Homeદે ઘુમા કેજેને ICCએ દાયકાનો શ્રેષ્ઠ ટેસ્ટ પ્લેયર ઘોષિત કર્યો એણે બે ટેસ્ટમાં ફક્ત...

જેને ICCએ દાયકાનો શ્રેષ્ઠ ટેસ્ટ પ્લેયર ઘોષિત કર્યો એણે બે ટેસ્ટમાં ફક્ત 10 રન જ કર્યા

ભારત સામે ચાર ટેસ્ટ મેચની સિરીઝમાંથી બે ટેસ્ટ મેચ પૂર્ણ થઈ ચૂક્યા છે અને હજુ સુધી સ્ટીવ સ્મિથના બેટમાંથી રન નથી નીકળી રહ્યા. સ્ટીવ સ્મિથના ભારત સામેના પરફોર્મન્સની જો વાત કરવામાં આવે તો પહેલી ટેસ્ટમાં તેણે એક અને નોટઆઊટ 1 રન બનાવ્યા હતો. બીજી બાજુ મેલબોર્નમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં 0 અને 8 રન બનાવ્યા હતા. સ્ટિવ સ્મિથના નામે આ રીતે બે ટેસ્ટ મેચની ચાર ઈનિંગમાં કુલ દસ રન બન્યા છે. સ્ટીવ સ્મિથનું બેટ આ પહેલા કોઈ દિવસ આટલું શાંત નથી રહ્યું.

સ્ટીવ સ્મિથ ફોર્મ પરત મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. અશ્વિને તેને બે વખત જ્યારે બુમરાહે તેને એક વખત આઉટ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના તેના સાથી ક્રિકેટર ડેવિડ વોર્નરે તેના ખરાબ ફોર્મ પર ટકોર કરતા કહ્યું છે કે, કોઈ કોઈ વખત ખરાબ ફોર્મમાંથી પસાર થવાનો વારો આવે છે. તેને સ્વીકાર કરવું જોઈએ. સ્ટીવ સ્મિથ પણ આ બધામાંથી કંઈ અલગ નથી.

વોર્નરે સ્ટીવ સ્મિથના ખરાબ ફોર્મની તુલના 2019ની સાલમાં રમાયેલી એશિઝ શ્રેણીના પોતાના ફોર્મથી કરી હતી. વોર્નરનું માનવું છે કે સ્ટીવના ખરાબ ફોર્મ કરતા ભારતીય ટીમના બોલિંગ પ્રદર્શનને પણ જોવું જોઈએ. તેણે મહેનતમાં કોઈ ઉણપ રહેવા નથી દીધી.

વોર્નરે શનિવારના રોજ ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, કેન વિલિયમસને હાલમાં જ દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેન સ્ટીવ સ્મિથને આઈસીસીની રેન્કિંગમાં પહેલા સ્થાનેથી પછાડી દીધો છે. છતાં તમે સ્મિથની એવરેજને જુઓ તો તે 60થી વધારેની જ છે. તમામ ખેલાડીઓના ફોર્મમાં થોડી પડતી તો આવે જ છે અને તેને સ્વીકાર કરવી જોઈએ. મેં ઈંગ્લેન્ડમાં પણ મારી સાથે આવું થતું જોયું છે.

વોર્નરનું માનવું છે કે જો બોલરે બરાબર બોલિંગ ફેંકી છે તો તેના પર કોઈ પણ આઊટ થઈ શકે છે. તેણે કહ્યું કે, કોઈ બોલ પર તમારું નામ લખેલું જ છે તો તમે કંઈ નહીં કરી શકો. ડેવિડ વોર્નરે વધુમાં કહ્યું કે, તમે જોઈ શકો છો કે સ્મિથની તૈયારીમાં કોઈ ઉણપ નથી. એ નેટમાં આઊટ નથી થઈ રહ્યો. એ હંમેશાં મહેનત કરે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેના બેટ્સમેનોએ બોલરોને વધારે દબાણ બનાવવાની તક આપી છે. એ પછી તો રન બનાવવું અઘરું થઈ પડશે.

વોર્નરે પોતાની ઈજા પર કહ્યું કે, એ દુર્ભાગ્યશાળી હતું કે હું ઈજાગ્રસ્ત થઈ ગયો. પણ હું હંમેશાંથી સમય ઈચ્છતો હતો. મારી સ્થિતિની વાત કરું તો ત્રણ બાળકો અને મારી પત્નીને લાંબા સમયથી ન જોઈ શકવાને કારણે મને એક બ્રેકની જરૂર હતી.

ડેવિડ વોર્નરે પણ ઓસ્ટ્રેલિયાની ટીમના પરાજયનો સ્વીકાર કરતા કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેનોએ ક્ષમતાપૂર્વક પ્રદર્શન ન કર્યું, ન તો વિરોધી ટીમના બોલરો પર દબાણ લગાવવાની કોશિશ કરી. જેના કારણે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો પર હાવી થઈ ગઈ.

ઓસ્ટ્રેલિયા માટે અત્યારે ભારતનો બોલિંગ અટેક મુસીબતરૂપ બની ચૂક્યો છે. ભારતીય ટીમમાંથી રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન અને બુમરાહ ગમે ત્યારે મેચની ઈનિંગને પલટાવી શકે છે. તેમાંય શોએબ અખ્તરે પણ બુમરાહ વિશે કહ્યું છે કે એ વિરોધી ટીમના બેટ્સમેનોને શરૂઆતમાં જ ડરાવી દે છે.

ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન વોર્નરે કહ્યું કે, સાત જાન્યુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટમાં જો તે રમે છે તો આક્રામકતાપૂર્વક બેટીંગ કરશે. વધુમાં તેણે કહ્યું કે, જો તમે બોલરોને પ્રભુત્વ જમાવવાની થોડી પણ તક આપશો. તો પછી છેલ્લી બે ટેસ્ટ મેચમાં રન કરવા એ મુસીબતરૂપ બની જશે. જોકે ડેવિડ વોર્નરે માત્ર ઓસ્ટ્રેલિયાની ટીમની જ નહીં ભારતીય ટીમની ઓપનિંગની પણ ટીકા કરતા કહ્યું હતું કે, બંને ટીમના ઓપનિંગ બેટ્સમેનો બોલરો પર પ્રભુત્વ જમાવી મોટો સ્કોર નથી કરી શક્યા.

વોર્નરની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડી પ્રભાવક દેખાવ નથી દાખવી શકી. પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં જોઈ બર્ન્સ અને મેથ્યૂ વેડની જોડીએ 14 ઓવરમાં માત્ર 16 રન જોડ્યા હતા. બીજી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં બર્ન્સ અને વેડે ચાર ઓવરમાં 10 જ રન બનાવ્યા હતા. અને બીજી ઈનિંગમાં ત્રણ ઓવરમાં ચાર રન બનાવ્યા હતા.

સામેની બાજુ ભારત તરફથી પણ ઓપનિંગ જોડીઓ કંઈ ખાસ ઉકાળી શકી નથી. મયંક અગ્રવાલે બંને ટેસ્ટ મેચમાં મોટી ઈનિંગ રમી નથી. ભારતની પહેલી વિકેટ માટે મોટી પાર્ટનરશીપ હોય તો તે 16 રનની છે.

વોર્નરે આગળ કહ્યું કે, બંને તરફથી બોલરોએ સારી બોલિંગ કરી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. જેથી બેટ્સમેનોએ વિચાર્યું કે સમય લઈને રમીએ જેમાં બોલરો બંને ટીમના બેટ્સમેનો પર દબાણ લાદવામાં સફળ પૂરવાર થાય. જો અટેક બરાબર થઈ શકે તેમ છે તો ક્યાંક ને ક્યાંક તમારે તમારી રમત દાખવવી પડશે. તમે આઉટ થાવ કે નહીં. હું આ રીતે જ રમું છું આક્રમણ કરવાનું જાણું છું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments