Homeસિનેમાવાદ‘હું તને ચાર વર્ષથી શોધુ છું કોઈ તારા નંબર મને નથી આપી...

‘હું તને ચાર વર્ષથી શોધુ છું કોઈ તારા નંબર મને નથી આપી રહ્યું.’

હિન્દી સિનેમામાં અભિનય કરનારા બે કલાકારો પર હંમેશાંથી મને ગર્વ રહ્યો છે. એક છે સ્વર્ગસ્થ ઈરફાન ખાન. જેમના અભિનયની તોલે કોઈ નથી આવતું. બીજા છે મનોજ બાજપેયી. જેમનો અભિનય એક અલગ પ્રકારની અમીટ છાપ છોડી જાય છે. આજે સિનેમાવાદના કિસ્સાના પાયામાં આ બેઉ કલાકારો જ છે.

સત્યામાં ભીકુ અને ગેંગ્સ ઓફ વાસેપુરમાં સરદાર ખાન દેખાય છે. કોઈ મનોજ બાજપેયી નથી દેખાતો. કલાકારે મેળવેલી આ સિંહ સફળતા છે.

હિન્દી સિનેમામાં હમણાં જ 25 વર્ષ પૂર્ણ કરનારા મનોજ બાજપેયીની કેટલીક રાતો એવી પણ પસાર થઈ છે કે એમને કામ જ ન મળતું. મુંબઈમાં ટકવું તેમના માટે મુશ્કેલ હતું. કોઈ વાર તો વિચાર આવતો કે ઘરે પાછા ચાલ્યા જઈએ.

એક ઈન્ટરવ્યૂમાં મનોજે કહેલું, ‘બેન્ડીટ ક્વિન બાદ અમારામાંથી ઘણા કલાકારો મુંબઈ ચાલ્યા ગયા. અહીં સ્થિતિ વિપરિત હતી અને મુશ્કેલ હતી. દિલ્હીમાં અમે થીએટર કરી શકતા હતા. મુંબઈમાં પૈસા નહોતા મળતા. પણ મિત્રો હતા જે મદદ માટે તૈયાર રહેતા હતા. એકબીજાને મુશ્કેલીના સમયમાં ભોજન કરાવી દેતા હતા. મુંબઈમાં તો અમારી પાસે પૈસા જ નહોતા એટલે ખાવાની વાત તો આવે જ ક્યાંથી. શરૂઆતના 4-5 વર્ષ ખૂબ ખરાબ રીતે પસાર થયા. એમાં પણ પહેલા ત્રણ વર્ષ તો ખૂબ મુશ્કેલ હતા. પર્સનલી અને પ્રોફેશનલી પણ.’

મનોજ કહે છે, કે હું મારી ફિલ્મોને વ્યાપારની દ્રષ્ટીએ નહીં પણ ગુણવત્તાની દ્રષ્ટીએ આંકુ છું. તેમની ઘણી એવી ફિલ્મો છે જે બોક્સઓફિસ પર ચાલી પણ ખૂદ અભિનેતાને પસંદ નહોતી. બીજી એવી ફિલ્મો પણ છે જેણે કમાણી ભલે નથી કરી, પણ કામ કરવાના કારણે એ તેમને ખૂબ જ પસંદ છે. એમનું માનવું છે કે એ ફિલ્મોના કારણે જ દર્શકો તેમને ઓળખે છે.

પત્રકારત્વમાં રોજ લખતા આર્ટિકલ આપણને નથી ગમતા હોતા, પણ ફેસબુક પર સ્વ ઈચ્છાએ મુકેલો આર્ટિકલ આપણને ખૂબ ગમે છે. કલાના ક્ષેત્રમાં તમે ગમે તેટલું સારું કામ કરો, પણ કામથી અસંતોષ રહ્યા જ કરશે. કલાના ક્ષેત્રમાં આ સમસ્યા રહેવાની જ છે.

નેશનલ એર્વોડ વિનર અભિનેતા મનોજ બાજપેયીનું કહેવું છે કે, હું કોઈ દિવસ એવોર્ડ માટે ફિલ્મો નથી કરતો. એવોર્ડની આશા પણ નથી રાખતો. તેમનું સ્પષ્ટપણે માનવું છે કે અહીં પક્ષપાત થાય છે. જેનાથી તેમને ખૂબ દુખ છે. તેનાથી એક કલાકારનું મનોબળ તૂટે છે. એવોર્ડ પોતાની વિશ્વસનિયતા ગુમાવી રહ્યાં છે.

મનોજે કોઈ દિવસ સેલિબ્રિટી ઈમેજની ચિંતા જ નથી કરી. ના આજે ના આવતીકાલે કરશે પણ. તેઓ સુપરસ્ટાર છે એટલે કોઈ સન્માન આપે તેવી તેમની બિલકુલ ઈચ્છા નથી. ઈચ્છા છે કે કામ સારું હોય તો લોકો તેમની પ્રશંસા કરે. આઝાદી ગમે છે. મન થાય ત્યાં ઘુમે છે. ગમે એવા જ કપડાં પહેરે છે. કોઈ કહે એવા કપડાં બિલકુલ નથી પહેરતા.

મને એક કિસ્સો યાદ આવે છે. સૌરભ દ્રીવેદીને મનોજે કહેલો.  રામ ગોપાલ વર્માની ફિલ્મ દોડનું ઓડિશન હતું. જેમાં પરેશ રાવલના રાઈટ હેન્ડ મેન તરીકેનો નાનો એવો કિરદાર હતો. બેન્ડિટ ક્વીનમાં માનસિંહનો રોલ કરી ચૂકેલા મનોજને લાંબા સમયથી એક પણ ફિલ્મ નહોતી મળી. મુંબઈમાં દિવસો કપરા પસાર થઈ રહ્યા હતા. કાઠુ લાગી રહ્યું હતું.

ઓડિશનમાં મનોજને પણ ઈરફાન ખાનની સાથે બોલાવવામાં આવેલા હતા. ઈરફાન સિવાય વધુ એક વ્યક્તિનું ઓડિશન લઈ રવાના કરવામાં આવ્યા અને હવે વારો મનોજનો હતો. મનોજ અંદર ગયા તો રામ ગોપાલ વર્માએ પૂછ્યું કે કઈ ફિલ્મોમાં કામ કર્યું છે. નાટક-બાટક વગેરે વગેરે…

મનોજે કહ્યું, ‘મેં બેન્ડિટ ક્વીનમાં કામ કર્યું છે.’

રામ ગોપાલ વર્મા ચોંકી ગયા. કહ્યું, ‘અરે યાર બેન્ડિટ ક્વીન તો મેં બે વખત જોઈ, મને તો તું એમાં કોઈ જગ્યાએ નજર ન આવ્યો.’

‘માનસિંહનો રોલ કર્યો હતો મેં.’ મનોજે કહ્યું.

‘એ તું હતો?’

‘હા.’

‘અરે યાર તું તો ખૂબ યંગ લાગે છો!!’

‘હા, એ દાઢી ને હતી એટલે.’

રામ ગોપાલ વર્માએ કહ્યું, ‘હું તને પાંચ વર્ષથી શોધુ છું કોઈ તારું નામ નથી દેતું. કોઈ તારા નંબર નથી દેતું. મારી પાસે એક રોલ છે. તું એ કર આ નાનો રોલ છે 35,000નો છોડી દે.’

મનોજને ખબર હતી કે છેલ્લા કેટલાય સમયથી કડકાઈ ચાલે છે. એટલે આ રોલ છોડી શકાય તેવી સ્થિતિમાં નહોતો. મનોજે કહ્યું, ‘આ ફિલ્મ તો હું કરીશ જ કારણ કે 35,000 છે. ખર્ચ નીકળી જશે.’

મનોજને અંદર ખાને એક ડર પણ હતો કે અસંખ્ય લોકો પ્રોમિસ આપે છે કે અમે તને ફિલ્મમાં લઈશું પણ ફિલ્મમાં લેતા નથી. મનોજે 35,000ના રોલ માટે હા પાડી દીધી.

રામ ગોપાલ વર્માએ ખૂબ કહ્યું કે, ‘તેલુગુમાં એક ફિલ્મ છે. હું તે ફિલ્મમાં તને સાથે લઈ કામ કરીશ. તું આ રોલ છોડી દે.’

પણ મનોજ ટસ ના મસ ન થયા. રોલ લઈને જ રહ્યાં. બીજી ફિલ્મ માટે મનોજને રાઈટર શોધવાની જવાબદારી રામ ગોપાલ વર્માએ આપી. રામ ગોપાલની એ ફિલ્મ માટે એન્ટ્રી થઈ અનુરાગ કશ્યપ અને સૌરભ શુક્લાની અને બની ગઈ સત્યા. જો એ ઓડિશનમાં મનોજ ન હોત તો ? મુંબઈનો ડોન ભીકુ માત્રે કોણ બનેત? હવે અહીં સુધી લાંબા થયા જ છો તો ભીકુ ભાઈનો ડાન્સ, વિશાલ ભારદ્રાજનું સંગીત, આશા ભોંસલે-સુરેશ વાડેકરનો અવાજ અને ગુલઝારના શબ્દો માણતા જાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments