Team Chabuk-Sports Desk: ટી ટ્વેન્ટી વિશ્વકપના 17માં મુકાબલામાં અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડની વચ્ચે ટક્કર થઈ હતી. સ્પષ્ટ છે કે બંને ટીમોને ક્રિકેટના આકંઠ રસીયાઓ અને તેમના દેશ સિવાય કોઈ ભાવ આપવાના ન હોય, પણ નબળી ટીમ સામે અફઘાનિસ્તાનની ટીમના ખેલાડીઓ સૂરા પૂરવાર થયા હતા. સ્કોટલેન્ડના બોલર્સ પર અફઘાનિસ્તાનના બેટ્સમેનો કાળ બની તૂટી પડ્યા હતા.
અફઘાનિસ્તાને સ્કોટલેન્ડની ટીમને 130 રનથી સજ્જડ અને નામોશીભર્યો પરાજય આપ્યો હતો. અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ બેટીંગ કરતા ઈનિંગમાં ગગનચૂંબી અગિયાર સિક્સર ફટકારી હતી. જેમાંથી ત્રણ સિક્સર 100 મીટરથી લાંબી હતી. જ્યારે હઝરતુલ્લાહ જજઈની એક સિક્સ સ્ટેડિયમની બહાર ચાલી ગઈ હતી.
15મી ઓવરની ત્રીજી બોલમાં નજીબુલ્લાહે 100 મીટરની સિક્સ ફટકારી દર્શકોને મોજ કરાવી દીધી હતી. 19મી ઓવરની પાંચમી બોલ પર ફરી નજીબુલ્લાહે 103 મીટરની સિક્સ ફટકારી હતી. તો ચોથી ઓવરની પહેલી બોલમાં હઝરતુલ્લાહ જજઈએ બોલને સ્ટેડિયની બહાર પહોંચાડી દીધો હતો. અફઘાનિસ્તાનની વિસ્ફોટક ઈનિંગમાં કુલ 11 સિક્સ લાગી હતી. ટી ટ્વેન્ટી વિશ્વકપ-2021માં કોઈ એક ટીમ દ્વારા ફટકારવામાં આવેલી આ સર્વાધિક સિક્સ છે.
મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે સ્કોટલેન્ડની નવી સવી ટીમની ગીલ્લીઓ ઉડાવી દીધી હતી. અફઘાનિસ્તાને ચાર વિકેટના નુકસાન પર કુલ 190 રન બનાવ્યા હતા. નજીબુલ્લાહ જાદરાએ 34 બોલમાં 59 રન બનાવ્યા હતા. સ્કોટલેન્ડની સામે મેચ જીતવા માટે અફઘાનિસ્તાને 190 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જોકે પૂરી ટીમ 10.2 ઓવરમાં 60 રન બનાવી પવેલિયન પરત ફરી હતી.
સ્કોટલેન્ડની ટીમના ચાર ખેલાડીઓ શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. અફઘાનિસ્તાનની આ કંઈ પહેલી મેચ નથી. આ પહેલા છ મુકાબલા થયા હતા અને આ સાતમાં મુકાબલા સાથે અફઘાનિસ્તાને સ્કોટલેન્ડ સામે તમામ સાતે મુકાબલાઓમાં વિજય પ્રાપ્ત કર્યો છે. ટીમની જીતમાં મુજીબ ઉર રહમાને યાદગાર પ્રદર્શન કરતા પાંચ વિકેટ ઝડપી હતી અને મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ પ્રાપ્ત કર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત