતો. એ મહિલાએ ગુસ્સામાં આવી ચંપલ કાઢ્યું અને અક્કુ પર ફેંક્યું. અક્કુ તો હટી ગયો પણ પાછળ ઊભેલા પોલીસ કૉન્સ્ટેબલની છાતી પાસેથી થઈ એ ચંપલ નીચે પડી ગયું. એક રીતે ઘા ચૂકી જવાયો પણ ઘા બરાબર લાગ્યો હતો! વાત જાણે એવી કે કોઈ એક મહિલાને ફક્ત આરંભ કરવાનો હતો. ચંપલે હત્યાનો આરંભ કર્યો. મહિલાઓ ક્રોધે ભરાઈ અને દોડી. અક્કુને રણચંડી બનેલી મહિલાઓથી બચાવવા માટે પોલીસ કૉર્ટમાં લઈ ગઈ અને બારણું બંધ કરી દીધું. મહિલાઓ એટલી તાકાત સાથે દરવાજા પર હાથ પછાડી રહી હતી કે ક્યાંક આ દરવાજો તૂટી ન જાય. એવામાં અંદર પણ ઝૂંપડપટ્ટીની કેટલીક મહિલાઓ ત્યાં પહેલાથી હાજર હતી. અક્કુને આવતો જોઈ એક મહિલાએ હાથની મુઠ્ઠીમાં કેદ કરી રાખેલા મરચાનાં પાવડરને હવામાં વહેતો કર્યો. એ અક્કુની આંખમાં જઈ પડ્યો. અક્કુ ભાગ્યો. ત્યાં સુધીમાં બીજી મહિલાઓએ કૉર્ટમાં પ્રવેશવાનો રસ્તો શોધી લીધો હતો. અક્કુ નાગપુર જિલ્લા કોર્ટનાં ન્યાયરૂમમાં હાંફતો હાંફતો આવ્યો. મહિલાઓ પણ પહોંચી. મરચાનો પાવડર તેની આંખમાં છાંટ્યો અને તૂટી પડી. સંતાડીને રાખેલા હથિયારો કાઢી અક્કુના શરીરમાં જ્યાં જગ્યા મળી ત્યાં પરોવવા લાગી. કોઈએ કાન કાપ્યો… તો કોઈએ વળી શું નું શું? લિંગ પણ બાકી ન રાખ્યું. શરીર જાણે બટેટું હોય એમ ચાકુ અને છરાઓ શરીરમાં જતાં – આવતા, ફરી જતાં – આવતા. એનું શરીર મહિલાઓ માટે એવું ગોદડું બની ગયું હતું જે સીવાઈ નહીં ત્યાં સુધી એમાં સોઈ પરોવી કાઢવામાં આવે. ચાકુ હાડકા સાથે અથડાય વાંકા વળવા લાગ્યા. કોઈનું ચાકું વાંકુ વળી ગયું તો તેણે કૉર્ટરૂમની બહાર આવી પથ્થરથી ચાકુ સીધું કર્યું. ફરી અંદર ગયું અને ફરી કાપાકાપી. જાણે ખાટકી નિર્દય રીતે કોઈ બકરો કે પાડો કાપતો હોય. તેનો હાથ જે આરોપી સાથે બંધાયેલો હતો, એ પોતાનો હાથ ખેંચી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ ભીડને ફક્ત અક્કુથી લગાવ હતો. એણે તેને વતાવ્યો સુધ્ધાં નહીં. અક્કુનું શરીર ચાસણી થઈ ગયું. આરોપીનો તો ગળામાંથી અવાજ જ નહોતો નીકળતો. જે અવાજ આવતો હતો એ માત્ર સ્ત્રીઓનો હતો. એ અવાજમાંથી ક્રોધનો લાવારસ બહાર નીકળતો હતો. અક્કુ ઢેર. તોય લાગ્યું કે જીવે છે? ફરી માર્યો. કામ પત્યું એટલે મહિલાઓ ત્યાંથી ખુશ થતી ચાલી ગઈ. અક્કુના શરીરમાંથી તેલનું ટેન્કર ઢોળાયું હોય એમ લોહી કૉર્ટરૂમમાં ફેલાય ગયું. પોલીસ અંદર આવી. બીજા આરોપીએ વિનંતી કરી કે મને તો છોડાવો એટલે એને છોડ્યો. એને ભૂખ લાગી હતી. એના માટે સમોસા મંગાવ્યા. એ પોલીસ વેનમાં બેસી સમોસા ખાવા લાગ્યો. સમોસાની સાથે મરચું હતું. એણે મરચું પણ ખાધું. આવું આંખે જોનારો તો બીકમાં ને બીકમાં ભગવાનને પ્યારો થઈ જાય, પણ એ મજાથી સમોસા ખાતો હતો! તો કોણ હતો આ અક્કુ યાદવ?
Chapter – 2 – અક્કુનો ઇતિહાસ
1972માં અક્કુનો જન્મ થયો. એનું નામ અક્કુ નહોતું. ભરત કાલીચરણ એનું સાચું નામ. 13 ઓગષ્ટ 2004માં જ્યારે તે 32ની વયનો હતો ત્યારે કૉર્ટરૂમમાં તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. વિશ્વભરમાં આ હત્યાના પડઘા પડ્યા હતા. જ્યાં તેની હત્યા થઈ એ નાગપુરનું જિલ્લા ન્યાયાલય હતું. જે મહિલાઓ તેની હત્યામાં સામેલ હતી, એ ત્યાંના કસ્તુરબા વિસ્તારમાં રહેતી હતી. અક્કુ પણ ત્યાં જ તેમની સાથે મોટો થયો હતો અને ગુનાખોરીની દુનિયાનો બાદશાહ બની ગયો હતો. અક્કુ પહેલા આવો નહોતો. એ ભણવા પણ જતો. પરિવાર પાસે ગાયો હતી. ગાયોને ચરાવવા માટે જતો. એ દૂધ દોહતો. દૂધ દોહવાના કારણે એના હાથ ખૂબ મજબૂત થઈ ગયાં હતાં. ખાસ કરીને તેના જમણા હાથની એક આંગળી ખાસ્સી મોટી હતી. એ વિસ્તારના નાના-મોટા અપરાધીઓની સાથે રહેવા લાગ્યો અને ધીમે ધીમે પોતાની શાખ વધારવા લાગ્યો. એને બહુ મોટું હીરો બનવું હતું. હીરો ઈન ધ સેન્સ કે કસ્તુરબા વિસ્તારના ગરીબ લોકો તેનાથી ડરે. એ કહે એમ જ થાય. ચોરી, લૂંટફાટ, છેડતી, ઉઘરાણી એવું બધું કરતો, કોઈના પણ ઘરમાં ઘુસી એ ખાવાનું માગતો. ખાવાનું ન આપે તો માર આપતો. રાત્રે કોઈ ઘરનું બારણું ખખડાવે ત્યારે ઘરધણીની છાતીનાં પાટીયાં બેસી જતાં હતાં. કોઈના પણ ઘરમાં ઘુસી જઈ ગાળો બકતો. સ્ત્રીઓને તો દીઠી ન મૂકે. ગમે તેવા અપશબ્દો બધાની સામે બોલે.
પ્રતિભા ઉરકુડે અને તેના પતિ દત્તુની એક કરિયાણાની દુકાન ચાલતી હતી. એક દિવસ ત્યાં આવ્યો અને મારામારી કરી. ગુસ્સામાં એણે બરણીમાં હાથ માર્યો તો પોતાના જ હાથમાં ચીરો પડી ગયેલો. પ્રતિભાએ જ તેને હાથમાં હળદર ચોપડી અને પાટોવાળી આપ્યો હતો. તોય એ ત્યાં જઈ હપ્તા માગતો. જે મન થાય એ વસ્તુ લઈ લેતો. જાણે એને હ્રદય જ ન હોય. લાગણીશૂન્ય મનુષ્ય. પ્રતિભાના પતિને એણે એની સામે મારેલો. ચોખ્ખા શબ્દોમાં કહેવું હોય તો એની કસ્તુરબા નગરમાં એક મહિલાથી ‘ફાટતી’ હતી. એ મહિલાનું નામ આશા ભગત.
Chapter – 3 – આશા ભગતની નિર્મમ હત્યા
આશા ભતગતનો દારૂનો ધંધો હતો. એનું કસ્તુરબા વિસ્તારમાં વર્ચસ્વ હતું. આશાને લાગ્યું કે અક્કુ કારણ વગરનો દાદાગીરી કરે છે એટલે તેણે પોતાના માણસોને બોલાવ્યા અને અક્કુને બાટલીમાં ઊતારવાનું કહ્યું. એમણે અક્કુની સાથે મિત્રતા કરી. રાતના સમયે તેને ચીક્કાર દારૂ પીવડાવ્યો. જ્યાં સુધી નશો ન ચડી જાય. આંખો લાલ ન થઈ જાય અને ઊંઘ ન આવવા લાગે. જેવો એ નશામાં ચકચૂર થયો કે આસપાસ જેટલા પણ કુખ્યાત ગુનેગારો હતા એ અક્કુ પર છરી-ચાકા લઈ તૂટી પડ્યા. જોગાનુંજોગ એ ભાગવામાં સફળ થયો. એનો જીવ જે વ્યક્તિએ લોહી આપી બચાવ્યો એની જ અક્કુએ કસ્તુરબા નગરમાં ભરબજાર વચ્ચે હત્યા કરી નાખેલી. શું કામ? કારણ કે એ બધાની સાથે બોલતો હતો. અક્કુનું માનવું હતું કે એને ફક્ત મારી સાથે જ બોલવું જોઈએ. આશાની સાથે શું કામ બોલે છે? એણે કહ્યું કે અક્કુ તું પણ મારો મિત્ર અને આશા પણ મારી મિત્ર છે. મારે તો કોઈ સાથે વાંધો નથી. હજુ દિવસ ઊગીને અડધો આથમ્યો હતો. પહેલા તો મિત્રની સાથે ઝપાઝપી થઈ અને અક્કુ ત્યાંથી ચાલ્યો ગયો. બાદમાં પાછો આવ્યો અને મિત્રના પેટમાં છરો ભોંકી દીધો. આશા ત્યાં જ હતી. એણે બૂમ પાડી કે – જેણે તારો જીવ બચાવ્યો એને જ તે માર્યો. પોલીસ અક્કુને લઈ ગઈ પણ એ એકાદ વર્ષમાં છૂટી ગયો. હવે એના નિશાના પર આશા ભગત હતી. કસ્તુરબા વિસ્તારમાં દારૂનો ધંધો ભલે કરતી હોય પણ આશા સૌની મદદ કરતી હતી. અક્કુ કોઈને કંઈ કહે તો આશા તેને ઊભેઊભો ચીરી મીઠું-મરચું ભરી દે એવી રીતે તેની સાથે આંખમાં આંખ મિલાવી વાતો કરતી. કસ્તુરબા નગરના લોકો માટે આશા એક જ સહારો હતી. ત્યાં અક્કુ જેલમાંથી છૂટી ગયો. એણે આશાનું કાસળ કાઢવાનો પ્લાન ઘડ્યો. રાતના આશાનાં ઘરની બહાર બધા ઊભા હતા. એક વ્યક્તિએ બારણું ખખડાવ્યું. બારણું ઉઘડ્યું તો એણે પાણી માગ્યું. આશા અંદર ગઈ અને પાણીનો લોટો લઈ આવી. તેણે જોયું તો એ વ્યક્તિ ત્યાં નહોતી. આશા ઘરની થોડી બહાર આવી કે તેના વાળ પકડી ખેંચી લીધી અને બધા તૂટી પડ્યા. તેના સ્તન કાપ્યા. શરીરનું એક અંગ પણ બાકી ન રહ્યું જ્યાં અક્કુ અને તેના શાગીર્દોની ચાકુ ન ફરી હોય. આ બધુ આશા ભગતની દીકરીની સામે બન્યું હતું.
Chapter – 4 – અક્કુના કાળાકામ
અક્કુએ જઘન્ય કૃત્યો કર્યાં હતા. એક મહિલાએ દસ દિવસ પહેલા બાળકને જન્મ આપેલો. અક્કુ અને તેના સાથીઓએ તેના પર બળાત્કાર કર્યો. બાદમાં એણે કેરોસીન છાંટી આત્મહત્યા કરી લીધી. એક મહિલાના પેટમાં સાત મહિનાનું બાળક હતું. અક્કુ અને તેની ગેંગે તેના પર પણ બળાત્કાર કર્યો. પરિવારને ધમકી આપી કે જો કોઈ પોલીસ પાસે ગયું તો હત્યા કરી નાખીશું. અને રોજે અહીં આવીશું. કસ્તુરબા વિસ્તારના લોકોએ કહેલું કે, કેટલાક પોલીસ અધિકારીઓ પણ તેને છાવરતા હતા. કેસ ફાઇલ નહોતા કરતાં. દસ અને તેર વર્ષની કિશોરી પણ તેનો શિકાર બની હતી. કસ્તુરબા નગરમાં એક ઘર છોડો તો બીજું ઘર અક્કુનું શિકાર બનેલું હતું. એક મહિલા તેનો બળાત્કાર થતાં પોલીસ પાસે ગઈ હતી પણ એનું અક્કુ સાથે અફેર ચાલતું હતું એવી કાલ્પનિક ઘટના બની ગઈ. જે લોકો અક્કુની શૈતાનિયતનો શિકાર બનેલા એમાંથી એકે અક્કુને મારવાનો છ વખત પ્રયાસ કરેલો પણ એ સફળ નહોતો થયો. આમ નહીં તો આમ મરવું તો છે જ. બે મહિલાઓએ નક્કી કર્યું કે હવે એ આવે એટલે કાસળ કાઢી નાખવું. અક્કુ એમને ત્યાં આવ્યો. કમરમાંથી ધારદાર છરો કાઢી ઓશિકા પર મૂક્યો. એક મહિલા રસોડામાં હતી. અક્કુએ ખાવાનું માગ્યું. બીજી મહિલા લઈ આવી. અંદર રહેલી મહિલા અક્કુની આંખમાં નાખવા ચટણી તૈયાર કરી રહી હતી, પણ ખબર નહીં કેમ? અક્કુને ભનક લાગી ગઈ. એ ત્યાંથી ખાવાનું અધૂરું છોડી ભાગ્યો. પેલી મહિલાઓએ તેને રોકવાની કોશિશ કરી પણ ઊભું કોણ રહે? અક્કુને ખબર પડી ગઈ તો હવે આ મહિલાઓનું આવી બનવાનું હતું એટલે એમણે ઘર છોડી દીધું. કસ્તુરબા વિસ્તારમાં આમ કેટલાય ઘરોને અક્કુના ત્રાસથી તાડા લાગી ગયા હતા.
Chapter – 5 – ગેસના બાટલાથી લાગેલી આગ
ઉષા નારાયણ એ વિસ્તારમાં સારું કહી શકાય એવું ભણેલી હતી. એની ઇચ્છા હતી કે અહીં રહેતા ગરીબોને પણ તે ભણાવે. એણે હોટલ મેનેજમેન્ટનો કૉર્સ કર્યો હતો એટલે થોડા આધુનિક કપડાં પહેરતી. અક્કુ તેને કહેતો કે અહીં આવા કપડાં નહીં પહેરવાના. એક રાત્રે એ ઊંઘતી હતી ત્યારે કશોક અવાજ આવ્યો. ઘરની ઇંટ હટાવી તેણે જોયું તો અક્કુ અને તેના માણસો એક પછી એક એમ તેની સામેના ઘરમાં જઈ બહાર આવતા હતા. ઊષા સમજી ગઈ. બીજા દિવસે એ મહિલાએ ઉષાને પોતાની સાથે શું થયું એની વાત કરતાં ઉષા તેને લઈ પોલીસ સ્ટેશને ગઈ, પણ એ બીકની મારી ત્યાંથી ભાગી આવી. અક્કુને ખબર પડી કે એક મહિલાને ઉષાએ મારી વિરુદ્ધ ભડકાવી છે એટલે રાત્રે એ પોતાની ગેંગ લઈ તેના ઘર પર ત્રાટક્યો. ઉષાને અહીં ન લખાઈ એવી ગાળો આપી. એ પણ કહ્યું કે આશા ભગત કરતાં પણ તેની ખરાબ સ્થિતિ કરીને રાખી દેશે. ઉષાએ પહેલા તો પરિવારને અંદરના રૂમમાં જવાનું કહ્યું. કોઈ ફિલ્મી દૃશ્ય સર્જાતું હોય એ માફક ઉષાએ રસોડામાંથી ગેસનો બાટલો કાઢ્યો અને એની નળી બારણાના એક ખાનામાંથી બહાર કાઢી. હાથમાં માચીસ લીધી અને જોરથી બૂમ પાડી કે અંદર આવ્યા તો ગેસના બાટલામાં આગ લગાવી તમારા પણ ચીંથડા ઉડાવી દઈશ. અક્કુ અને તેના સાથીઓ બી ગયા. આ વાતથી આસપાસના લોકોમાં હિંમત આવી અને બધા જે હાથમાં આવ્યું એ લઈ અક્કુને મારવા માટે દોડ્યા. અક્કુ ભાગ્યો અને ભાગીને કસ્તુરબા વિસ્તારમાં આવેલા ગંદકીના કાદવની જગ્યા, જ્યાં કમર સુધી કાદવ હતું ત્યાંથી માંડ માંડ જીવ બચાવી ભાગી ગયો. હવે વધારે સહન નથી કરવું! મહિલાઓ અને પુરુષો હાથમાં જે હથિયાર હોય એ લઈ અક્કુને શોધવા લાગ્યા. રેલવેના ફાટકથી લઈ આસપાસના બીજા વિસ્તારોમાં પણ અક્કુની તલાશ કરી પણ તે પાતાળમાં ઉતરી ગયો હતો. એણે પોલીસ આગળ પોતાને સરેન્ડર કરી દીધો. ત્રણ રાત અને બે દિવસ સુધી બધા જાગતા રહ્યા. કોઈ કામ પર ન ગયું. બધાની પાસે જેટલા પૈસા હતા એ ભેગા કરી જમતા. મીડિયા પાસે પણ ગયા તો મીડિયાએ ઉલ્ટાનું એમને ન પૂછવા જોઈએ એવા સવાલો કર્યાં. અંતે એક અખબારમાં અક્કુને કૉર્ટમાં લઈ જવાનો છે એવો અહેવાલ છપાયો. એ દિવસે બધા તૈયાર થઈ ગયાં. એ દિવસ એટલે 13 ઓગષ્ટ 2004. છરી, ચાકા, પથ્થરો લીધા. કોઈ ટાટા સુમોમાં, તો કોઈ રીક્ષામાં, તો કોઈ સરકારી બસમાં નાગપુર કૉર્ટ પહોંચ્યું. મહિલાઓ રાહ જોઈ જોઈને થાકી. સામે જ ચાની ટફરી હતી. ચા મંગાવી અને ચુસ્કી ભરે ત્યાં તો અક્કુને લઈ પોલીસ વેન આવી ગઈ. ચાના કપ ટપાટપ નીચે મૂકાતા ગયા. અને જે બન્યું તે હિંમત હોય તો ઉપર જઈ ફરીથી વાંચી લો…
Chapter – 6 – લિટરેચર
આ ઘટનામાં હત્યાને બાજુ પર મૂકો તો પાપી અક્કુને ઢીલો કરવા મહિલાઓનાં ટોળાએ ચટણીનો ઉપયોગ કરેલો. એ ચટણીનો ઉપયોગ મીર્ચ મસાલા ફિલ્મમાં પણ આવે છે. 1987માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં સુબેદાર સોનબાઈને ગમે તે રીતે પ્રાપ્ત કરવા માંગતો હોય છે. સોનબાઈ એક ઘરમાં છુપાઈ જાય છે. ત્યાં બીજી કેટલીક મહિલાઓ પણ છે. અંતમાં સુબેદારને પાઠ ભણાવવા માટે મહિલાઓ તેની આંખમાં તીખું મરચું છાંટે છે. એ મીર્ચ મસાલા ફિલ્મ અબ્બુ મકરાણી નામની જે વાર્તા પરથી બની એના લેખક એટલે આપણા સર્જક શ્રી ચુનીલાલ મડિયા. આંખમાં છાંટવાનું મરચું ક્રોધ અને પ્રતિશોધનું પ્રતીક છે. ક્યારેય આપણે વિચાર પણ કરેલો કે ચુનીલાલ મડિયાને આ રીતે પણ યાદ કરવા પડશે?

તાજેતાજો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત