Homeગુર્જર નગરીઘરે સારવાર આપતા ડોક્ટરોથી ચેતજો, અમદાવાદમાં નકલી ડોક્ટરની ટોળકી ઝડપાઈ

ઘરે સારવાર આપતા ડોક્ટરોથી ચેતજો, અમદાવાદમાં નકલી ડોક્ટરની ટોળકી ઝડપાઈ

Team Chabuk-Gujarat Desk: કોરોનાના વધતા કેસમાં તકનો લાભ લઈને બિલાડીની ટોપની માફક નકલી ડોક્ટરો ફૂટી નીકળ્યા છે. કોવિડ હોસ્પિટલમાં તબીબી અને નર્સિંગ સ્ટાફની અછત વચ્ચે કેટલાક તત્વો નકલી ડોક્ટર અને નર્સ બનીને દર્દીઓને ઘરે સારવાર આપવાની વાતો કરીને ખંખેરી રહ્યા છે. આવી જ એક ટોળકી અમદાવાદમાંથી ઝડપાઈ છે. અમદાવાદના અમરાઇવાડીમાં કોવિડના દર્દીને ઘરે સારવાર આપવાના નામે લાખો રૂપિયા ખંખેરતી નકલી ડોક્ટરની ટોળકીની પોલીસે ધરપકડ કરી.. નકલી ડોક્ટર અને નર્સની ત્રિપુટીની લાલચમાં એક પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યો. આ નકલી ડોકટરના તાર વટવાની કોવિડ હોસ્પિટલ સુધી પહોંચ્યા.

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા એક વિશાલ નામના એક વ્યક્તિને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. જેથી તેમણે ઘરે સારવાર માટે આવી શકે તેવા ડોક્ટર અને નર્સની શોધખોળ શરૂ  કરી હતી. પાડોશીની મદદથી દર્દીએ ઘરે સારવાર માટે આવે તે માટે આ ઠગ ટોળકીનો સંપર્ક કર્યો હતો. આ નકલી ડોક્ટર અને નર્સ દરરોજ ઘરે આવીને કોરોના દર્દીની સારવાર કરવા લાગ્યા. સતત 15 દિવસ સુધી કોરોનાની સારવાર કરવાના બહાને રૂપિયા 1 લાખ 50 હજાર ટોળકીએ દર્દી પાસેથી લીધા. પરંતુ 15 દિવસની સારવાર બાદ પણ દર્દીની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં. તેથી વિશાલભાઈને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા. જ્યાં તેમનું મોત થયું. આમ નકલી ડોક્ટર અને નર્સની રૂપિયા પડાવવાની લાલચમાં એક દર્દીને જીવ ગુમાવવાનો વારો આવ્યો.

હોસ્પિટલમાંથી ખબર પડી કે યોગ્ય સમયે યોગ્ય સારવાર ન મળતાં વિશાલભાઈનું મૃત્યુ થયું છે. જેથી આ ઠગ ટોળકીનો ભાંડો ફૂટ્યો. જેથી પોલીસે તપાસ કરીને એક નર્સ અને બે ઠગ ડોક્ટરની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ઇસનપુરમાં રહેતી રિના કચ્છી વટવામાં આવેલી સ્પર્શ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. જ્યારે નરેન્દ્ર અને સોહેલ શેખ નામના બન્ને શખ્સ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરે છે. કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરવાનો અનુભવ હોવાથી આ ત્રિપુટીએ દર્દીઓને ઘરે સારવાર આપવાના નામે છેતરપિંડી કરવાનું શરૂ કર્યું હતું. મૃતક વિશાલભાઈના પાડોશીને પણ આ ઠગ ત્રિપુટીએ જ ઘરે સારવાર આપી હતી. બાદમાં મૃતક વિશાલભાઈને કોરોના થતાં તેમના પાડોશી દ્વારા આ ઠગ ત્રિપુટીનો સંપર્ક થયો હતો.

વટવાની હોસ્પિટલ પણ શંકાના દાયરામાં

વટવાની સ્પર્શ હોસ્પિટલની નર્સ અને કમ્પાઉન્ડર દ્વારા નકલી ડોક્ટર બનીને આ પ્રકારે કરાતી છેતરપિંડી મામલે સ્પર્શ હોસ્પિટલ પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. કોઈ ડોક્ટરના કહેવાથી આ ઠગ ટોળકી દર્દીઓને ઘરે સારવાર આપી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. જેથી પોલીસે સ્પર્શ હોસ્પિટલમાં પણ તપાસ શરૂ કરી દીધી છે. આ નકલી ડોક્ટરની સાથે અસલી ડોક્ટરની સંડોવણી હોવાની શંકા પણ પોલીસે વ્યક્ત કરી છે. ત્યારે આ ટોળકી સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

હાલ હોસ્પિટલમાં જગ્યા ન મળતાં અનેક દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે. ત્યારે આવા શખ્સો તકનો લાભ લઈને દર્દીઓને સારવાર આપવાના બહાને છેતરપિંડીની સાથે સાથે દર્દીના જીવ જોખમમાં મૂકવાનું પણ કામ કરી રહ્યા છે. ત્યારે ઘરે સારવાર આપવા આવતા ડોક્ટર અંગે યોગ્ય તપાસ કરવી જરૂરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments