પ્રાચીન સમયની વાત છે. એક બ્રાહ્મણ હતો. એ પોતાના જીવનથી ખૂબ જ દુ:ખી હતો. ઘરમાં કંઈ ખાવાનું ન હતું. પોતાના ખાવા માટે જ કંઈ હતું નહીં તો બીજાઓને શું ખવડાવે ? સંબંધીઓ પણ તેની જ ઈજ્જત કરે છે જે વ્યક્તિ ધનવાન હોય છે. આ માથાકૂટથી દૂર ભાગી જવાની અથવા તો કોઈ નરભક્ષી જાનવરના હાથે શિકાર થઈ જવાનો તેણે વિચાર કર્યો. આ વિચારમાં જ ડૂબેલો તે ઘનઘોર જંગલમાંથી પસાર થયો.
રાત થવા આવી. એ એક વૃક્ષની છાયામાં બેઠો હતો. તેણે વિચાર્યું કે હમણાં કોઈ હિંસક પશુ આવશે જે પોતાની જઠરાગ્નિ તૃપ્ત કરવાની સાથે સાથે મારી જીવન લીલા પણ સમાપ્ત કરીને તમામ દૂવિધામાંથી મને મુક્ત કરી દેશે.
એ વખતે જ તેણે જોયું કે સામે ગુફામાંથી એક સિંહ નીકળી રહ્યો છે. સિંહ થોડી વાર માટે ઊભો રહ્યો. વૃક્ષ પર તેનો મંત્રી હંસ બેઠો હતો. જે પોતાની બુદ્ધિ, પોતાના શીલ સ્વભાવ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે જગ પ્રસિદ્ધ હતો.
સિંહે કહ્યું, ‘દિવાનજી આજે તો શિકાર સામેથી જ ચાલીને આવ્યો છે.’
હંસે બ્રાહ્મણને જોયો અને વિચારવા લાગ્યું, ‘ખબર નહીં આ કોણ દુ:ખી માણસ છે. સિંહે તો અગણિત પશુઓને મારી નાખ્યા છે. શા માટે આ બ્રાહ્મણના જીવની રક્ષા ન કરું ?’
તેણે સિંહને કહ્યું, ‘વનરાજ. આ બ્રાહ્મણ તમારો કુળ પુરોહિત છે. તમને શોધતા શોધતા અહીં સુધી આવ્યો છે. તમારા પૂર્વજ આનો મોટો સત્કાર કરતા હતા. જાઓ અને જુઓ છો શું ? જઈને પ્રમાણ કરો. એક વાતનું ધ્યાન રાખજો કે તેને કોઈ કષ્ટ ન પડે. ઉલટાની તેને થોડી ધનરાશિ આપી દો. એ પણ યાદ કરશે કે કોની સાથે ભેટો થયો હતો.’
સિંહ પણ પોતાના મંત્રીની વાત માનતો હતો. ઝડપથી જઈને બ્રાહ્મણના પગ તેણે અડક્યા અને તેને ગુફામાં લાવ્યો. સિંહે તેની મહેમાનગતિ કરી અને પછી ગુફાની એક ખાસ જગ્યા બતાવી જ્યાંથી બ્રાહ્મણે ખાડો ખોદીને રૂપિયા લઈ લીધા. સિંહ પાસેથી રજા માગી તે ઘરે પાછો ફરી ગયો.
પૈસા મળવાથી બ્રાહ્મણનું દુ:ખ-દરિદ્રતા ચાલ્યું ગયું. હવે તેની રહેણી કહેણી પણ સારી થઈ ગઈ. ઘરમાં ધન અને ધાન્ય પરત આવી ગયું. એ સિંહ પાસે આવતો અને થોડુંક ને થોડુંક ધન લેતો જતો. આમ ને આમ તે અમીર થઈ ગયો.
એક દિવસ બ્રાહ્મણની પત્નીએ કહ્યું, ‘તમે રોજ કહો છો કે આપણો નવો યજમાન ખૂબ સારો છે. તો પછી કોઈ દિવસ તો તેને આપણા ઘરે બોલાવો. આ વખતે યજમાનને આપણે ત્યાં ભોજન કરાવીએ.’ પત્નીની વાત બ્રાહ્મણને પસંદ આવી ગઈ. એ સિંહ પાસે ગયો અને તેને ભોજન માટે આમંત્રણ પાઠવ્યું.
સિંહે કહ્યું, ‘ના ભાઈ ના. અમે રહ્યા જંગલી જાનવર. મોડી રાતે જ આવી શકીએ અને તેમાં તને અસુવિધા મહેસૂસ થશે.’
પણ બ્રાહ્મણે વધારે આગ્રહ કરતા સિંહે તેના ઘરે જવાનું સ્વીકાર કરી લીધું. તેની પત્નીએ પણ પોતાના વિચિત્ર યજમાનની આગતા સ્વાગતમાં કંઈ ઓછું ન આવવા દીધું. ધન મેળવીને બ્રાહ્મણની સ્ત્રીને મજા આવી ગઈ હતી. તેણે અગણિત પકવાન બનાવ્યા. એ બિચારીને તો ખબર જ નહોતી કે મહેમાન સિંહ છે. જ્યારે તેણે સિંહને જોયો તો પહેલા ડરી ગઈ. તેને કંઈ ખબર જ નહોતી પડતી કે હવે કરવું શું ?
બ્રાહ્મણે કહ્યું કે, ‘તું ડર નહીં. આ કંઈ નહીં કરે. આની જ કૃપાથી તો આપણા આટલા સારા દિવસો આવ્યા છે.’
જ્યારે તે જમવા માટે બેઠો તો બ્રાહ્મણીએ મોટા કપડાંથી પોતાનું નાક ઢાંકી લીધું. સિંહ પાસેથી ખૂબ દુર્ગંધ આવી રહી હતી. જમવાનું પૂરૂ થયું તો પત્નીએ તેના પતિને કહ્યું, ‘મહેમાન તો જો… મોઢામાંથી એવી ગંધ આવી રહી હતી કે મારું તો નાક સડી ગયું.’
સિંહે આ વાત સાંભળી લીધી અને જંગલની બાજુ નીકળી ગયો. થોડા સમય પછી બ્રાહ્મણ ફરી સિંહ પાસે ગયો તો તેણે જોયું કે સિંહનો મિજાજ બદલી ગયો હતો. સિંહે કહ્યું, ‘પુરોહિતજી આ લો લાકડુ અને મારો મારા માથા પર’
બ્રાહ્મણે કહ્યું, ‘શું વાત છે મહારાજ ? આજે તમે શા માટે આવી વાત કરી રહ્યા છો?’
સિંહે કહ્યું, ‘આજે તો તમારે લાકડાનો પ્રહાર કરવો જ પડશે.’
બ્રાહ્મણે કહ્યું, ‘મારાથી નહીં થઈ શકે.’
સિંહે ગર્જના કરી, ‘જોઉં છું તું વાર કેવી રીતે નથી કરતો?’
બ્રાહ્મણ ડરી ગયો. તેણે લાકડુ ઉઠાવ્યું અને સિંહના માથા પર ધીમેથી માર્યું. લાકડાની ધાર તેજ હતી. સિંહના માથામાંથી લોહી નીકળ્યું. બ્રાહ્મણ ચિંતિત થતો ઘર બાજુ નીકળી પડ્યો.
કેટલાય દિવસો વીતી ગયા. બ્રાહ્મણ બીકનો માર્યો એ બાજુ ન ગયો. એ સમજ્યો કે સિંહ ગાંડો થઈ ગયો છે. ખબર નહીં હવે તેના શું હાલ થશે. અને હવે હું ગયો તો પણ ખબર નહીં મારી શું સ્થિતિ થશે.
બીજી બાજુ સિંહના મંત્રી હંસને કોઈ શિકારીએ મારી નાખ્યો. સિંહે કાગડાને નવો મંત્રી બનાવ્યો. સિંહે કાગડાને પોતાની રીતે સલાહ આપી અને સિંહ તેની સલાહો પર ચાલવા લાગ્યો.
મહિનાઓ પસાર થઈ ગયા. બ્રાહ્મણને એક દિવસ પૈસાની જરૂર પડી. તેણે ફરી સિંહ પાસે જવાનું વિચાર્યું. સિંહની ગુફાની બહાર વૃક્ષ પર કાગડો બેઠો હતો. કાગડાએ કાઉં… કાઉં… કરવાનું શરૂ કરી દીધું અને સિંહને કહેવા લાગ્યો, ‘ઝડપ કરો મહારાજ શિકાર ફસાઈ ગયો છે.’
સિંહે બહાર આવીને જોયું તો પુરોહિત હતો. તે હસવા લાગ્યો. આવા જ એક દિવસે હંસે પણ તેના આવવાની સૂચના આપી હતી. બ્રાહ્મણ સિંહની પાસે કોઈ પણ પ્રકારના સંકોચ વિના બેઠો અને વાતો કરવા લાગ્યો. આ બંનેને વાતો કરતા જોઈ કાગડાને ભારે આશ્ચર્ય થયું.
એને તો એમ હતું કે હમણાં સિંહ બ્રાહ્મણનો કોળિયો કરી જશે. સિંહે માથામાંથી તાડપત્રી હટાવીને કહ્યું, ‘જો તે લાકડુ ફટકાર્યું હતું એ. કેવા હાલ છે મારા માથાના?’
બ્રાહ્મણે કહ્યું, ‘મહારાજ ઘા તો હવે પૂરી રીતે ભરાઈ ગયો છે.’
સિંહે કહ્યું, ‘તે લાકડુ મારેલું તેનો ઘા તો પૂરાઈ ગયો, પણ જે તારી પત્નીએ મારું અપમાન કર્યું હતું તેનો ઘા હજુ નથી ભરાયો.’
બ્રાહ્મણના તો પગ નીચેથી જમીન ખસી ગઈ. એ ચૂપ થઈ ગયો. સિંહે કહ્યું, ‘ડરો નહીં સારું એ છે કે….
હંસ હતો એ તો ચાલ્યો ગયો કાગડો બન્યો દીવાન
જાવ બ્રાહ્મણ તમારા ઘેર, સિંહ કોનો યજમાન?
ખબર નહીં આ કાગડો શું પાપ કરાવી નાખે. હવે તું અહીં ન આવતો.’બ્રાહ્મણે વિચાર્યું જીવ બચ્યો એ જ ભલો. એ પછી તેને જરૂર પડી તો પણ તે ધન લેવા સિંહની ગુફા તરફ ન ગયો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત