Homeગુર્જર નગરીસૂરજ ભૂવા વિશે પીડિત યુવતીએ કહ્યું: ‘જો એવું જ હોત તો હું...

સૂરજ ભૂવા વિશે પીડિત યુવતીએ કહ્યું: ‘જો એવું જ હોત તો હું તેને અમદાવાદ મનાવવા ગઇ ન હોત…’

Team Chabuk-Gujarat Desk: સોશિયલ મીડિયામાં ભુવો છું કહી ચર્ચામાં આવેલો અને લાખો ફોલોઅર ધરાવતો સૂરજ ભૂવો એક યુવતી પર દસ મહિના સુધી દુષ્કર્મ આચર્યાના કેસમાં ફસાયો છે. યુવતીએ સૂરજ ભુવા પર દસ મહિના સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરી હતી. આ સમગ્ર કેસ ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે યુવતીએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનની સામે ઝેરી દવા ગટગટાવી હતી. જ્યાંથી તેણીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ તો જૂનાગઢ પોલીસે સૂરજ ભૂવા સામે પોલીસ ફરિયાદ નોંધી છે. પરંતુ થોડા સમય પહેલા સૂરજ ભૂવાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેણે યુવતીની વિરૂદ્ધ કેટલાક સનસનીખેજ આક્ષેપ લગાવ્યા હતા. આક્ષેપમાં યુવતી પૈસા અને ફ્લેટ માગતી હોવાનું તેણે કહ્યું હતું. આ આક્ષેપો તદ્દન પાયાવિહોણા હોય તેવું યુવતીએ બાદમાં સોશિયલ મીડિયા પર લાઈવ થઈ જણાવ્યું હતું.

યુવતીએ સોશિયલ મીડિયા પર શું કહ્યું ?

સોશિયલ મીડિયામાં લાઈવ થઈ યુવતીએ જણાવ્યું હતું કે હાલ જે વીડિયો બહાર આવ્યો છે, એમાં મને બદનામ કરવા મેં પૈસાની અને ફ્લેટની માગણી કરી છે એ તદ્દન ખોટું છે. જો એવું જ હોત તો હું તેને અમદાવાદ મનાવવા ગઇ ન હોત. માફી ન માગી હોત, પગે પડી ન હોત. પહેલા તેનો જ ફોન આવ્યો હતો તેનું મારી પાસે પ્રમાણ પણ છે. યુવતીએ વધુમાં કહ્યું હતું કે, મેં મેસેજ કર્યો છે કે મેં પૈસા માટે પ્રેમ કર્યો નથી, આથી આ બાબતથી પૈસા માટે મને મેસેજ ન કરતા. કોઈને પણ મેસેજ ન કરતા. મને ન્યાય અપાવજો, ખોટાનો સાથ ન આપતા. દસ મહિના હું તેની સાથે રહી, તેને ખબર હતી કે મારે મા-બાપ નથી છતાં મને રોડ પર મૂકી દીધી.

સૂરજ ભૂવાએ બચાવમાં યુવતી વિશે શું કહ્યું હતું ?

ભૂવા પર આક્ષેપ થયા બાદ તે ફરારમોડમાં આવી ગયો હતો અને બચાવમાં એક વીડિયો મારફતે કહ્યું હતું કે, ‘સોશિયલ મીડિયામાં મને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે. મારા વિરૂદ્ધ જે ફરિયાદ થયેલી છે તે તદ્દન ખોટી છે. મારી વિરૂદ્ધ ફરિયાદ કરનાર વ્યક્તિ સાથે મારે સારા સંબંધો હતા. મારી સાથેના સારા સંબંધનો તેણે ઘણી વખત ગેર ઉપયોગ કર્યો છે. તેણે મને માનસિક રીતે ભાંગી નાખ્યો છે. તે વ્યક્તિ મારી પાસે ઘણી વખત જુદી જુદી ડિમાન્ડ કરતી હતી. મેં તેની અનેક ડિમાન્ડ પૂરી પણ કરી છે. ડિમાન્ડ ન સંતોષાતા તેણે મારી સાથે આ પ્રકારનું વર્તન અને ફરિયાદ કરી છે. મારાથી યુવતીની ડિમાન્ડ સંતોષાઈ તેમ નહોતી ત્યારે તેણે મને ડાઇવોર્સ આપવા મજબૂર કર્યો હતો. જેના પુરાવા મારી પાસે છે. મારી પાસે અવારનવાર પોતાની ડિમાન્ડ પૂરી કરાવવા તે પોતાના હાથમાં બ્લેડથી ચેકા મારી મને બ્લેકમેઇલ કરતી હતી. તેણીએ મને કહ્યું હતું કે, તું મને 25 લાખ રૂપિયા અને એક ફ્લેટ લઈ દે, નહીંતર હું તારી વિરૂદ્ધ ખોટી ફરિયાદ કરી તને ફસાવી દઈશ. હાલ હું કેટલાક પુરાવા એકઠા કરી રહ્યો છું. પુરાવા એકઠા થયા બાદ હું સામે ચાલી પોલીસ સ્ટેશને પહોંચીશ.​​​’

સમગ્ર ઘટનાક્રમ શું છે?

લાંબી દાઢી, હાથમાં ટેટુ, ગળામાં વિવિધ આભુષણો અને સોશિયલ મીડિયામાં અઢળક ફોલોઅર ધરાવતા સૂરજ ભુવાની છબી કોઈથી અજાણ નથી. આ ભૂવો કોઈની ઝપટમાં આવશે એવું તો ખૂદ ભૂવાએ પણ સ્વપ્ને નહીં વિચાર્યું હોય, પરંતુ અચાનક બે અઠવાડિયા પહેલા ભૂવાની છબી સૌની સામે ઉજાગર થઈ ગઈ. એક યુવતીએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનની સામે વિષપાન કર્યું અને આક્ષેપ લગાવ્યા કે સૂરજ ભૂવાએ તેના પર દસ મહિના સુધી દુષ્કર્મ આચર્યું અને તેને રોડ પર એકલી છોડી દીધી. આ યુવતીએ આપઘાતનો પ્રયાસ કરતા પહેલા સોશિયલ મીડિયા પર હસ્તલિખિત એક નોટ પણ પોસ્ટ કરી હતી. જેમાં તેણે ભૂવાની વિરૂદ્ધ સળગતા આક્ષેપો કર્યા હતા. હસ્તલિખિત પોસ્ટમાં તેણીએ ભૂવો અને તેના મિત્રો શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનું વિગતવાર લખ્યું હતું. બાદમાં પોલીસે સૂરજ ભુવા વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો તેમજ તેના બે મિત્રો સામે પણ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments