Team Chabuk Gujarat Desk: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં સગીરાની હત્યા કરનારો આરોપી ઝડપાઈ ગયો છે. એક તરફી પ્રેમમાં સગીરાની હત્યા થઈ ગઈ હતી. પાગલ પ્રેમીએ યુવતીના ઘરે જઈને તેને 28 કરતાં વધુ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી એટલું જ નહીં આરોપીએ સગીરાના ભાઈ પર પણ છરી વડે હુમલો કર્યો હતો. સગીરાના ભાઈને પણ આરોપીએ પાંચ જેટલા છરીના ઉપરા-છાપરી ઘા ઝીંકી દીધા હતા. જીવ બચાવીને તેનો ભાઈ પાડોશીને ત્યાં જતો રહ્યો હતો જેથી તેનો જીવ બચી ગયો હતો પરંતુ તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે અને આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.
શું છે મામલો ?
પોલીસની પકડમાં આવી ગયેલા આરોપીનું નામ જયેશ સરવૈયા છે. જે જેતપુરના જેતલસરમાં રહેતા એક પરિવારની દીકરીના એક તરફી પ્રેમમાં પાગલ હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી જયેશ સરવૈયા સગીરાના દૂરના મામા થતો હતો. સગીરાના માતા જયેશ સરવૈયાને ભાઈ માનતા હતા. જેથી અવાર-નવાર તે સગીરાના ઘરે પણ જતો જ્યાં તે યુવતીના સંપર્કમાં આવ્યો હતો. પરંતુ તેના ઈરાદા સારા ન હતા તે યુવતી જાણી ગઈ હતી.
આરોપી જયેશ સરવૈયા સગીરાની પાછળ-પાછળ તેની સ્કૂલે પણ જતો અને રસ્તામા ઉભી રાખીને પ્રેમનો એકરાર કરતો. જો કે, સગીરાએ તેને આ બધામાં પડવાની ના કહી દીધી હતી. આરોપ છે કે, આવું એક વાર નહીં અનેક વાર બન્યું હતું. આ અંગે સગીરાએ તેના માતા-પિતાને પણ જાણ કરી હતી જેથી માતા-પિતાએ જયેશના ઘરે જાણ કરી હતી.
જયેશના ઘરે તેની ગંદી હરકતોની જાણ થતાં તેના પિતા ખૂબ ગુસ્સે થયા હતા. પિતાએ જયેશને સમજાવ્યો હતો કે તે તારી ભાણી થાય છે. તું સંબંધોનો લાંછન ન લગાવ. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે જયેશને તેના પિતાએ ઘરમાંથી ધક્કા મારીને કાઢી મુક્યો હતો પરંતુ જયેશ સુધર્યો નહી. ઘરેથી ઈજ્જત ગુમાવ્યા બાદ તે જેતલસરમાં તેના મામાના ઘરે રહેવા ચાલ્યો ગયો હતે અને કડિયાકામ કરતો હતો.
આ દરમિયાન તેને જાણ થઈ કે સગીરાના માતા-પિતા ખેતરે કામ કરવા ગયા છે. એટલે તે ઘરે એકલી હશે. ઘટનાના દિવસે તે સવારથી જ ગામની બહાર નીકળી ગયો હતો. સવરથી જ તે જેતલસર નજીક આવેલા વીરપુરમા આવી ગયો હતો. જ્યાંથી તેણે એક છરી ખરીદી હતી. ગામમાં જયેશ ન દેખાતા તેના પિતાએ તેને વારંવાર ફોન પણ કર્યો હતો જો કે, જયેશના મનમાં મેલી મુરાદો ચાલી રહી હોવાથી તેણે પિતાના ફોનનો પણ જવાબ આપ્યો ન હતો. બપોર સુધી જયેશ વીરપુરમાં જ રહ્યો હતો ત્યારબાદ ફરીથી જેતલસર ગામમાં ગયો હતો.
બપોરે ચારેક વાગ્યાના અસરમાં તે સગીરાના ઘરે પહોંચ્યો હતો. જો કે, ઘરમાં યુવતી એકલી નહીં પરંતુ સગીરાનો ભાઈ પણ હતો. સગીરાનો ભાઈ કંઈ સમજે તે પહેલા ગાંડાતૂર બનેલા જયેશે તેના પર છરી વડે હુમલો કરી દીધો હતો અને છરીના પાંચ જેટલા આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ડરી ગયેલા સગીરાના ભાઈએ બૂમાબૂમ કરી મુકી હતી અને દોડીને ત્યાંથી જીવ બચાવવા દોટ મુકી હતી.
આ સમગ્ર ઘટનાને જોઈએ સગીર દીકરીએ વિરોધ કર્યો અને તેણે પણ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન જયેશે તેને પકડી લીધી અને પીઠમાં છરી ભોંકી દીધી. સગીરા દર્દથી ચીસ પાડી પરંતુ જયેશના કાને આ વેદના સંભળાઈ નહી અને છરીના ઉપરા-છાપરી ઘા મારવા લાગ્યો. યુવતીનું પ્રાણપંખેરુ ઉડી ગયા બાદ પણ આ હેવાન જયેશે તેને છરીના ઘા ઝીંકવાના ચાલુ રાખ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે જયેશે સગીરાને પેટ, છાતી અને પીઠના ભાગે કુલ 28 જેટલા ઘા ઝીકી દીધા હતા એટલે વધુ પડતું લોહી વહી જવાના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
જયેશ રીઢો ગુનેગાર છે
બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી જયેશ સરવૈયાને ઝડપી લીધો હતો અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ તપાસમાં આરોપીનો ગુનાહિત ઈતિહાસ પણ સામે આવ્યો છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ પોતાના ગામમાં જ એક વાણંદ પર પણ છરી વડે હુમલો કરી દીધો હતો. આ કેસમાં પણ તેના વિરૂદ્ધ કાર્યવાહી ચાલી રહી છે પરંતુ તે જેલમાંથી છૂટી ગયો હતો. જો કે, હવે મર્ડર કેસમાં જયેશ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે અને તેનું જેલમાંથી નીકળવું અશક્ય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત