Homeગુર્જર નગરીજનતા અને કોરોના વચ્ચે ટોમ એન્ડ જેરીનો ખેલ, દીવમાં પણ પહોંચ્યો કોરોના

જનતા અને કોરોના વચ્ચે ટોમ એન્ડ જેરીનો ખેલ, દીવમાં પણ પહોંચ્યો કોરોના

Team Chabuk Gujarat Desk: ગુજરાતમાં ફરી કોરોના વાયરસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં એક દિવસમાં કુલ 1 હજાર 565 નવા કેસ નોંધાયા છે અને રાજ્યમાં છ દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો છે. સુરતમાં 2 જ્યારે રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં 1-1 દર્દીએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. બીજી તરફ એક દિવસમાં કુલ 959 દર્દીઓ સાજા થયા છે.

અમદાવાદ, સુરતમાં સ્થિતિ ખરાબ

છેલ્લા ત્રણ દિવસથી કોરોનાએ ગુજરાતમાં બમણી ગતિ પકડી લીધી છે. સૌથી વધુ ખરાબ હાલત સુરત અને અમદાવાદની છે. અમદાવાદમાં નવા 401 કેસ નોંધાયા છે. જેની સામે 270 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સુરતમાં એક દિવસમાં 381 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેની સામે 286 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. આ ઉપરાંત વડોદરામાં 132,  રાજકોટમાં 121 અને સુરત ગ્રામ્યમાં 103 કેસ નોંધાયા છે.

ભાવનગર, મહેસાણા, ખેડા અને પંચમહાલમાં પણ કોરોનાએ ગતિ પકડી છે. ભાવનગરમાં 25, મહેસાણામાં 29, ખેડામાં 27 અને પંચમહાલમાં 24 નવા કેસ નોંધાતા આ તમામ જિલ્લાનું તંત્ર દોડતું થઈ ગયું છે.

દીવમાં કોરોનાની રી-એન્ટ્રી

સંઘ પ્રદેશ દીવમાં પણ કોરોના વાયરસની રી-એન્ટ્રી થઈ ગઈ છે. વણાકબારામાં એક જ બિલ્ડિંગમાં ત્રણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા દીવ તંત્ર દોડતું થઈ ગયું છે. હાલ ત્રણે સંક્રમિત વ્યક્તિને દીવની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઈન થવા સૂચના આપી દેવામાં આવી છે. દીવમાં કોરોના વાયરસની એન્ટ્રી થતાં ફરી નિયમો કડક બનાવાશે. હાલ તંત્રએ શનિ-રવિ બીચ પર જવા પ્રતિબંધ લગાવ્યો છે.

ડાંગ સિવાય તમામ જિલ્લામાં કેસ નોંધાયા

રાજ્યમા માત્ર ડાંગ જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લામાં કોરોનાએ હાજરી પુરાવી છે. રાજ્યમાં કેસ વધતાં એક્ટીવ કેસનો આંકડો પણ વધ્યો છે. વધુ 1565 કેસ નોંધાતા રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 6 હજાર 737ને પાર પહોંચી ગયો છે. જેમાંથી 69 દર્દીઓની હાલત ગંભીર છે.

રસિકરણ અભિયાન

કોરોનાના કેસ વધતાં રાજ્યમાં રસીકરણ અભિયાન પણ તેજ બનાવાયું છે. રાજ્યમાં એક જ દિવસમાં કુલ 2 લાખ 2 હજાર 529 વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકોને રસી આપવા છતાં કોઈ પણ આડઅસરનો કેસ નોંધાયો નથી. કેટલાક લોકોએ માત્ર સામાન્ય ચક્કર અને તાવની ફરિયાદ કરી હતી.

ટેસ્ટિંગની સંખ્યા વધારાઈ

મહાનગરોમાં કોરોનાના કેસ વધતાં તંત્ર ફરી સક્રિય થયું છે અને ટેસ્ટિંગ પણ વધારી દેવાયું છે. આ ઉપરાંત મહાનગરોમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ વધારો થઈ રહ્યો છે. મહાનગરોમાં વિવિધ સ્થળે ડોમ લગાવી ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ  ધરવામાં આવી છે. આ ઉપરાંત કોરોના દર્દીના સંપર્કમાં આવેલા તેમજ બહારથી આવતા લોકોને 7 દિવસ ક્વોરેન્ટાઈન રહેવા સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત સુપરસ્પ્રેડર્સના ટેસ્ટિંગ શરૂ કરાયા છે.

ટોમ એન્ડ જેરીની લડાઈ

કોરોનાથી બચવા માટે જનતા ફરી જેરીની જેમ ઘરમાં પુરાઈ રહી છે જ્યારે કોરોના ટોમની જેમ જનતાની પાછળ પડી ગયો છે. જનતા કોરોનાથી બચવા માટે આગળ આગળ ભાગી રહી છે. તો ફરી માસ્ક અને સોશિયલ ડિસ્ટંસિંગના નિયમો તંત્ર જનતાને યાદ કરાવી રહ્યું છે. જો કે, જનતા પણ ટોમની એટલે કે કોરોનાની ફિરકી લઈ રહી છે અને નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. જો કે, જનતાએ ટોમના એટલે કે કોરોનાના હાથમાં નથી આવવાનું તેનાથી બચીને રહેવાનું છે એટલે નિયમોનું પાલન કરવું જ પડશે. નહીં તો ટોમ જેરીનો શિકાર કરી લેશે.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments