Homeવિશેષચાબુકને વિજયભાઈનો સવાલ : બ્રહ્માંડ કેવડુ છે ? માપ છે કે નહીં...

ચાબુકને વિજયભાઈનો સવાલ : બ્રહ્માંડ કેવડુ છે ? માપ છે કે નહીં ?

ચાબુકની શરૂઆત થઈ પછી બીજો પ્રશ્ન ફેસબુકના માધ્યમથી આવ્યો છે. પૂછનારનું નામ છે વિજયભાઈ સિહોરા. વિજયભાઈનો સવાલ ખૂબ અઘરો છે. વાંચો.

‘‘એક પ્રશ્ન સદા રહે છે કે આ બ્રહ્માંડ કેવડુ હશે? એનો છેડો ક્યાં હશે ? નીચે શું અને ઉપર શું હશે ? માપ છે કે નહીં ?’’

તો પ્રિય વિજયભાઈ.  વિજય નામમાં જ વિજ્ઞાન જેવું સમાયેલું લાગે છે. તમારું નામ વિજય અને એક આપણા નગેન્દ્ર વિજય. સૌ પ્રથમ તો હું તમને એ કહેવા માગુ છું કે આવો અઘરો પ્રશ્ન પૂછી ચાબુકની ધરખમ પરીક્ષા લેવા બદલ ધન્યવાદ. આ સવાલનો જવાબ આખા ગુજરાતમાં બે વ્યક્તિઓ સરસ રીતે આપી શકે. એકનું નામ છે હર્ષલ પુષ્કર્ણા અને બીજા છે તેમના પિતા નગેન્દ્રભાઈ વિજય. આ સવાલનો જવાબ આપવા માટે મારે તેમની જ શરણે જવું પડ્યું.

નગેન્દ્ર વિજય દ્રારા લખવામાં આવેલ કોસમોસ પુસ્તક છે. તેમાં બ્રહ્માંડની વિગતસરની માહિતી આપવામાં આવી છે. આ પુસ્તક જેમની પાસે છે તેમની પાસે જ છે. હવે રિ-પ્રિન્ટ થયું નથી. 

વિજયભાઈ જોવા જઈએ તો બ્રહ્માંડની ઉંમર અત્યારે 13.73 અબજ વર્ષ આંકવામાં આવે છે. ઘણી જગ્યાએ 14 અબજ પણ કરી દેવામાં આવી છે. હવે તમારો પ્રથમ સવાલ બ્રહ્માંડ કેવી રીતે સર્જાયું ? બ્રહ્માંડ બિગબેંગ જેને મહાવિસ્ફોટ કહેવામાં આવે છે તેનાથી સર્જાયું છે. પછી 20 કરોડ વર્ષ સુધી બ્રહ્માંડ અંધકારમય રહ્યું. ગુરૂત્વાકર્ષણ અને બીજા અસંખ્ય પરિબળોએ તેમાં ભાગ ભજવ્યો.

નગેન્દ્ર વિજય જે રીતે સમજાવે છે એ રીતે સમજાવું તો, એક ઈંડુ છે. એ ઈંડામાં જેટલું સમાય તેનાથી પણ વધારે ભરી ભરીને માલસામાન ભર્યો છે. હદ કરતાં વધારે સામાન ભરેલો હોય તો શક્ય છે ઈંડુ ફૂટી જવાનું. બ્રહ્માંડના સર્જન પહેલાં પણ આવું જ થયું. બ્રહ્માંડ એક ઈંડામાં કેદ હતું. એ ઈંડામાં કોસ્મિક રે કિરણો હવે જીરવાય એવી અવસ્થામાં નહોતા, પરિણામ એ આવ્યું કે ઈંડાની અંદર રહેલો પદાર્થ કવચ તોડીને બહાર નીકળ્યો અને બ્રહ્માંડની રચના થઈ.

હવે વૈજ્ઞાનિકો મૂંઝાણા એ રીતે છે કે ઈંડુ ક્યારે આવેલું અનેં ઈંડુ હતું તો મુરઘી પણ હશે જ ને ? બસ બ્રહ્માંડને જન્મ આપનારા આ ઈંડાનો જન્મ ક્યારે થયો તેના વિશેનો ભીષણ માથા ટકરાવ સંગ્રામ અવિરત ચાલ્યા રાખે છે. ચાલ્યા રાખશે. નવા વૈજ્ઞાનિકો આવશે. નવી થીયરીઓ મળ્યા રાખશે.

વિજયભાઈ બ્રહ્માંડ કેવડુ છે ? આ તમે પૂછ્યું….

કોરી હાઈનેસે આ વિશેનો જવાબ આપતા કહેલું કે, 13.7 બિલિયન વર્ષ પહેલાં જો બ્રહ્માંડનો જન્મ થયો હોય તો પ્રકાશને 13.7 વર્ષ જ સમગ્ર બ્રહ્માંડમાં પરિભ્રમણ કરતાં લાગ્યા હશે. એક અન્ય થીયરી એવી સામે આવે છે કે પૃથ્વી જે બ્રહ્માંડમાં ઘુમી રહી છે તેના જેવી જ એક બીજી દુનિયા પણ છે.

કોસમોસ પુસ્તકના 19 નંબરના પેજ પર નગેન્દ્ર વિજય એક સરસ કિસ્સો ટાંકે છે,  ‘ઈમાન્યુઅલ કેન્ટ નામના જર્મન ખગોળશાશ્ત્રીએ 1755ની સાલમાં ટાપુ બ્રહ્માંડોનું અસ્તિત્વ હોવાનું જણાવ્યું. ત્યારે 23 લાખ પ્રકાશવર્ષ છેટે આવેલી દેવયાની આકાશગંગાને તેણે બ્રહ્માંડ 2 સમજી લીધી હતી. જેને ઘણાએ રદીયો આપ્યો હતો.’’

હવે આ આંકડો દર વખતે બદલતો રહે છે વિજય ભાઈ. વિલિયમ હર્ષલે 1780માં તેનું કદ 10,000 પ્રકાશવર્ષ બતાવ્યું હતું. 1919માં હાર્લો શેપલીએ 3 લાખનો આંકડો કર્યો. 1923માં એડવિન હબલે 23 લાખ પ્રકાશવર્ષનો આંકડો કર્યો. 1963માં માર્ટેન શ્મિટે બે અબજ પ્રકાશવર્ષ અને છેલ્લે 1995માં 13 અબજ પ્રકાશવર્ષ થયો. એટલે સમયે સમયે તેના કદ વિશે અલગ અલગ થીયરીઓ સામે આવતી રહે છે.

વિજય ભાઈ તમારી બાજુમાં તમારો પાડોશી રહેતો હોય, તમારા જિલ્લાનો એક જિલ્લો જેને પાડોશી જિલ્લો કહેવાય, આપણા ગુજરાત રાજ્યનું એક રાજ્ય પાડોશી રાજ્ય હોય, પૃથ્વીનો એક ગ્રહ તેનો પાડોશી હોય, તો તમને નથી લાગતું કે બ્રહ્માંડનું પણ કોઈ પાડોશી બ્રહ્માંડ હશે ? વિચારવા જેવો મુદ્દો છે.

આઈનસ્ટાઈનની જનરલ થીયરી ઓફ રિલેટીવીટી પ્રમાણે બ્લેક હોલનું અસ્તિત્વ છે તો વ્હાઈટ હોલનું પણ અસ્તિત્વ છે. બ્લેક હોલ જો કોઈ પદાર્થને અજગરની જેમ ગળી જાય છે તો વ્હાઈટ હોલ એ ગળેલા પદાર્થને ઓકતો હશે. બ્રહ્માંડમાં ગળેલું ઓકતા આવા વિવિધ પદાર્થો હોય તો શું એમ માનવું કે બીજું એક બ્રહ્માંડ પણ અસ્તિત્વ ધરાવે છે જ્યાંથી અસંખ્ય વસ્તુઓ આપણા બ્રહ્માંડમાં આવતી રહે છે ?

બ્રહ્માંડનો છેડો વૈજ્ઞાનિકોની થીયરી પ્રમાણે સમયાંતરે બદલ્યા રાખે છે. માપ કોને કહેવાય જેને તમે માપી શકો. પણ બ્રહ્માંડને INFINITY (અનંત)નો દરજ્જો સાંપડ્યો છે. તેની નીચે અને ઉપર શું હશે તેનો પણ ખ્યાલ નથી. જો તમે પ્રકાશવર્ષની સ્પીડથી પણ વધારે ઝડપ મેળવી ભાગી શકો તો એ વાતનો તાગ મેળવી શકો કે નીચે શું છે, કારણ કે બ્રહ્માંડમાં તો ગુરૂત્વાકર્ષણ છે જ નહીં.

પૃથ્વી પર જેમ સફરજન નીચે પડે છે તેવું બ્રહ્માંડમાં નથી થતું. ત્યાં બધું હરતું ફરતું રહે છે. વાત રહી પ્રકાશવર્ષની સ્પીડથી ભાગી બ્રહ્માંડની ઉપર અને નીચે શું છે એ જાણવાની તો એ શક્ય જ નથી.

બ્રિટનનાં એક રિટાયર્ડ અંગ્રેજીના શિક્ષકે સરસ કહ્યું છે, ‘બ્રહ્માંડમાં ઉપર કે નીચે જેવું કશું છે જ નહીં.’ મને વિચાર આવ્યો કે એક સેકન્ડને પણ એક સેકન્ડ બનાવનારી કોઈ વસ્તુ તો હશે જ ને.

આ તો અખૂટ ચાલતી ચર્ચા છે. બાકી વિજય ભાઈ બ્રહ્માંડ વિશેની સૌથી બેસ્ટ વ્યાખ્યા કોઈએ આપી હોય તો તેનું નામ છે માર્ટિન રિસ. બ્રિટનના આ શાહી ખગોળશાસ્ત્રીએ કહેલું કે, ‘બ્રહ્માંડનું સર્જન એ અકળ યોગાનુંયોગ છે. બીજું કંઈ નહીં.’

 [વિજય ભાઈની જેમ તમારી પાસે પણ કોઈ સવાલ હોય તો અમને પૂછો. સાથે તમારો ટૂંકો પરિચય અને એક ફોટો આપો. ફેસબુકના કોમેન્ટ વિભાગમાં પણ સવાલ પૂછી શકો છો અને અમને [email protected] પર મેઈલ પણ કરી શકો છો. અમે જવાબ શોધવાની પૂરતી કોશિષ કરીશું.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments