Editors Gallery: પહેલા એક ખાસ વાત કરી લઈએ. એક એવા સૂર્યોદયની કાળી કિરણ ઊગી નીકળી છે જે કદાચિત્ અસ્ત નથી થવાની. ગુજરાતી ભાષાનું સાહિત્ય તો ઓછું વંચાય જ રહ્યું છે એવામાં અન્ય પ્રાદેશિક કે પ્રવર્તમાન હિન્દી ભાષાના સાહિત્યની ચર્ચાને તો અવકાશ જ નથી. જે છે એ થોડા બાકી બચ્યાં છે. એમના સિવાયના, જેમના ખભા પર ગુજરાતી સાહિત્ય કે પત્રકારત્વનો ભાર આપવાનો છે તેઓ ભાર ઊંચકવા તૈયાર નથી થઈ રહ્યા. તેઓ બીજા કેટલાક માધ્યમમાં અને ખાસ તો સાહિત્યના સમરાંગણમાં ફેસબુક નામનું હથિયાર લઈ યુદ્ધે ચડ્યા છે. શૌર્યની પ્રતિતિ કરાવવાનું એ એક અનેરું સાધન છે જેમાં લોકો તલવાર, બંદૂક કે છરી વિના ઘાયલ થઈ જાય છે. શરીરની નસમાંથી નહીં પણ મનની નસમાંથી લોહીનો ફૂંવારો છૂટી નીકળે છે.
વાત જો હિન્દી ભાષાની હોય તો કોણ છે એવો હિન્દી હાસ્ય સાહિત્યનો ધૂરંધર જેણે આ જમાનામાં પોતાની રચનાઓ દ્વારા આગ લગાવીને રાખી છે. એવી જ આગ જેવી શરદ જોશી અને શ્રીલાલ શુક્લાએ લગાવી હતી. ભારતીય હાસ્ય સાહિત્યના ટોચ પર રહેલા આ બંને લેખકો કરતા આ લેખકે અલગ ધૂણી ધખાવીને રાખી છે. નામ છે જ્ઞાન ચતુર્વેદી. વ્યંગ અને કટાક્ષનો એમની કૃતિમાં એવો સમન્વય જોવા મળે છે કે વાંચનારની છાતીમાં સોંસરવું ઉતરી જાય. કોઈ પણ વ્યક્તિના હ્રદય અને મનમાં ગંભીરતાથી વાત ઉતારી દેવી હોય તો હાસ્ય તમામ સાહિત્યમાં સર્વોપરી છે. જેમ ગઝલ બે લાઈનમાં સર્વસ્વ ન્યોછાવર કરી નાખે છે તેવી રીતે હાસ્ય તમને વર્તમાન સમાજનો અરીસો બતાવી દે છે. જેનાથી મોટાભાગનાં લોકોને તકલીફ પડવાની.
સત્યાગ્રહ નામની હિન્દી વેબસાઈટ જ્ઞાન ચતુર્વેદીના હાસ્યના જ્ઞાનનું આ રીતે મૂલ્યાંકન કરે છે, ‘આવનારા સમયમાં વ્યંગની ત્રીજી મદરેસા ખુલી તો નિશ્ચિત રૂપથી એ ‘‘જ્ઞાન’’ મદરેસા કહેવાશે. જેમાં વ્યંગના વિચારની સાથે ખૂદને હર ક્ષણે શીખવા માટે તત્પર રાખવાની ઉર્જાની જીદ હશે.
અલગ નામના વ્યંગ સંગ્રહમાં જ્ઞાન ચતુર્વેદી લખે છે કે, ‘કૃષ્ણ ચરાટે અને લતીફ ઘોંઘી હિન્દી વ્યંગ અને હાસ્યના બે મહત્વપૂર્ણ પરંતુ ‘અનસંગ હીરોઝ’ છે. જે એટલા ભોળા રહ્યા કે એવું માનતા હતા કે માત્ર ખૂબ સારું હાસ્ય, વ્યંગ લખીને તેઓ હિન્દીમાં એ સ્થાન પ્રાપ્ત કરી લેશે જેના તેઓ હકદાર છે. પણ એવું ક્યાંય થાય છે ભલા?’
જ્ઞાન ચતુર્વેદી જે એક વસ્તુનો કટ્ટરતાપૂર્વક વિરોધ કરે છે તેની સાથે હું પણ સહમત છું. જ્ઞાનજી હાસ્ય કોલમ રાઈટિંગની વાત આવે ત્યારે શિવજીની જેમ ત્રીજું નેત્ર ખોલી નાખે છે. કોલમ રાઈટિંગને તેઓ પ્રતિભાઓનું કબ્રસ્તાન કહે છે. આવું નિવેદન પાછું તેઓ કોલમ લખ્યાનાં અનુભવ પરથી આપે છે. જેને ડાયાબિટીસ થાય એ જ કહી શકે કે મીઠું ન ખવાય. ગુજરાતી હાસ્યમાં હાલ કોલમયુગ ચાલી રહ્યો છે. એક પણ હાસ્યની કોલમડી હસાવતી નથી. સતત હાસ્ય લખવાથી કલમની ધાર બુઠ્ઠી થઈ જાય છે.
જ્ઞાન ચતુર્વેદી હ્રદયના ડોક્ટર છે. એ આખો દિવસ પોતાના દર્દીઓની સમસ્યાનો નિવેડો લાવવા માટેનું કામ કરતા હોય છે. તેમની મુલાકાત લેનારાઓ વિસ્મય પામે છે જ્યારે આટલી વ્યસ્તતા વચ્ચે તેઓ આટલું સરસ હાસ્ય લખી જાણે છે. હા, ચિંતા કરવાની જરૂર નથી. આ લેખકની તમામ રચનાઓ એમેઝોન પર ઉપલબ્ધ છે.
હિન્દીનાં વિવેચકો અને પાઠકો તેમની નવલકથા બારામાસીના વખાણ કરતા થાકતા નથી. કેટલાક વિવેચકો આ નવલકથાને શ્રીલાલ શુક્લની રાગદરબારી બાદની મોટી રચના તરીકે પણ ગણાવે છે. જ્ઞાનજીનું હાસ્ય શિરમોર હોવાનું કારણ કે એ હાસ્ય અત્યંત ગંભીરતાથી લખે છે. હાસ્યની કેટલીક પરંપરાઓને તેઓ તોડે છે કાં તો નિભાવે છે. હાસ્યમાં જૂના પ્રયોગ પરથી નવો પ્રયોગ તમારી રીતે કરો અથવા તો સાવ નવો પ્રયોગ કરી નૂતન ચીલો ચાતરો.
ગુજરાતીમાં જ્યોતીન્દ્રને સંપૂર્ણ ન વાંચનારાઓ તેમના વિશેની એક દિવાલ ચણીને બેઠા છે કે જ્યોતીન્દ્રની તોલે કોઈ ન આવે એટલે કોઈ ન આવે. ખરેખર વિનોદ ભટ્ટ કેટલાક નિબંધોમાં જ્યોતીન્દ્ર કરતા પણ સવાયા પૂરવાર થયા છે. જોકે વિવેચકો માટે હાસ્ય સાહિત્ય આભડછેટનું કામ કરતું હોવાથી તેનું તુલનાત્મક મૂલ્યાંકન નથી થયું.
જ્યોતીન્દ્ર એ ઊચ્ચ શીખર એટલા માટે પણ છે કે તેમણે ક્લાસિક હાસ્ય નિબંધોની રચના કરી, હાસ્ય નિબંધોનું માળખું ઘડી આપ્યું અને તેમણે નિર્માણ કરેલા રોડ પર આપણે ચાલી શક્યા. જ્યોતીન્દ્રએ સબળા નિબંધો લખ્યાં છે તેમ નબળા નિબંધો પણ લખ્યાં છે. દરેક સર્જક સારું અને ખરાબ સર્જતો જ હોય છે. કોઈ પણ ધૂરંધર સર્જક તેમાંથી બાકાત નથી રહી શકતો. આશા રાખીએ કે ગુજરાતી હાસ્યમાં લબૂક ઝબૂક વચ્ચે ભવિષ્યમાં જ્ઞાન ચતુર્વેદી જેવી લાઈટ આપણને મળી જશે. હવે જ્યોતીન્દ્ર, વિનોદ, તારક, ધનસુખલાલ…. પછીનું આપણે વિચારવાનું છે. ભવિષ્યમાં ગુજરાતી હાસ્ય સાહિત્યને કોઈ જ્ઞાન ચતુર્વેદી મળશે? હિન્દીમાં તો મબલખ પૂરવઠો તૈયાર થઈ રહ્યો છે. આ લેખ લલ્લનટોપનાં કારણે લખવાનું થયું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત