Homeતાપણુંમનસુખ માંડવિયાએ રાજ્યસભામાં જે બિલ રજૂ કર્યું તે વાંચતા જ આ નેતાને...

મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં જે બિલ રજૂ કર્યું તે વાંચતા જ આ નેતાને ખબર પડી ગઈ કે કોને લાભ થવાનો છે ?

Team Chabuk-National Desk: હાલ રાજ્યસભાની કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન બુધવારે એક મહત્વનું બિલ રાજ્યસભામાં પાસ કરી દેવાયું છે. આ બિલ એટલે મુખ્ય બંદર ઓથોરિટીઝ બિલ-2020. ગત ફેબ્રુઆરીમાં આ બિલને કેબિનેટની મંજૂરી મળી હતી. લોકસભામાં તો આ બિલ પહેલાં જ પાસ થઈ ચુક્યું છે. હવે રાજ્યસભામાં પણ બિલ પર મહોર લાગી ગઈ છે. મુખ્ય બંદર ઓથોરિટીઝ બિલ શું છે, તેનો હેતુ શું છે, બિલ પાસ થવાથી દેશને શું ફાયદો થશે શું નુકસાન થશે તેની થોડી વાત કરવી જરૂરી છે.

બિલનો હેતું શું?

બુધવારે રાજ્યસભામાં મુખ્ય બંદર ઓથોરિટીઝ બિલ રજૂ કરતાં કેન્દ્રીય શિપીંગ અને વોટરવેય્સ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, સમયે સમયે દરેક ક્ષેત્રમાં બદલાવ કરવો આવશ્યક હોય છે. તેથી પોર્ટ સેક્ટર અને પોર્ટને રેગ્યુલેટ કરવા માટે 1908માં અંગ્રેજ સરકારે કોલકત્તામાં એક પોર્ટ એક્ટ લાગુ કર્યો હતો. ત્યારબાદ સમય જતાં 1963માં પોર્ટ ટ્રસ્ટ એક્ટનું અમલીકરણ થયું. જ્યારે દેશમાં પોર્ટ ટ્રસ્ટ એક્ટનું અમલીકરણ થયું ત્યારે માત્ર મુખ્ય પોર્ટ જ દેશમાં હતા, બીજા કોઈ પોર્ટ હતા નહીં. તેથી 1963 બાદ એક્ટમાં બદલાવ લાવીને વર્તમાન સ્થિતિમાં પોર્ટ ક્ષેત્રે કેમ હરીફાઈ કરવી તે આવશ્યક હતું. વિશ્વમાં જે પ્રકારે પોર્ટ સેક્ટરમાં પ્રેક્ટિસ છે તેને ભારતમાં કેવી રીતે અમલી કરી શકાય. ભારતમાં પણ માઈનોર અને મેઈન પોર્ટ વચ્ચે હરીફાઈ વધી રહી છે. મેજર પોર્ટને કેવી રીતે હરીફાઈમાં ટકાવી શકાય. મેજર પોર્ટ પ્રાઈવેટ પોર્ટ સાથે કેવી રીતે હરીફાઈ કરે અને મેજર પોર્ટનું માળખું કેવી રીતે સક્ષમ બને આ તમામ ઉદ્દેશને ધ્યાને લઈને આ બિલ લાવવામાં આવ્યું છે.

વિપક્ષે ઉઠાવ્યા સવાલ

મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં મેજર પોર્ટ ઓથોરિટીઝ બિલ રજૂ કરતાં જ વિપક્ષે બિલ અંગે સવાલો ઉભા કર્યા હતા. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે બિલની કમજોર કડીઓ ગણાવતા કહ્યું હતું કે, ‘બિલ બનાવવામાં ગંભીરતા દાખવવામાં નથી આવી. બિલ અંગે કહેવાય તો છે કે હરીફાઈ કરવા માટે છે પરંતુ ઘણું બધું જતું કરવા માટે, કોઈને આપી દેવા માટે બિલમાં ક્ષતીઓ રાખવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.’ શક્તિસિંહે આગળ કહ્યું કે, ‘જે રીતે એરપોર્ટ એક દોસ્તના નામે કરી દેવાયા છે તેમ પોર્ટ પણ આપી દેવા માટે તો આ બિલ નથી લાવવામાં આવ્યું ને ?’ બિલને લઈને જે બોર્ડ બનાવાનું છે તેમાં 13 સભ્યોમાંથી 7 સભ્યો ખાનગી સભ્યો હશે આ અંગે પણ શક્તિસિંહે વાંધો ઉઠાવ્યો હતો. શક્તિસિંહે કહ્યું કે, ‘બિલમાં જે ક્ષતીઓ છે તે દૂર કરવી જોઈએ.’ બિલ અંગે સ્ટેન્ડિંગ કમિટીએ કરેલી ભલામણો પણ સરકારે ધ્યાનમાં ન લીધી હોવાનો આરોપ શક્તિસિંહે લગાવ્યો હતો.

શક્તિસિંહ ગોહિલે ભાવનગરના અલંગ બંદરનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, ‘અલંગ બંદર બોર્ડની નીચે કામ કરે છે ત્યારે ત્યાં કામ કરતાં લોકોને જઈને સરકારે પૂછવું જોઈએ કે બોર્ડની નીચે કામ કરવું વધુ ઉચિત લાગે છે કે સરકારની નીચે કામ કરવું ?’

સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવે પણ સરકારની કામ કરવાની રીત પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, ‘સરકાર ધીમે ધીમે તમામ રાષ્ટ્રીય સંપત્તિને વેચવાનું કામ કરી રહી છે.’

તો આરજેડીના સાંસદ મનોજ કુમાર ઝાએ રાજ્યસભામાં કહ્યું કે, ‘બિલ વાંચતા જ ખબર પડી જાય છે કે આ બિલથી કોને લાભ થવાનો છે.’

આમ આદમી પાર્ટીના સાંસદ નરૈન દાસ ગુપ્તાએ બિલ અંગે બોલતા કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી સદનમાં જે બિલ લાવવામાં આવી રહ્યા છે તે કોઈને કોઈ વ્યક્તિને ફાયદો પહોંચાડવા માટે લાવવામાં આવી રહ્યા છે.

વિપક્ષના વાર બાદ મનસુખ માંડવિયાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ‘આ બિલથી કોઈ બંદરનું ખાનગીકરણ થવાનું નથી. પરંતુ ખાનગી બંદરની હરિફાઈમાં આપણા બંદર ટકી શકે તે માટે છે.’ મનસુખ માંડવિયાએ અન્ય રાજ્યનો હવાલો આપતા રાજ્યસભામાં કહ્યું કે, ‘શું કેરળ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ જેવા રાજ્યએ બંદરનો વિકાસ કરવા શું ખાનગી કંપનીને નથી આપ્યા. ખાનગીકરણ અને વિકાસનો ભેદ સમજ્યા વિના વિરોધ કરવો યોગ્ય નથી. અમે ક્યારેય બંદરોનું ખાનગીકરણ કરીશું નહીં.’

આ 12 બંદરોને બિલ લાગુ પડશે

મેજર પોર્ટ ઓથોરિટીઝ બિલ-2020 એટલે કે મુખ્ય બંદર ઓથોરિટીઝ બિલ દેશના 12 મુખ્ય બંદરોને લાગુ પડશે. જેમાં ગુજરાતના દિનદયાલ પોર્ટ એટલે કે કંડલા બંદર, ઓડિશાના પ્રદિપ પોર્ટ ટ્રસ્ટ, મહારાષ્ટ્રના જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ પોર્ટ ટ્રસ્ટ, પશ્ચિમ બંગાળના શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ ટ્રસ્ટ, તમિલનાડુના ચેન્નાઈ પોર્ટ ટ્રસ્ટ, વી.ઓ. ચિદંમબરનાર પોર્ટ ટ્રસ્ટ, એન્નોર પોર્ટ, કર્ણાટકના ન્યુ મેંગલુરુ પોર્ટ ટ્રસ્ટ, કેરલના કોચિ પોર્ટ ટ્રસ્ટ અને ગોવાના મોરમુગાંવ પોર્ટ ટ્રસ્ટનો સમાવેશ થાય છે. આ બિલ બાદ હવે દેશના મુખ્ય બંદરોના વિકાસનું કામ પીપીપી મોડેલના આધારે થશે.

જો કે વિપક્ષે સરકારના આ બિલ સામે વાંધો ઉઠાવ્યો છે કે બિલમાં ઘણા એવા છીંડા અને ક્ષતીઓ છે જેથી ભવિષ્યમાં આ બંદરો ખાનગી કંપનીઓ પાસે જઈ શકે છે તેથી બિલમાં ફરીથી સંશોધન થવું જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments