Homeગુર્જર નગરીજુમલાબાજ જ્યોતિષ: પ્રેમીએ લગ્નની ના કેમ પાડી એ જાણવા પાછળ જૂનાગઢની યુવતીને...

જુમલાબાજ જ્યોતિષ: પ્રેમીએ લગ્નની ના કેમ પાડી એ જાણવા પાછળ જૂનાગઢની યુવતીને 6.20 લાખનો ધુમ્બો લાગી ગયો

Team Chabuk-Gujarat Desk: 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની છે અને હાથમાં વિશ્વનું સૌથી મજબૂત હથિયાર મોબાઈલ હોવા છતાં અંધવિશ્વાસ અને જ્યોતિષમાં માનનારાઓની કમી નથી. હાલ તો યુવાનો માટે મોબાઈલ ફાયદા કરતા સમસ્યાનું સાધન વધારે બની ગયું છે. રોજે રોજ અંધવિશ્વાસમાં માનનારાઓનાં કિસ્સા છાપરે ચડી પોકારતા આવે છે. આવો જ એક કિસ્સો એક યુવતી સાથે ગઢ જૂના ગિરનાર અને દેવોની ભૂમિ જૂનાગઢમાં બન્યો છે.

એક જ્યોતિષે તેના લગ્નની સમસ્યાના સમાધાન માટે છ લાખ વીસ હજાર રૂપિયા પડાવી ચૂનો ચોપડી દીધો. યુવતીને જ્યારે ખબર પડી કે જ્યોતિષના હાથે ધૂંતાઈ ગયા છે અને મામલો હવે હાથમાંથી સરકી ગયો છે ત્યારે તે પોલીસ સ્ટેશને પહોંચી હતી અને આ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી.

આ ઘટના કોઈ ફિલ્મની પટકથાને ટક્કર મારે એવી છે. જૂનાગઢની એક યુવતી જે તે સમયે અમદાવાદમાં રહેતી હતી. યુવતી જ્યારે અમદાવાદમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી ત્યારે તેને એક યુવકની સાથે ઘનિષ્ઠ મિત્રતા બંધાઈ હતી. લોકડાઉન થયા બાદ યુવતી જૂનાગઢ આવી ગઈ હતી. યુવક અને યુવતી અવાર નવાર ફોન પર વાતો કરતા હતા. યુવતીએ એક દિવસ યુવકને લગ્નનું પૂછ્યું હતું ત્યારે તેણે ના પાડી દીધી હતી. યુવતીને એ જાણવાનું કૂતુહલ થયું હતું કે આખરે શા માટે તેને યુવકે ના પાડી દીધી?

આ વિચારોમાં જ લીન એવી યુવતીને ઈન્સ્ટાગ્રામ યુઝ કરતા સમયે આંખ આડે એક જાહેરખબર આવી. એ જાહેરખબર જ્યોતિષીની હતી. જાહેરખબરમાં લેડી એસ્ટ્રોલોજર નામ હતું અને આ મહિલા જ્યોતિષ ગમે એવા પ્રેમના ગૂંચવાયેલા કોયડાની આંટી સીધી દોર કરી આપતી હોવાનું લખ્યું હતું. 2020ના સાતમાં મહિનાની પચ્ચીસમી તારીખના રોજ યુવતીએ જ્યોતિષને ફોન કર્યો.

જ્યોતિષે પૂજા વિધિ કરવી પડશે એમ કહ્યું હતું અને યુવતીએ તેને બે હજાર રૂપિયા આપ્યા હતા. એ પછી ચાર હજાર ટ્રાન્સફર કરવું પડશે તેવું મહિલા જ્યોતિષે કહ્યું હતું. એ પછી તારીખ 25-7-2020થી તારીખ 22-9-2020ની વચ્ચે યુવતીએ આ મહિલા જ્યોતિષને 6.20 લાખ રૂપિયાની રકમ આપી હતી. આટલી મોટી રકમ આપી હોવા છતાં યુવક તરફથી એક પણ ફોન ન આવતો હોવાનું જ્યારે યુવતીએ આ ઠગારી જ્યોતિષને કહ્યું ત્યારે તેણે કોઈએ છોકરા પર બ્લેક મેજીક કર્યું છે કહી યુવતીને આડે પાડે ચડાવી દીધી હતી.

રૂપિયા આપી દીધાં બાદ યુવતીની પાસે પૈસા નહોતા. એનાં ખિસ્સા ખાલી થઈ ગયા હતા. ત્યારે મહિલા જ્યોતિષે તેને પૂજામાં વિઘ્ન થશે એવો ડર બતાવ્યો હતો. આખરે યુવતીએ જૂનાગઢ પોલીસને આ સમગ્ર ઘટનાક્રમ જણાવતા સાયબર ક્રાઈમે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments