Homeગામનાં ચોરેઅદભુત : મુખ્યમંત્રીની ‘મફત’ વિજળી આપવાની એક એવી યોજના જેમાં ઘરે એક...

અદભુત : મુખ્યમંત્રીની ‘મફત’ વિજળી આપવાની એક એવી યોજના જેમાં ઘરે એક લાખ રૂપિયા બિલ આવે

Team Chabuk-National Desk : ભારતમાં હજુ કેટલાક એવા અંતરિયાળ ગામડા છે જ્યાં વિજળીની સમસ્યા છે. વાડી વિસ્તારમાં લોકો ફૂલ-ડીમ લાઈટથી પણ પરેશાન છે. કેમ કે, ઘર અને મોટરનું કનેક્શન એક હોવાથી જ્યારે ફૂલ લાઈટ હોય ત્યારે ઘરમાં પણ ફૂલ લાઈટ રહેતી હોય છે. પરંતુ જ્યારે લાઈટ ડીમ હોય છે ત્યારે લોકોને ડીમ લાઈટમાં જ કામ ચલાવવું પડે છે. આ તો થઈ લાઈટની વાત. પરંતુ જો તમને વીજ વિભાગે લાઈટના કનેક્શન મફતમાં આપ્યા બાદ અચાનક લાખો રૂપિયાનું બીલ પકડાવી દે તો ? આવું જ કંઈક ઉત્તર પ્રદેશમાં બન્યું છે. જ્યાં પહેલાં વીજ વિભાગ મિત્ર બનીને સામે આવ્યું અને ત્રણ વર્ષ બાદ આ જ વીજ વિભાગ હવે સ્થાનિકોનું દુશ્મન બની ગયું છે !

ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં વીજ વિભાગનું  આ પરાક્રમ સામે આવ્યું છે. વીજ વિભાગે અહીં ત્રણ વર્ષ પહેલા ગરીબ અનુસૂચિત જાતિના ગ્રાહકોને વીજળીના કનેક્શન મફતમાં આપ્યા. હવે ત્રણ વર્ષ બાદ વીજ વિભાગ જાગ્યું છે પણ ઉંઘ ગરીબ લોકોની ઉડી છે. અહીં તમામ લોકોને લાખો રૂપિયાનું બીલ ફટકારાયું છે. વીજળીનું બીલ મળતાંની સાથે જ ગ્રાહકોની ઊંઘ ઉડી ગઈ છે. તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર આપી મદદની વિનંતી કરી છે. 

લલિતપુરના તાલબેહટના આંબેડકર નગરના લોકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાની પરિસ્થિતિનો ચિતાર રજૂ કરી ડીએમને આવેદનપત્ર આપ્યું હતું.  જે લોકો ડીએમ પાસે પહોંચ્યા હતાં તેમાં કોઈ લારી ચલાવે છે તો કોઈ મજૂરી કરીને પોતાનું અને પરિવારનું પેટ ભરે છે.

ત્રણ વર્ષ પહેલા વીજ વિભાગે આંબેડકર કોલોનીના રહેવાસીઓને ‘સરલ’ યોજના હેઠળ વિના મૂલ્યે વીજ જોડાણો આપ્યા હતા. ત્યારબાદ એટલે કે ત્રણ વર્ષ સુધી વીજ વિભાગે સ્થાનિકોનો એક પણ વાર સંપર્ક ન કર્યો. હવે અચાનક વીજ વિભાગ જાગ્યું છે અને સ્થાનિકોને એક-એક લાખ રૂપિયાનું બિલ પકડાવી દીધુ છે. લાખો રૂપિયાનું વીજ બીલ જોઇને સ્થાનિકોની હાલત કફોડી બની છે. બીજી તરફ નિરક્ષર સ્થાનિકોને ઉચ્ચ અધિકારીઓની વસૂલીનો ડર પણ સતાવી રહ્યો છે. મુશ્કેલીમાં આવેલા લોકોએ ડીએમ પાસે મદદની ગુહાર લગાવી છે. સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો છે કે આટલા રૂપિયા અમે ક્યાંથી લાવીશું ? જે લોકો મદદ માટે ડીએમ પાસે પહોંચ્યા હતા તેઓ એક ટંક ભોજનની વ્યવસ્થા પણ માંડ માંડ કરી રહ્યા છે. એવામાં આ બીલે તેમની મુશ્કેલી બેવડી કરી છે.

તાલબેહટના કાઉન્સિલર શક્તિ બગ્ગને આ અંગે જણાવ્યું હતું કે, ગ્રાહકોએ વીજ વિભાગના અધિકારીઓને પણ ફરિયાદ કરી હતી, પરંતુ તેઓ સ્થાનિકોનું સાંભળવા તૈયાર નથી. જેના કારણે ગ્રાહકો ચિંતિત છે. બીજી તરફ ડીએમએ તપાસ માટે આદેશ કરી દીધા છે. તપાસ બાદ સમગ્ર મામલે ચૂક કોની છે તે સામે આવશે.

આ પહેલીવાર નથી કે વીજ વિભાગે લોકોને ખબર વગર જ લાખો રૂપિયાનું બીલ ફટકાર્યું હોય. આ પહેલાં ત્યાંની જ એક કાંશીરામ નામની કોલોનીમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. શરૂઆતમાં વીજ વિભાગે સ્થાનિકોને મફતમાં વીજળીના કનેક્શન આપ્યા હતા. બાદમાં મોટા-મોટા બીલ ફટકાર્યા. સ્થાનિકોએ બીલ ન ભરતાં વીજ વિભાગે તેમના કનેક્શન કાપી નાખ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments