Homeગામનાં ચોરે24 વર્ષીય જોડિયા ભાઈના કોરોનાથી મોતઃ 3 મિનિટના અંતરે જન્મ્યા હતા, 22...

24 વર્ષીય જોડિયા ભાઈના કોરોનાથી મોતઃ 3 મિનિટના અંતરે જન્મ્યા હતા, 22 કલાકના અંતરે બન્નેના મોત થયા

Team Chabuk-Gujarat Desk: ઉત્તર પ્રદેશના મેરઠમાં બે જોડિયા ભાઈના કોરોનાના કારણે મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. 24 વર્ષના જોડિયા ભાઈ જોયફ્રેડ વર્ગીસ ગ્રેગરી અને રોલફ્રેડ વર્ગીસ ગ્રેગરીના મૃત્યું કોરોનાના કારણે થઈ ગયા છે. 22 કલાકના અંતરમાં બન્ને ભાઈએ દુનિયાને અલવિદા કરી દીધું. બન્ને ભાઈ એન્જિનિયર હતા. ગત વર્ષે જ મલ્ટીનેશનલ કંપનીમાં બન્ને ભાઈ નોકરીએ લાગ્યા હતા. જો કે કોરોનાના કારણે બન્ને ભાઈઓ ઘરેથી કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ઘરે જ બન્નેને કોરોનાનું સંક્રમણ લાગ્યું. તેમનો રિપોર્ટ નેગેટિવ પણ આવી ગયો હતો પરંતુ પોસ્ટ કોવિડની સારવાર દરમિયાન બન્ને ભાઈઓએ અંતિમ શ્વાસ લીધા. શુક્રવારે મોટાભાઈ જોયફ્રેડનું નિધન થયું અને શનિવારે નાનાભાઈ રોલફ્રેડનું પણ મોત થઈ ગયું. જોડિયા ભાઈઓના માતા સોજા ગ્રેગરી અને પિતા રોફેલ ગ્રેગરી મેરઠની સેંટ થોમસ અંગ્રેજી માધ્યમ શાળાના શિક્ષક છે. પરિવાર મેરઠ કેંટમાં રહે છે.

પોસ્ટ કોવિડની સારવાર દરમિયાન થયા મૃત્યુ

બન્ને ભાઈ આનંદ હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસથી સારવાર લઈ રહ્યા હતા. બન્ને ભાઈઓને એક સાથે જ કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. તબિયત બગડતાં બન્નેને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ફેફસા સુધી સંક્રમણ પહોંચી જતાં બન્નેનું ઓક્સિજન લેવલ ઘટતું જઈ રહ્યું હતું. તેથી ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા. પ્લાઝમા પણ આપવામાં આવ્યું. ધીમે ધીમે બન્ને ભાઈ કોરોનામાંથી સ્વસ્થ થવા લાગ્યા. પરિવારના જણાવ્યા અનુસાર બન્ને ભાઈના 10 મેના રોજ કોરોના રિપોર્ટ નેગેટિવ પણ આવી ગયા હતા. પરંતુ ફેફસામાં પોસ્ટ કોવિડ ફાઈબ્રોસિસ વધેલું હતું. જેથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જેથી ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાં જ દાખલ રહેવાની સલાહ આપી હતી. જો કે આ ફાઈબ્રોસિસના કારણે બન્નેના મોત થઈ ગયા. હવે પરિવારમાં જોડિયા ભાઈઓથી પાંચ વર્ષ મોટો ભાઈ નેલફ્રેડ ગ્રેગરી અને માતા-પિતા જીવિત છે.

સાથે જન્મ્યા, સાથે મૃત્યુ

પરિવાર પાસેથી જાણવા મળ્યું કે રોલફ્રેડ અને જોયફ્રેડ જોડિયા ભાઈઓ છે. બન્નેના જન્મ વચ્ચે માત્ર ત્રણ મિનિટનું જ અંતર હતું. બન્ને સાથે જ ભણ્યા, સાથે જ નોકરીએ લાગ્યા, એક સાથે જ બન્નેને કોરોનાનું સંક્રમણ લાગ્યું અને બન્નેએ આ દુનિયાને અલવિદા પણ સાથે જ કહ્યું. શુક્રવારે બપોરે મોટાભાઈ રોલફ્રેડનું 12.30 વાગ્યે નિધન થયું અને શનિવારે નાનાભાઈ જોયફ્રેડનું સવારે 10.30 વાગ્યે નિધન થયું. આમ 22 કલાકના અંતરમાં જ બન્ને ભાઈ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. શનિવારે પરિવાર મોટા દીકરાના ગ્રેવિયાર્ડમાં અંતિમ સંસ્કાર કરીને પરત આવ્યો અને તુરંત જ હોસ્પિટલમાંથી નાના દીકરાના મોતના સમાચાર મળ્યા.

જોડિયા ભાઈઓના પિતા રાફેલ ગ્રેગરીએ જણાવ્યું કે, બન્ને ભાઈઓને દરેક બીમારી અને દુર્ઘટના એક સાથે જ થતી હતી. શુક્રવારે મોટા દીકરાના નિધનના સમાચાર મળ્યા ત્યારે જ અમને આભાસ થઈ ગયો હતો કે નાનો દીકરો પણ હવે નહીં જીવી શકે. બન્નેના શરીર અલગ હતા પરંતુ શ્વાસ સાથે ચાલતા હતા. બન્ને વચ્ચે સારી બોન્ડિંગ હતી. સાથે જ અભ્યાસ કર્યો, સાથે જ નોકરીએ લાગ્યા. એક દીકરો હ્યુન્ડાઈ અને બીજો દીકરો અસેંચરમાં એન્જિનિયર હતો.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર દેશ અને દુનિયામાં કોરોનાથી જોડિયા ભાઈઓના મોતના બહુ ઓછા મામલા સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક અને ગુજરાતના વડોદરામાં એક આ પ્રકારનો મામલો સામે આવી ચુક્યો છે. જો કે બન્ને મામલામાં નવજાત જોડિયા બાળકોના કોરોનાથી મોત થયા હતા. રોહતકમાં પણ જોડિયા નવજાત બાળકોનું કોરોનાથી મોત થયું હતું. પરંતુ યુવાન જોડિયા ભાઈઓનું કોરોનાથી મોત થયું હોય તેવો આ પ્રથમ કિસ્સો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments