Homeગુર્જર નગરીસૌરાષ્ટ્ર બાદ મેઘરાજાએ અમદાવાદનો વારો કાઢી નાખ્યો

સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાએ અમદાવાદનો વારો કાઢી નાખ્યો

Team Chabuk-Gujarat Desk: સવારના ચાર વાગ્યાથી વરસાદ અમદાવાદનો વારો કાઢી રહ્યો છે. તેનો અંદેશો તો ગઈકાલ સાંજથી જ આવી ગયો હતો. અગિયાર વાગ્યાની આસપાસ વરસાદી ઝાપટાની ઝલક દેખાઈ હતી પણ સવાર થતાં તો કડાકા ભડાકા સાથે વરસાદે અમદાવાદને રગદોળી નાખ્યું છે. વીજળીના ભયાનક અવાજ સાથે પડેલા વરસાદે ઘણાની ઉંઘ ઉડાવી દીધી હતી. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદે રોડ રસ્તાને જળમગ્ન કરી નાખ્યા છે. કેટલાય વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.

શહેરના થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર, એસજી હાઈવે, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, બોડકદેવ, વસ્ત્રાલ સહિતના અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમમાં વરસાદ વરસી રહ્યો છે. બેથી ત્રણ કલાકથી અવિરત પડી રહેલા વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. સવારમાં લોકોને તેમની પ્રાથમિક જરૂરિયાતો પહોંચાડનારા દૂધ અને અખબાર વિક્રેતાઓ ઠેકઠેકાણે પાણી ભરાતા સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો શહેરના પૂર્વ અને પશ્ચિમ આમ બંને વિસ્તારોને મેઘરાજાએ પોતાની અનહદ કૃપાથી ભીંજવી દીધા છે. ચોમાસાની વર્તમાન સિઝન દરમિયાન અમદાવાદમાં 15 ઈંચ સાથે મોસમનો સરેરાશ 55% વરસાદ નોંધાઇ ચૂક્યો છે અને હજુ વરસાદની 43% ઘટ છે. જોકે, રાહતની વાત એ છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી પાંચ દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

જણાવી દઈએ કે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અનુસાર સૌરાષ્ટ્ર બાદ હવે અમદાવાદની માથે મેઘ સવારી સ્થિતપ્રજ્ઞ બનીને રહે તેવી ઝાંખી તો આજથી જ શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments