Team Chabuk-Gujarat Desk: જ્યારે મોબાઈલ નહોતા ત્યારે ટીવીને ઈડિયટ બોક્સ અને બાળકોનું ભવિષ્ય ખરાબ કરનારું મશીન ગણવામાં આવતું હતું. તેની તુલનાએ આજે મોબાઈલ તો સૌથી મોટો દૈત્ય છે. ટીવી પર તો રવિવારે બાળકો ખાસ શૉ જોતા હતા અથવા તો રોજ પોતાનો સ્પેશિયલ પ્રોગ્રામ કે ક્રિકેટ મેચ હોય ત્યારે, પણ હવે મોબાઈલમાં આવેલી રમતો તો બાળકોનું ભવિષ્ય માત્ર ખરાબ નથી કરતી પણ માતા પિતાની ચિંતામાં પણ વધારો કરી દે છે.

મોબાઈલમાં ગેમ રમવાની આદત તો પરિવારજનો માટે આફત બની ગઈ છે. કોરોનામાં ઓનલાઈન શિક્ષણના કારણે જે બાળકો કે વિદ્યાર્થીઓને મોબાઈલનું વળગણ સહેજેય નહોતું તે પણ ડોકી વાંકી કરી ચોંટી પડ્યા. જે માતા પિતાના બાળકોને ગેમ રમવાનો ભરપૂર શોખ હોય તેમના માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદમાં એક સગીરાને મોબાઈલ ગેમની એવી તો અહર્નિશ લત લાગી ગઈ હતી કે, ઘરેથી પલાયન થવાની ધમકીઓ આપતી હતી.

માતા પિતાએ સગીરાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેનો સ્માર્ટફોન લઈ લીધો હતો, પરંતુ લત એવી હતી કે મિત્રોનો મોબાઈલ લઈ તે ગેમનો આનંદ માણવા લાગી હતી. માતા પિતાની ઈચ્છા હતી કે તે અભ્યાસમાં ધ્યાન પરોવે, કારણ કે તેનો અભ્યાસ પણ બંધ થઈ ગયો હતો. આખરે કાઉન્સેલિંગ દ્વારા આ સગીરાને સમજાવવામાં આવી હતી અને વાલીને શાળામાં સગીરાનું એડમિશન કરવા જણાવ્યું હતું.

મેગા સિટી અમદાવાદના એક ચોક્કસ વિસ્તારમાંથી 181 અભયમની ટીમને ફોન આવે છે. જેમાં સગીર દીકરી પબજી ગેમના રવાડે ચડી ગઈ છે, ઘરેથી ભાગી જવાની ધમકી આપે છે અને ગૃહકંકાસ પણ રહેતો હોવાની ફરિયાદ હતી. ફરિયાદના આધારે અભયમની ટીમ આ વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં તેમને જાણવા મળ્યું હતું કે, તેમની 16 વર્ષની પુત્રી કોઈને પણ જાણ કર્યા વિના ઘરેથી ચાલી જાય છે. તેની પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવે તો ઘરેથી ભાગી જવાની ધમકી ઉચ્ચારે છે. તેનો મોબાઈલ લઈ લેવામાં આવે તો મિત્ર પાસેથી મોબાઈલ લઈ પબજી રમ્યા રાખે છે.

અભયમની ટીમે પરિવારજનોની વાત સાંભળ્યા બાદ તેમની પુત્રીને સમજાવી હતી અને ગેમ ન રમવાની અને અભ્યાસમાં ધ્યાન આપવાની સલાહ આપી હતી. સાથે જ માતા પિતાને પણ તેનું શાળામાં એડમિશન કરવાનું કહેવામાં આવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત