Team Chabuk-Gujarat Desk: અમદાવાદ આયેશા આત્મહત્યા કેસ મુદ્દે દિવસેને દિવસે વધુ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હાલ આયેશાનો પતિ રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન તેણે કબુલાત કરી છે કે, તે લગ્ન બાદ આયેશા સાથે મારઝુડ કરતો હતો. આરીફે ખુદ કબુલ્યું છે કે, એકવાર ઝઘડો થયા બાદ તેણે ગુસ્સામાં આયેશાને ચારથી પાંચ લાફા માર્યા હતા. આ દરમિયાન આયેશાને આંખમાંથી લોહી નીકળી ગયું હતું. એટલું નહીં તેણે એ પણ કબુલ્યું છે કે, આત્મહત્યા પહેલાં તેણે જ આયેશાને વીડિયો બનાવવા કહ્યું હતું અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આયેશાનો પરિવાર દહેજની પણ માગણી કરતો હતો. ઘરમાં કોઈ વસ્તુની કમી ન હોવા છતાં દહેજ ભૂખ્યો પરિવાર આયેશાને હેરાન કરતો હતો. રાજસ્થાનના ઝાલોરમાં આરીફનું ભવ્ય મકાન છે. ઉપરાંત ચાર જેટલી દુકાનો પણ છે જેને ભાડા પર આપી છે. આ દુકાનોમાંથી તગડુ ભાડું પણ વસૂલે છે. આરીફ અને તેના પિતા એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યાંથી તેમને સારો પગાર પણ મળે છે છતાં તેમની દહેજની ભૂખ જેમની તેમ હતી. આરોપ છે કે, અવારનવાર આરીફ રૂપિયાની માગણી માટે આયેશાને દબાણ કરતો હતો.
આયેશાને આપઘાત કરવા મજબૂર કરનારા પતિ આરીફ વિરુદ્ધ ફરિયાદ થયા બાદ સકંજો કસાયો છે. જો કે, રિવરફ્રન્ટ પોલીસના સકંજામાં આવ્યા બાદ પણ તે મોબાઈલ ફોન વિશે યોગ્ય જવાબ આપી રહ્યો ન હતો. પરંતુ રિમાન્ડ દરમિયાન કડક પૂછપરછમાં આરોપી આરીફનો મોબાઈલ ફોન તેના બનેવીના ઘરેથી મળી આવ્યો છે. મોબાઈલ ફોનમાં તમામ ડેટા મળી આવ્યા છે જેમાં સોશિયલ મીડિયામાં કોની સાથે સંપર્કમાં હતો તેની વિગતો પણ સામે આવી છે. સાથે જ ખુલાસો થયો છે કે, તેણે આયેશા સાથે જાન્યુઆરી મહિનામાં 30 સેકન્ડ વાત કરી હતી. બાદમાં 25મી ફ્રેબ્રુઆરીએ આઇશાએ આપઘાત કરતાં પહેલાં બંને વચ્ચે 72 મિનિટ વાત થઈ હતી. પ્રાથમિક તપાસ બાદ હવે રિવરફ્રન્ટ પોલીસ આરોપી આરીફનો મોબાઈલ એફ.એસ.એલમાં મોકલ્યો છે. એફ.એસ.એલમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
આયેશાનો આત્મહત્યા પહેલાનો વીડિયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે. જે પણ લોકો આયેશાનો વીડિયો જોઈ રહ્યા છે તે આરીફની ટીકા કરી રહ્યા છે અને આયેશાને ન્યાય મળે તેવી માગણી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ આયેશાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે હસતાં-હસતાં મોતને વ્હાલુ કરી લે છે. બીજી તરફ આયેશાનો પરિવાર હજુ સુધી શોકમાંથી બહાર નથી આવી શક્યો. પોતાની લાડકવાયી દીકરીને ગુમાવ્યાનું દુઃખ એટલી હદે છે કે હવે તેમની આંખોમાં આંસુ પણ ખુટી પડ્યા છે. પરિવારની દિવસ અને રાત રડી રડીને પસાર થઈ રહી છે. આયેશાના પરિવારની એક જ માગણી છે કે તેમની પુત્રીને ન્યાય મળે. આરીફને કડકમાં કડક સજા થાય અને સમાજમાં એક દાખલો બેસે જેથી બીજી કોઈ આયેશાને આત્મહત્યા ન કરવી પડે.
તાજેતાજો ઘાણવો
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ
- દલિત સગીરા સાથે 2 મહિના સુધી બર્બરતા? સામુહિક દુષ્કર્મ, ગૌમાંસ ખવડાવ્યું? હાથમાં એસિડ નાખી ‘ઓમ’નું ટેટું હટાવ્યું !