Team Chabuk-Special Desk: તમે હિન્દી કે અંગ્રેજી ફિલ્મના ચાહક હશો. અંગ્રેજી છોડીને અહીં હિન્દીની જ વાત કરીએ. સુજોય ઘોષ દિગ્દર્શિત અને વિદ્યા બાલન અભિનિત કહાની ફિલ્મ જોનારાઓને એમાં આવતા એક કાલ્પનિક હત્યારા બોબ વિશ્વાસ વિષે ખ્યાલ હશે. ત્યારે ગુજરાતી અખબારોએ બોબ વિશ્વાસ નામના એ પાત્રની ખૂબ પ્રશંસા કરી હતી. બોબનો દેખાવ તદ્દન ભોળો છે. આંખ પર ચશ્મા. સિમ્પલ કપડાં. બગલ થેલો. એના પર અલગથી ફિલ્મ બની જેમાં અભિષેક બચ્ચન હતો, પણ એ ચાલી નહીં. સુજોય ઘોષે પસંદ કરેલો અભિનેતા હિન્દી પટ્ટીએ ક્યારેય જોયો નહોતો. એ બંગાળી હતો અને કૉમન મેન લાગતો હતો. જો કોઈ એવું પાત્ર થીએટરના વિશાળ પડદા પર અને મોટી સ્ટારકાસ્ટ વચ્ચે આવી જાય, જેની એ જગ્યા નથી અને ઓછાં ફૂટેજમાં કલાના કામણ પાથરી દે તો સ્વાભાવિક છે તેની ચર્ચાં થવાની. કહાની, સુજોય અને બોબ વિશ્વાસને યાદ કરવાનું એક પુખ્તા કારણ છે. બોબ વિશ્વાસથી લઈને કેટલાય કાલ્પનિક સિરિયલ કિલર્સનો દેખાવ જેફરી ડેહમર (jeffry dahmer) પરથી કોઈ ને કોઈ રીતે પ્રેરિત છે.
જેફરી પણ એવો જ દેખાતો. આંખ પર રંગબેરંગી – નંબરના ચશ્મા પહેરતો. સિમ્પલ લૂગડા. દેખાવ પણ તદ્દન સામાન્ય. ઇસ્ત્રી કરેલી હોય એવો ચહેરો! આંખો ક્યારેય મટકું નહીં મારે એવી. જાણે પાંપણ જ ન હોય. કોણ માની શકે કે એણે 17 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
21 મે 1960ના રોજ અમેરિકાના વિસ્કૉન્સિનમાં એનો જન્મ થયો. જેફરી નાનું બાળક. કરમની કઠણાઈ કે માતા-પિતા ધ્યાન નહોતા આપતા. પિતા રિસર્ચ કેમિસ્ટ હતા. જાનવરોનાં હાડકાને પીગળાવવા, સાફ કરવા એ બધું એ પિતાને જોઈને શીખ્યો. માતા પિતાનું લક્ષ નહીં એટલે એકલો પડી ગયેલો અને જ્યાં ને ત્યાં મરેલા જાનવરોને ખોળ્યા કરતો. જાનવર મળે એટલે એના હાડકાઓ કાઢે. ધ્યાનથી જુએ. એને સાફ કરે. એના પર પોતાનો મુલાયમ હાથ ફેરવે. એને પાશવી આનંદ પ્રાપ્ત થાય.
એણે એક વખત ચીકન ખાતી વેળાએ પિતા લિયોનેલને પૂછ્યું : “હેં પપ્પા, ચીકનના હાડકાઓને બ્લીચમાં રાખવામાં આવે તો શું થાય?” પિતાને લાગ્યું કે આ તો પુત્રની જિજ્ઞાસાવૃતિ છે. એને સંતોષવી જોઈએ. એટલે એમણે આખો પ્રયોગ કરી બતાવ્યો. એમને નહોતી ખબર કે આ પ્રયોગ જ તેને ઇતિહાસનો ખૂંખાર સિરીયલ કિલર બનાવી દેશે. જેફરી ડેહમરે આ પ્રયોગને પોતાના ભેજામાં ઉતારી લીધો.
પહેલા તો મરેલા જાનવરને શોધવાની પ્રવૃત્તિ ચાલતી. રોજે મરેલા જાનવરો ક્યાંથી મળે? એટલે એણે જાનવરોની હત્યા કરવાનું શરૂ કર્યું. એના પર અગમ-નિગમના પ્રયોગો કર્યા. હત્યા કરી એ જાનવરોને કોઈ ઋજુ હ્રદયનો મનુષ્ય હોય એ રીતે દાટતો. એની કબરને સુશોભિત કરતો. જાનવરો સુધી બરાબર હતું પણ તેની વિકૃતિ હવે મનુષ્યને મારવા સુધી લંબાતી જતી હતી. એની મનોરુગ્ણ અવસ્થા તેની પાસે આ કૃત્ય ક્યારે કરાવે તેની જ પ્રતીક્ષામાં હતી, અને એ બર્બરકૃત્ય પણ એ દિવસે થયું.
1978ની વાત. જેફરીને એક રૉક કૉન્સર્ટમાં સ્ટીવન હિક્સ નામનો યુવાન મળ્યો. હિક્સે તેની પાસેથી લિફ્ટ માંગેલી. કારમાં જ જેફરીએ હિક્સને ઘરે બીયર પીવા આમંત્રણ આપ્યું. પેલો માની ગયો. બીયરના થોડા ટીન ગળા નીચે ઉતર્યાં. ઠીકઠીક નશો ચડ્યો. હિક્સ સમલૈંગિક નહોતો. એણે છોકરીઓની વાતો શરૂ કરી દીધી જેમાં જેફરીને મજા નહોતી આવી રહી. વાતો પૂર્ણ થઈ. સ્ટીવન હિક્સે કહ્યું કે, હું ઘરે જવા ઇચ્છું છું. પરંતુ જેફરીની ઇચ્છા નહોતી. જેફરીએ ઘરમાં રહેલા એક ચાર કિલો પાંચ ગ્રામના ડમ્બેલને તેના માથા પર ફટકાર્યું. સ્ટીવનનું ઢીમ ઢળી ગયું. પણ તે હજુ કપાયેલા બકરાની જેમ તરફડતો હતો. જેફરીએ તેનું ડમ્બેલથી જ ગળું દબાવ્યું અને બાકી બચેલા શ્વાસને પણ હવામાં વિલિન કરી નાખ્યા.
હિક્સના મૃત્યુ બાદ તેણે વિચિત્ર કૃત્ય કર્યું. તેણે તેના કપડાં ઉતાર્યાં અને તેની ઉપર જ હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું. એક દિવસ સુધી હિક્સની લાશ તેના ઘર પર ઘરના અસબાબની જેમ પડી રહી. બીજા દિવસે બેઝમેન્ટમાં સ્ટીવનના શરીરના નાના નાના કટકાઓ કરી તેને થેલામાં ભરી રાખી દીધા. બીજે ક્યાંય નહીં પણ આંગણામાં દફનાવ્યા. અઠવાડિયાઓ પસાર થયા બાદ તેણે ફરી કબર ખોદી. એમાંથી હાડકાઓ અને બચેલું માંસ બહાર કાઢ્યું. માંસને એસિડમાં ગળાવ્યું અને સંડાસમાં વહાવી દીધું. હાડકાઓ વધ્યા તો એને હથોડીની મદદથી તોડી જંગલમાં વેરવિખેર કરી દીધા. આવું મોત તો કોને મળે?
કોઈને ખ્યાલ સુધ્ધાં ન આવ્યો કે તેણે આ હત્યાકાંડ કર્યો છે. વર્ષો વરસાદની જેમ વીતતા ગયા. પિતાની આજ્ઞાને વશ થઈ તેણે આર્મી જોઈન કરી લીધી. એ સામાન્ય સૈનિક હતો. દારૂનો એને વળગાડ થઈ ચૂકેલો. ત્યાં પણ બે ચાર છાનગપતિયાં કરેલા એટલે ઉચ્ચ અધિકારીઓની રડારમાં તે હતો જ. આવો સૈનિક સૈન્યમાં ન ચાલે એટલે એને પાણીચું પકડાવી દીધું.
1980નો દાયકો શરુ થવાનો હતો. હવે લાંબાવાળ, સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મો, કસાયેલા શરીર એ બધાનો જમાનો આવવાનો હતો. હોરર અને મર્ડરની ફિલ્મો, ખાસ તો સ્લેસર ફિલ્મો, હોલિવૂડ પર પોતાનું વર્ચસ્વ જમાવવાની હતી. માઇકલ જેક્સનનો ‘થ્રીલર’થી ઉદય થવાનો હતો. અને એમાં જેફરી આ દાયકાને પોતાની રીતે બ્લૉકબસ્ટર બનાવવાનો હતો. બીજી હત્યા માટે તેણે એક સમલૈગિક યુવાનને નિશાનો બનાવ્યો. એ તેને હોટલમાં લઈ ગયો. એને ડ્રગ્સ આપ્યા અને પછી તેની નિર્મમતાપૂર્વક હત્યા કરી નાખી. કેટલીક હત્યાઓ તેણે પોતાની દાદીનાં ઘરમાં કરી. દાદીનાં ઘરમાંથી નીકળીને એ એક એપાર્ટમેન્ટમાં રહેવા લાગેલો અને ત્યાં જ કાપાકાપી કરતો.
1978માં હત્યા કરવાની શરુઆત થઈ તે 1991 સુધીમાં તેણે 17 સમલૈંગિકોની હત્યા કરી નાખી. આમાંથી કેટલાક તો 14 વર્ષની વયના કિશોરો હતા. મુખ્યત્વે લેટિન, એશિયન અને હબસી લોકોને તે શિકાર માટે પસંદ કરતો હતો. એમની કાળી અને ઘઊંવર્ણી ચામડી તેને ઉત્તેજીત કરતી હતી. એની છાતીનું હ્રદય કાઢી લેવા માટે ઉશ્કેરતી. ગે બાર, બસ સ્ટોપ, મોલ… અહીંથી તેને તેના શિકાર મળી જતાં હતાં. એ તેને ઘરે સમલૈંગિક મૈથુનની લાલચ આપી લઈ આવતો. જો એનાથી વાત ન બને તો પૈસાની લાલચ આપતો અને એ લાલચમાં નિર્દોષ લોકો ફસાઈ જતા. વળી ક્યારેક ડ્રગ્સ નામનું બિસ્કુટ આપી એમને કૂતરાની જેમ ફોસલાવી લેતો. મારી નાખ્યા પછી પણ તે એમની સાથે શારીરિક સમાગમ કરતો હતો. માર્યા પછી શરીરના અંગોને નાના નાના કટકામાં વિભાજીત કરી નાખતો. કોથળામાં ભરી લેતો. પરંતુ બોડી પાર્ટમાંથી કોઈ વસ્તુ એને ગમી જાય તો એ પોતાની પાસે સાચવીને રાખી લેતો. જેમાં પ્રાઇવેટ પાર્ટનો પણ સમાવેશ થાય! રહી વાત હાડકા અને માંસની તો એને 57 ગેલનના એક કેરબામાં નાખી નષ્ટ કરી દેતો હતો. એ કેરબો ઘરમાં હત્યા કરી છે, તો એનું પ્રમાણ નેસ્તાનાબૂદ કરવા માટે જ હતો.
એરોન લિન્ડેસની જ વાત કરીએ. ઓગણીસ વર્ષની તેની ઉંમર. અરેરાટી ઉપજી આવે એવી રીતે ડેહમરે તેની હત્યા કરી. એણે તેના માથામાં કાણું પાડ્યું અને હાઇડ્રોક્લોરિક એસિડ નાખ્યું. બોડી પાર્ટ્સને ખાવાનો પણ તેના પર આરોપ લાગી ચૂક્યો હતો. જો હત્યા ન કરી શકે તો શોષણ કરતો હતો. એમાંથી બે વ્યક્તિઓનું શોષણ એણે એ સમયે કર્યું જ્યારે તે આર્મીમાં હતો અને ત્રીજી વ્યક્તિ વિષે સાંભળી હેરાન થઈ જશો. જેણે એને માર્યો એ એનો જ ભાઈ!
હત્યા કર્યાં પછી ફોટો પાડવાનો પણ શોખ. એ ફોટો ડ્રેસિંગ ટેબલ અને ફ્રિજરમાં સાચવીને રાખતો. તસવીરો એવી કે પુરુષો નગ્ન હોય. ઉત્તેજીત કરતાં અલગ અલગ પોઝમાં હોય. કેટલીક વખત શરીરના અંગો જ અલગ કરી દેવામાં આવ્યા હોય એ રીતે. આવું એટલા માટે કે જેમની પણ હત્યા થઈ એમને એ પોતાના સ્મરણમાં રાખવા ઇચ્છતો હતો. આ ફોટોગ્રાફ્સે પણ તેને પકડાવામાં અહમ ભૂમિકા ભજવી. તેને સજા થઈ. એક પછી એક એમ 15 ઉંમરકેદની સજા. અર્થાત્ 941 વર્ષ સુધી જેલની હવા ખાવાની હતી. પરંતુ કૉલમ્બિયા કરેક્શન ફેસિલીટીમાં ત્રણ વર્ષ અને ચાર મહિના સુધી રહ્યા બાદ તેની જ હત્યા થઈ ગઈ.
28 નવેમ્બર 1994નો એ દિવસ. જ્યારે તેના જેલના સાથી ક્રિસ્ટોફર સ્કારવરે જીમની મેટલ બાર એટલી વખત મારી કે એ મરી ન જાય. અને મરી પણ ગયો. એણે પ્રથમ મનુષ્યવધ કર્યો ત્યારે કસરત કરવા માટેનું જીમનું જ સાધન વાપરેલું અને એના મોતમાં પણ જીમની જ એક જણસે ભૂમિકા ભજવી! આશ્ચર્યજનક વાત છે, નહીં?
પરંતુ મુખ્ય વાત કે આ સિરિયલ કિલર પકડાયો કેવી રીતે? 22 જુલાઈ 1991નો સમય. જેફરી ડેહમરે ત્રણ સમલૈંગિકોને ઘરે તેડાવ્યા. જે તેના એપાર્ટમેન્ટમાં આવે અને નગ્ન થઈ નૃત્ય કરે. તેની કામવાસનાને ઉત્તેજીત કરે. ત્રણમાંથી ફક્ત એક જ આવ્યો. એનું નામ ટ્રેસી એડવર્ડ્સ. એ જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે ઘરમાં હાઇડ્રોક્લોરિક એસિડના ડબ્બા હતા. જુગુપ્સા ઉપજાવે એવી ગંધ આવી રહી હતી. એડવર્ડ્સે પૂછ્યું તો જવાબ મળ્યો કે આ ઘરની ઇંટ અને લાદી સાફ કરવા માટે રાખી છે. એડવર્ડ્સ અંદરના રૂમમાં ગયો. ત્યાં એની નજર એક 57-ગેલનના ડ્રમ પર ગઈ. ત્યાંથી પણ નાભીને અડીને પાછી આવી જાય એવી ગંધ આવી રહી હતી. હવે એડવર્ડ્સને નગ્ન પોઝ આપવાના હતા. જેફરીએ તેના હાથમાં કડીઓ બાંધી દીધી. એડવર્ડ બી ગયેલો. જેફરીએ ચાકુ કાઢ્યું અને કહ્યું કે, તું પોઝ આપી ચાલ્યો જા. એડવર્ડ્સ નગ્ન થયો. પોઝ આપવા લાગ્યો. ડેહમર તેની નજીક આવ્યો અને તેની છાતી પર પોતાનું માથું ઢાળી દીધું. કહ્યું કે, હું તારું હ્રદય ખાવા ઇચ્છું છું! એડવર્ડ્સ વધારે બી ગયો. તેણે હિંમત રાખી બાથરૂમ જવાનું કહ્યું. ડેહમરે તેને જવા દીધો. ત્યાંથી આવી એડવર્ડે તેને લીવિંગ રૂમમાં બીયર પીવા માટે મનાવી લીધો. ડેહમર માની ગયો અને બેઉં લીવીંગ રૂમમાં બેઠાં. હથકડી હજુ પરોવાયેલી હતી. એકાએક એણે ડેહમરના મોમાં મુક્કો મારી દીધો અને ખુલ્લા દરવાજાથી સસલું શિયાળની ચુંગાલમાંથી ભાગી છૂટે એમ ભાગી છૂટ્યો.
તેણે રોબર્ટ રોથ અને રોલ્ફ મુલર નામના બે પોલીસ અધિકારીઓને બધી હકીકત કહી દીધી. બેઉં પોલીસે જોયું કે તેના હાથમાં હાથકડી બંધાયેલી છે. એનો અર્થ થયો કે એ બંધક તો હતો જ. અને પછી ડેહમરને કોણ બચાવી શકવાનું હતું?
જો ટ્રેસી એડવર્ડ્સ ત્યારે ભાગી ન શક્યો હોત તો આ હત્યાઓનો સિલસિલાવાર ક્રમ આગળ પણ ચાલતો રહેત. પોલીસ જ્યારે તેના ઘરે પહોંચી ત્યારે ફ્રિજ અને ફ્રિજરમાં મનુષ્યની ખોપડીઓ, લાશના કપાયેલા અંગો મળી આવ્યા. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે ડેહમર બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર, સ્કિઝોટાઇપલ પર્સનાલિટી ડિસઓર્ડર અને સાઇકોટિક ડિસઓર્ડર આ ત્રણે બીમારીઓથી ગ્રસ્ત હતો.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત