The Chabuk-Sports Editor : આજની ઘડી તે રળિયામણી. નરસિંહ મહેતાની આ પંક્તિ ભારતીય ક્રિકેટ ટીમ માટે બંધબેસે છે. ઓસ્ટ્રેલિયાને પદાર્થ પાઠ મળ્યો અને ભારતીય ક્રિકેટ માટે એક સારા સમાચાર એ છે કે ભારતીય ક્રિકેટ ટીમનું ભવિષ્ય દરેક રીતે સુરક્ષિત હાથોમાં છે. જેમને આંતરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ રમવાનો લગીરે અનુભવ નહોતો તેવા ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા અને વિદેશી ધરતી પર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ખૂબ ઓછા એવા ખેલાડીઓમાં આવો ટેમ્પરામેન્ટ જોવા મળે છે. શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદર એ ઓસ્ટ્રેલિયા માટે એવા બે ખેલાડીઓ બન્યા કે તૈયારી રવિન્દ્ર જાડેજા અને અશ્વિનની કરી હતી પણ પૂછાય ઠાકુર અને સુંદર ગયા.
આ સાથે જ ઋષભ પંતે પણ સોશિયલ મીડિયા પરના ટ્રોલર્સને બરાબરનો જવાબ આપી દીધો છે. સતત થઈ રહેલી તેની આલોચના વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો કરવા માટે 118 બોલમાં ફટકારેલા 97 રન હોય કે આજે ભારતીય ટીમને જીત અપાવવા બદલ રમેલી મહત્વની ઈનિંગ હોય. રસાકસી ભરેલી ટેસ્ટ મેચમાંથી ભારતીય ટીમને ઉગારવામાં ઋષભ પંતનો મોટો ફાળો રહેલો છે. છેલ્લી બંને ટેસ્ટમાં તે ક્રિકેટ સિવાય પણ ચર્ચાનો વિષય રહ્યો. સ્ટમ્પની પાછળ તેનું વિકેટ કિંપીગ દરમિયાન સ્પાઈડર મેન સ્પાઈડર મેન ગીત ગાવું કે પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર શેન વોર્ન દ્વારા તેના પીળા કલરના ચશ્મા વેલ્ડિંગ માટેની ગરજ સારે છે તેવી ટીપ્પણી કરવી. ઋષભ ટેસ્ટમાં સતત ચર્ચામાં રહ્યો કે પછી તેને સતત ચર્ચામાં રાખવામાં આવ્યો કે પછી તેને સતત ચર્ચામાં રહેતા આવડ્યું ?
બોર્ડર ગાવસ્કર ટ્રોફી બીજી બધી ટેસ્ટની જેમ સહજ નથી રહી. આ કોઈ ન્યુઝિલેન્ડની ટીમ કે તેનું મેદાન નહોતું જેમાં તમને ખેલદિલીની ભાવનાનો પરચો જોવા મળે. ઓસ્ટ્રેલિયાની ટીમ સ્લેજિંગ કરે તેના પુરાવા તો એશિઝ શ્રેણીઓના ભૂતકાળની ખણખોદ કરો તો પણ મળી જાય. મેદાનમાં તો ઓસ્ટ્રેલિયાની ટીમ ખરાબ ઈતિહાસ ધરાવે જ છે પણ મેદાન બહાર કરેલી હરકતથી તે ખેલ વિશ્વમાં ટીકાને પાત્ર બની છે.
જો કે મહોમ્મદ સિરાઝ માટે આ શ્રેણી ઘણી અલગ રીતે યાદ રહી. રાષ્ટ્રગાનમાં તેનું રડવું દેશભક્તિ પુરવાર કરતું ગયું. એક ખેલાડીની મહેનત લેખે લાગે ત્યારે તેની ભાવના કેવી હોય તેનું આ જ્વલંત ઉદાહરણ હતું. સિરાઝ પર જ ત્રીજી ટેસ્ટમાં અભદ્ર ટીપ્પણી કરવામાં આવી હતી જેથી મેદાન બહાર પણ વિવાદનું વાતાવરણ સર્જાયું હતું. ખેલવિશ્વમાં આ ઘટનાની ભરપુર ટીકા થઈ હતી. આશા રાખીએ કે ઓસ્ટ્રેલિયાની ટીમ અને તેના ખેલાડીઓને પણ આ ઘટનામાંથી કોઈ બોધ પાઠ મળ્યો હશે. શા માટે સામે ઓસ્ટ્રેલિયા હોય ત્યારે જ મંકી જેવા શબ્દો બોલાય છે. બીજા કોઈ દેશમાં રમાય ત્યારે કેમ નથી બનતું ? આ અંગેનું કારણ પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મંથન બેઠક કરીને ખોજવાનું છે. ટ્વીટર પર સ્ટેટમેન્ટ આપવાથી કોઈની દુભાયેલી લાગણી નહીં જીતી શકાય. આ માટે ઓસ્ટ્રેલિયાના કોઈ દર્શકને જ આગળ આવવું પડશે.
ફરી સિરાઝના મુદ્દા પર આવીએ તો સિરાઝ દ્વારા લેવાયેલી આ ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ મહત્વની રહી અને તેના માટે ટર્નિંગ પોંઈન્ટ પણ સાબિત થઈ. આ ખેલાડીમાં પેસ બોલિંગ કરવાની અને આગામી સમયમાં ભારતમાંથી ફાસ્ટ બોલિંગનું નેતૃત્વ કરવાની અસીમ ક્ષમતાઓ છે. જોઈએ ભવિષ્યમાં તે આ લાઈનને ખરી પૂરવાર કરી શકે છે કે નહીં.
વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુર પણ પોતાની રીતે ટીમને યોગદાન આપ્યું. આ બંને ખેલાડીમાંથી એ જાણવા મળે છે કે જ્યારે ટીમને જરૂર હોય ત્યારે યોગ્ય પરફોર્મન્સ આપવું અને ટીમને બચાવી લેવી. ઓસ્ટ્રેલિયાના બોલરો માટે તો આ બે બેટ્સમેનો અભ્યાસક્રમ બહારના પ્રશ્ન રહ્યા હતા. કોઈ અનુભવી ખેલાડી હોય એ રીતે અથવા કહોને જાણે ઓસ્ટ્રેલિયાના લોકલ બોય હોય એ રીતે ઓસ્ટ્રેલિયાના જ બોલર્સને રાતા પાણીએ રોવડાવી દીધા.
આ બે ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમ ચોથી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં મેચમાં પરત ફરી અને ઓસ્ટ્રેલિયાના સુપડા સાફ કરી નાખ્યા. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં આ બે ખેલાડીઓ એ વાતને સાબિત કરે છે કે ક્રિકેટ એ અનિશ્ચિતતાની રમત છે. તેમાં ક્યારે કઈ ટીમનું પલડું ભારે થઈ જાય નક્કી ન કહેવાય. માની લો કે આજની જ મેચની અંતિમ ઓવરમાં જ્યારે ટીમ જીતની નજીક પહોંચી ગઈ હતી ત્યારે ઓસ્ટ્રેલિયાનો કોઈ બોલર ઝળક્યો હોત અને હેટ્રીક લઈ ગયો હોત તો ? ક્રિકેટ બિલકુલ અનિશ્ચિતતાની રમત છે. આ વાત દરેક ખેલાડી અને દર્શકે સ્વીકારવી જ પડશે. શાર્દુલ અને સુંદર જેવી અનિશ્ચિતતા.
રોહિત શર્મા મેચમાં જોઈએ તેવું પ્રદર્શન નથી કરી શક્યો. વન ડે અને ટી ટ્વેન્ટીમાં તેની ગરજ સારી છે પણ ટેસ્ટમાં તેના આવવાથી દર્શકો ખુશ હતા, કારણ કે વિરાટ કોહલી ગેરહાજર હતો. મજાકમાં કહીએ તો ઘેરહાજર હતો. અજિંક્ય રહાણેએ સાબિત કરી બતાવ્યું કે તેનામાં કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવવાનું પોટેન્શિયલ છે. માનવું પડશે વિરાટ કોહલીએ-કે તે બેટ્સમેન તરીકે સચિન તેંડુલકર છે અને કેપ્ટન તરીકે પણ સચિન તેંડુલકર છે. એ બેટિંગમાં અદ્ધર છે પણ કેપ્ટન તરીકે સદ્ધર નથી.
હવે અજિંક્ય રહાણે સહિતના ખેલાડીઓએ પસંદગીકારો માટે મૂંઝવણ ઊભી કરી દીધી છે. ટીમના સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી વચ્ચે ભારતીય ટીમના ધારદાર પ્રદર્શનના કારણે હવે જૂના ખેલાડીઓને ટેસ્ટ મેચમાં આગળ રાખવા જે હાલમાં ઈજાગ્રસ્ત છે કે નવી ફોજને આગળ ધપાવવી ? અથવા તો આ નવી ફોજને બી ટીમ તરીકે પહેલાથી તૈયાર રાખવી ? ઈશાંત શર્મા, મોહમ્મદ શામી જેવા પેસ બોલરની સામે મહોમ્મદ સિરાઝને ફિટ કરવો પડશે. રાહુલનું સ્થાન ઋષભ પંતે આજની મેચમાં તો ખેંચી જ લીધું છે. એ જ રીતે રવિન્દ્ર જાડેજા અને અશ્વિનની ગેરહાજરીમાં વોશિંગ્ટન સુંદર સામે આવી ગયો છે. ચેતેશ્વર પુજારાનું સ્થાન લઈ શકે તેવો તો કોઈ ખેલાડી નથી કારણ કે ટેસ્ટમાં વિકેટને ટકાવવી પણ અત્યંત જરૂરી છે. શુભમન ગિલના ચોથી ટેસ્ટની છેલ્લી ઈનિંગનાં પ્રદર્શને ખાસ્સા પ્રભાવિત કર્યા છે.
ભારતના સિનિયર ખેલાડીઓ એ પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ઈજાગ્રસ્ત થયા હોવાથી ભારતીય ટીમ માટે ઘણી સમસ્યા સર્જાઈ હતી, જો કે તેની ખોટ નવા ખેલાડીઓએ તાત્કાલિક પૂર્ણ કરી દીધી. હવે ઈજાગ્રસ્ત ખેલાડીઓએ પણ ફિટનેસ પર ધ્યાન આપવું પડશે અને પ્રદર્શન પણ સારું કરવું પડશે, નહીંતર ઓસ્ટ્રેલિયામાં જીત અપાવનારા હીરો બેઠા જ છે. એ ગમે ત્યારે તેમનું સ્થાન આંચકી જશે. હવે નવા આવેલા ક્રિકેટરોનું સ્થાન ભારતીય ક્રિકેટ ટીમમાં કઈ કઈ જગ્યાએ રહે છે એ જોવાનું રહેશે.
અને અંતે તો એટલું જ કે ટેસ્ટ મેચ એ જેન્ટલમેન ગેમ છે. આજે ફરી એક વખત સાબિત થયું કે ક્રિકેટના નવા અગણિત ફોર્મેટ ભલે ઉમેરાય પણ ટેસ્ટની જે લોકચાહના છે એ ભવિષ્યમાં પણ બરકરાર રહેવાની છે. આજે વન ડે અને ટી ટ્વેન્ટીના ચાહકો પણ માની ગયા હશે કે ટેસ્ટમાં બોવ મજા આવે. કારણ ? રસ્સાકસી હતી. 2021ના આરંભમાં જ વિશ્વકપ જીત્યો હોય તેવી ખુશી આપવા બદલ ખૂબ ખૂભ આભાર ટીમ ઈન્ડિયા. ટીમ ચાબુક તરફથી અભિનંદન.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત