Homeગુર્જર નગરીઅમદાવાદના રસ્તાઓની પ્રથમ વરસાદે જ પોલી ખુલી ગઈ, હજુ ત્રણ દિવસ મેઘરાજા...

અમદાવાદના રસ્તાઓની પ્રથમ વરસાદે જ પોલી ખુલી ગઈ, હજુ ત્રણ દિવસ મેઘરાજા રમઝટ બોલાવશે

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં ગઈકાલે મેઘરાજા હવામાન વિભાગે આપેલી તારીખના રોજ સમયસર પહોંચી ગયા હતા. સમગ્ર શહેરને રાતના સાડા આઠ વાગ્યાની આસપાસથી મેઘરાજાએ બાનમાં લીધું હતું અને મન મૂકીને વરસ્યા હતા. શરૂઆતમાં ભારે પવન સાથે ઝાપટા આવતા હતા જેથી વરસાદ છે કે વાવાઝોડું તે કલ્પવું સ્થાનિકો માટે અઘરું થઈ પડ્યું હતું. બાદમાં પવનનું જોર ઓછું થતાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ પડવાના કારણે અમદાવાદની અસહ્ય ગરમીમાંથી જનતાને છૂટકારો મળ્યો હતો. રાતના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વિધિવત રીતે ચાર મહિનાના આકરા ઉનાળાનો આ અંત ગણવો રહ્યો.

જોકે અમદાવાદ માટે દર ચોમાસે જે સમસ્યા હોય છે એ સમસ્યા એક જ વરસાદમાં સપાટી પર આવી ગઈ હતી. એક કલાક સુધી ખાબકેલા વરસાદમાં ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. બ્રીજ ડૂકી ગયા હતા. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. કેટલાક વર્ષોથી મેઘરાજા અને સિસ્ટમની કનડગતનો ભોગ બનતા વિસ્તારો મીની તળાવમાં ફેરવાઈ ગયા હતા.

હાટકેશ્વર સર્કલ વરસાદી પાણીના કારણે બેટમાં તબ્દિલ થઈ ગયું હતું. અહીં બોટ ચલાવો તોપણ ચાલે! અમદાવાદમાં એક જ કલાકમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. સૌથી વધારે સરખેજ વિસ્તારમાં પડ્યો હતો જ્યારે સૌથી ઓછો વરસાદ નિકોલમાં પડ્યો હતો.

શહેરના મહત્વના કહી શકાય તેવા વિસ્તારો પર નજર કરવામાં આવે તો સરખેજ, શીલજ, મેમ્કો, દુધેશ્વર, નરોડા રોડ, સેટેલાઇટ, બોપલ, જોધપુર, વસ્ત્રાપુર, પાલડી, વાસણા, જમાલપુર… આ તમામ વિસ્તારમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

કડાકા ભડાકા સાથે જામેલા વરસાદે ટૂંક સમયમાં જ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી દીધું હતું.  જોકે સાબરમતીના નિચાણવાળા વિસ્તારમાં પાણી ન ભરાય એ માટે તંત્ર સાબદુ થઈ ગયું હતું. વાસણા બેરેજનો ગેટ નંબર 28 એક ફૂટ ખોલી દેવામાં આવ્યો હતો.

બે ભૂવાએ પહેલા વરસાદમાં ખેલ નાખી દીધો

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા. જીવરાજ પાર્ક વિસ્તારના સ્થાનિકોએ કહ્યું કે, જીવરાજ પાર્ક વિસ્તારમાં ડી-માર્ટ સામે બે ભૂવા પડ્યા છે. જેના પર કેટલાય દિવસોથી કોર્પોરેશનની ટીમ પીપણા મૂકી ગઈ છે. હવે અહીં પાણી ભરાતા સમસ્યા વધી છે. કાર અને બાઈક આવા પાણીમાંથી કઈ રીતે કાઢવી તે સમજાતું નથી. સાથે જ લોકોએ આક્રોશ પણ ઠાલવ્યો હતો કે, જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ?

વેરાવળમાં પણ વરસાદ

દરિયાકાંઠાના ગીર સોમનાથના વેરાવળમાં પણ વરસાદ વરસ્યો. હળવા વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. કેટલાક લોકોએ પહેલા વરસાદનો આનંદ માણ્યો હતો. વરસાદ પ઼ડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.  

સાબરકાંઠામાં પણ વરસાદ

દિવસભરના ભારે ઉકળાટ બાદ સાબરકાંઠામાં પણ વરસાદ શરૂ થયો હતો. હિંમતનગર, પ્રાંતિજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેથી લોકોએ પણ મેઘરાજાને મનભરીને માણ્યા હતા.

અરવલ્લીમાં વરસાદ

અરવલ્લીના મોડાસામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે મોડી રાત્રે મેઘરાજાએ પધરામણી કરી હતી. ભારે ઉકળાટ બાદ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

હજુ આગાહી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. 17 જૂનથી 20 જૂન સુધીમા અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદની સંભાવના છે. જો કે, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના નહિવત છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 4 જિલ્લાના 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments