Team Chabuk-Gujarat Desk: ખેડૂતોને પૂરતી વીજળી ન મળવાના કારણે રાજ્યભરના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. 8 કલાક વીજળી આપવાના બદલે રાજ્ય સરકાર હાલ ખેડૂતોને 6 કલાક જ વીજળી પૂરી પાડી રહી છે. 6 કલાક વીજળી આપવામાં પણ ધાંધિયા થતાં હોવાનો ખેડૂતોનો અને વિપક્ષી પાર્ટીઓનો આરોપ છે. ત્યારે ખેડૂતોની વીજળીના મામલે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે. આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયામાં એક પ્રેસનોટ મારફતે ખેડૂતોને 12 કલાક વીજળી આપવાની માંગ કરી છે. અને જો 12 કલાક વીજળી નહીં મળે તો ખેડૂતો બિલ નહીં ભરે તેવું આમ આદમી પાર્ટીએ કહ્યું છે.

આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે ગુજરાત સરકાર ખેતીમાં વીજકાપ કરતી જાય છે. 16 કલાક મળતી વીજળી ઘટાડતાં ઘટાડતાં 8 કલાક કર્યા પછી હવે કામયી ધોરણે 6 કલાક કરવા માંગતી હોય એવા સાફ લક્ષણો દેખાય છે. કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રીની બેઠકમાં અધિકારીઓને કડક સૂચના અપાયાનું નાટક કર્યા પછી વીજળી તો 6 કલાક, એ પણ ત્રુટક ત્રુટક અપાય છે. જો આમ જ ચાલે તો ગુજરાતમાં ખેતી અને ઘાસચારાના અભાવે પશુપાલન ખતમ થઈ જાય.


આમ આદમી પાર્ટી ગુજરાત સરકાર અને ગુજરાતના ગામડાના ખેડૂતો અને પશુપાલકોને કહ્યું છે કે, જ્યાં સુધી ખેતીમાં 12 કલાક વીજળી પુરવઠો આપવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો વીજળી બિલ નહીં ભરે. જો વીજળી કંપનીઓના કર્મચારીઓ ખેડૂતોના વીજ કનેક્શન કાપશે તો આપના નેતાઓ જાતે જઈને ખેડૂતોના વીજ કનેક્શનો જોડી આપશે. ખેડૂતો સહિતના ગ્રામજનોને વિનંતી છે કે જ્યાં સુધી ખેતી માટે 12 કલાક વીજળી આપવાની જાહેરાત ના થાય ત્યાં સુધી સરકારી કર્મચારીઓને ગામમાં કે સીમમાં પ્રવેશ કરવા દેશો નહીં. જો ગુજરાત સરકાર ખેડૂતોનો વીજ પુરવઠો બંધ કરશે તો ના છૂટકે અમારે ઔધોગિક અને શહેરી વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારે એના ઉર્જા તેમજ કૃષિ મંત્રાલયની રહેશે. આમ છતાં જો ગુજરાત સરકાર ખેડૂતોને 12 કલાક વીજળી આપવાની જાહેરાત નથી કરતી તો ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોના હિતમાં આમ આદમી પાર્ટી ના છૂટકે છેલ્લા ઉપાય તરીકે ગુજરાતને અન્ય રાજ્ય સાથે જોડતા નેશનલ હાઈવે ચક્કાજામ કરશે.
આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે, અમે ગુજરાતના ખેડૂતો/પશુપાલકોના હિતમાં ખુલીને મેદાની લડાઈ લડી લેવા માટે મક્કમ છીએ. અસ્તિત્વની આ લડાઈમાં પાર્ટી તેઓની સાથે છે. જરૂર પડ્યે અગ્રહરોળમાં રહીને લડાઈ લડશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
