Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના વઢવાણના ખારવા રોડ પર ખાટકી વાડમાં રહેતા યુવાન સાથે ખૂની ખેલ ખેલાયો હતો. આ યુવાન સોમવારના ચાર વાગ્યે ધોળીપોળ બસસ્ટેશન સામે ઊભો હતો ત્યારે એક અન્ય યુવાન તેની પાસે આવ્યો હતો. થોડી વારમાં વાતાવરણ તંગ થઈ ગયું હતું. અને ઘડીભરમાં જ આવેલા યુવાને બસસ્ટેન્ડ સામે ઊભેલા યુવાનને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. યુવાનનું ઢીમ ઢાળ્યા પછી આરોપી તબેલામાંથી ઘોડા છૂટે એમ ભાગી છૂટ્યો હતો. હત્યા થતાં જોનારા લોકોમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાનનું નામ શાહરૂખ છે. તે રીક્ષા ચલાવવાનો વ્યવસાય કરે છે. તેની હત્યા કરનારો રતનપર બાયપાસ પર રહેનારો સૂરજ છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને વિગતો મળી હતી કે મૃતક અને આરોપી વચ્ચે પ્રેમસંબંધને લઈ ચકમક ઝરી હતી. પ્રેમના મનદુ:ખના કારણે જ સૂરજે શાહરૂખનું ઢીમ ઢાળી નાખ્યું હતું. એ પછી રફુચક્કર થઈ ગયેલા આરોપીને પીંજરે પૂરવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી.
પોલીસ તપાસમાં એવી વિગતો પણ સામે આવી છે કે મૃતક શાહરૂખ અને આરોપી સૂરજની વચ્ચે મોબાઈલ ફોન પર પણ તકરાર ઝરી હતી. વાત વણસી જતા શાહરૂખે તેને, ‘હું ધોળીપોળ છું’ ત્યાં આવવાનું કહ્યું હતું. શાહરૂખને ખબર નહોતી કે વાત અહીં સુધી પહોંચી જશે. આરોપી સૂરજે બસસ્ટેન્ડ સામે જ તેનું કાસળ કાઢી નાખ્યું હતું.
ઘટનાને નજરો નજર જોનારા કેટલાય સાક્ષીઓ હતા, છતાં કોઈ હરફ સુદ્ધા ઉચ્ચારવા તૈયાર નહોતું. અંતે એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, મૃતક ઈંડાની લારી પાસે ઊભો હતો, જ્યાં આરોપીએ આવી જીભાજોડી કરી હતી. સૂરજે શાહરૂખને ધક્કો માર્યો હતો. એ પડી જતાં સૂરજે તેના પર ઉપરા છાપરી છરીના ઘા ઝીંકી દીધા હતા. અને બાદમાં બારી રોડ તરફ ભાગી ગયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત