Homeગુર્જર નગરીજૂનાગઢ: કોરોનાએ 10 દિવસમાં પરિવારના ત્રણ લોકોની જિંદગી છીનવી, બાળકો નોંધારા બન્યા

જૂનાગઢ: કોરોનાએ 10 દિવસમાં પરિવારના ત્રણ લોકોની જિંદગી છીનવી, બાળકો નોંધારા બન્યા

Team Chabuk-Gujarat Desk: કોરોનાએ અનેક જિંદગીઓને છીનવી લીધી છે. અનેક પરિવારને નોંધારા બનાવી દીધા છે. કોરોનાના આ કપરા કાળમાં અનેક બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. તો ઘણા માતા-પિતાએ વ્હાલસોયા પુત્ર-પુત્રીને ગુમાવ્યા છે. ઘણા પરિવારો પર કોરોના કાળ બનીને ત્રાટક્યો છે અને પરિવારનો માળો વેર વિખેર કરી નાખ્યો છે. આવો જ એક જૂનાગઢનો પરિવાર કોરોના કારણે નોંધારો બની ગયો છે. એક જ ઘરમાં ત્રણ-ત્રણ મોભીના મોત થતાં બાળકો પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે.

જૂનાગઢના વાડલા ગામમાં સુરેશભાઈ સોંદરવા અને તેમનો પરિવાર મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. સુરેશભાઈના પરિવારમાં પત્ની, બે પુત્ર, એક પુત્રી અને માતા રહેતા હતા. અચાનક આ પરિવાર પર કોરોના તૂટી પડ્યો. સુરેશભાઈ સોંદરવા, તેમના પત્ની અને સુરેશભાઈના માતા સહિત ત્રણ વ્યક્તિને કોરોનાનું સંક્રમણ લાગ્યું. ઘરમાં ત્રણ વ્યક્તિઓને કોરોના થતાં બાળકો પણ ચિંતામાં મૂકાઈ ગયા.

સુરેશભાઈની તબિયત બગડતાં તેઓને જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. પરંતુ સારવાર દરમિયાન સુરેશભાઈ કોરોના સામે હારી ગયા અને તેમનું નિધન થયું. પુત્રના નિધનના સમાચાર સાંભળી તેમના માતા પણ તૂટી ગયા. પુત્રના મોતના એક અઠવાડિયા બાદ ઘરે જ કોરોનાની સારવાર લઈ રહેલા તેમના માતાનું પણ નિધન થયું. માતાના નિધનની બીજી જ સવારે સુરેશભાઈના પત્નીએ પણ અનંતના વાટ પકડી લીધી. આમ કોરોનાના કારણે દસ દિવસથી પણ ઓછો સમયમાં ઘણના ત્રણ-ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા.

વાડલાના સોંદરવા પરિવારમાં કોરોનાનું કાળચક્ર એવું ફર્યું કે ત્રણ-ત્રણ જિંદગીઓને છીનવી લીધી. માતા-પિતા અને દાદીના મોત બાદ હવે પરિવારના ત્રણ સંતાનો નિઃસહાય બની ગયા છે. ટૂંકાગાળામાં માતા-પિતા અને દાદી ગુમાવનાર પૂર્ણા, શાયર અને ગૌતમ પર આભ તૂટી પડ્યું છે. માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર આ સંતાનો હવે આગળની જિંદગી કેવી રીતે પસાર કરશે તે વિચાર માત્ર પણ ભલભલાને હચમચાવી મૂકે છે.

માતા-પિતા અને દાદી ગુમાવનાર ત્રણેય સંતાનોનું પાલન-પોષણ કોણ કરશે તે પણ ચિંતાનો વિષય બન્યો છે. હાલ ત્રણેય સંતાનો સરકાર પાસે મદદની માગણી કરી રહ્યા છે. કેમકે ત્રણેય બાળકો સામે હવે એક પ્રશ્ન ઉભો થયો છે કે, આગળ અભ્યાસ કરવો કે જીવન જીવવા માટે કમાવવું. પરિવારના ત્રણ મોભીને ગુમાવનાર આ સંતાનો હાલ ખૂબ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે.

જૂનાગઢના વાડલા ગામમાં સોંદરવા પરિવાર પર આવેલી આ આફત બાદ જાણવા મળ્યું કે ગામમાં કોરોનાની સારવારનો પણ અભાવ છે. ગામમાં આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા એક મહિનાથી કોરોના ટેસ્ટિંગ કીટ પણ નથી આવી. તંત્રને અનેક વખત ગામના લોકોએ જાણ કરી છતાં કોઈ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું. જેનાથી ગામ લોકોમાં પણ તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. સારવાર અને ટેસ્ટિંગના અભાવે અનેક મહામૂલી જિંદગી આ પ્રકારે છીનવાઈ રહી છે.

હાલ તો વાડલાના સોંદરવા પરિવારના આ નિઃસહાય બાળકો મદદ માટેનો સાદ પાડી રહ્યા છે. સરકાર તેમના તરફ ધ્યાન આપે અને આગળ અભ્યાસ અને જીવન નિર્વાહ માટે મદદ કરે તેવી આશા ત્રણેય બાળકો રાખી રહ્યા છે.

(અમારા ફેસબુક પેઈજને લાઈક કરીને મેળવો તમામ અપડેટ, નીચે આપેલા ફેસબુક આઈકોન પર ક્લિક કરી, અમારા ફેસબુક પેઈજમાં જઈને લાઈક બટન પર ક્લિક કરો.)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments