Homeગુર્જર નગરીઅમદાવાદ: ‘તને હું મારી સાથે રાખીશ’ કહી યુવકે સગીરાના શરીરના અલગ અલગ...

અમદાવાદ: ‘તને હું મારી સાથે રાખીશ’ કહી યુવકે સગીરાના શરીરના અલગ અલગ ભાગમાં સ્પર્શ કરી કારમાંથી ઉતારી મૂકી

Team Chabuk-Gujarat Desk: મીઠી મીઠી વાતોમાં ઉતારી સગીરાને કારમાં લઈ જઈ અડપલા કરી છોડી મૂકનારા યુવકનો કિસ્સો અમદાવાદમાં ચગ્યો છે. આ કિસ્સો માતા પિતાના વિરોધ છતાં પ્રેમમાં ગાંડી બનેલી છોકરીઓ માટે લાલબત્તી સમાન છે. માતાએ અગણિત વખત પોતાની પુત્રીને સમજાવી છતાં પુત્રી માની નહોતી જે પછી નબીરાએ સગીરાને અડપલાં કર્યા હતા. માતાની આનાકાની છતાં સગીરાએ યુવક સાથે વાતચીત કરતાં આ ઘટના બની હતી. હાલ આ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે અને અડપલા કરનારા શખ્સને પોલીસે પકડી લીધો છે.

સમગ્ર ઘટનાની વિગતો કાંઈક એવી છે કે ઘાટલોડિયામાં રહેતી એક મહિલા પીજીમાં ટીફિન સર્વિસ આપવાનું કામ કરે છે. તેને સંતાનમાં ત્રણ દીકરા અને દીકરીઓ છે. તેમની સૌથી નાની દીકરી એક સમયે ફોન પર કોઈ અજાણ્યા યુવક સાથે વાત કરતા તેની માતાએ પકડી પાડી હતી. માતાએ પૂછતાછ કરતાં સગીરાની આકાશ નામના આ યુવાન સાથે વેજલપુર ખાતે મુલાકાત થઈ હતી અને તેણે તેને મોબાઈલ નંબર અને ઈન્સ્ટાગ્રામ આઈડી આપ્યાનું કબૂલ્યું હતું. જેમાં તેઓ અવારનવાર વાત કરતાં હતાં.

સૌથી મોટી વાત તો એ છે કે સગીરાએ તેના માતાના જ ફોનમાં માતાના જ નામનું ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું અને તેની સાથે વાતો કરતી હતી. જેથી કોઈને શંકા ન જાય. સામેથી અડપલાંવીર ઢગો આકાશ પણ સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે ગળચટ્ટી વાતો કરતો હતો.

પોતાની પુત્રીને આ અજાણ્યા શખ્સથી બચાવવા માટે તેની માતા તેનો મોબાઈલ હવે પોતાની સાથે લોક મારીને રાખતી હતી. જોકે સગીરાએ બીજો રસ્તો શોધી કાઢ્યો હતો. તેણે તેના પિતાના મોબાઈલ ફોનથી યુવક સાથે વાતચીત શરૂ કરી દીધી હતી. તેની માતાને આ વાતની જાણ થતાં બાદમાં તેણે આકાશ અને તેની પુત્રીને સમજાવ્યાં હતાં અને સમાજમાં તેમની ઈજ્જતની ફજેતી ન થાય આ માટે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

જોકે કૂતરાની પૂંછડી વાંકીની વાંકી તેમ માતાએ અઢળક વખત સમજાવવા છતાં તેની પુત્રી માની નહોતી અને તેની પાસેથી 27 મેના રોજ સાદો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. માતાએ તેને પૂછતા એ ફોન આકાશે આપ્યાનું સગીરાએ કબૂલ્યું હતું. ફોનમાં મહિલાના ભાભીનું સીમકાર્ડ હતું. દીકરી સાથે રોજ રોજ માથાકૂટ કરી થાકી ગયેલી માતાએ તેને વધુ એક વખત સમજાવી હતી અને આકાશથી દૂર રહેવાનું કહ્યું હતું, પણ એ રાતે જ તેમની પુત્રી ભાગી ગઈ હતી.

સવારે પરિવારના લોકોએ શોધખોળ કરતાં પુત્રી મળતી નહોતી પણ થોડી વારમાં પુત્રી અચાનક પ્રગટ થઈ જતા માતા-પિતાએ તેને ગઈકાલ રાતે ક્યાં હતી આ અંગે પૂછ્યું હતું. જેના જવાબમાં તેણે કહ્યું કે, ગઈકાલના ઠપકાનું માઠું લાગી આવતા તે ચાલી ગઈ હતી. રાતના તેણે કોઈ વ્યક્તિના મોબાઈલમાંથી આકાશને નંબર જોડ્યો હતો. આકાશે તેને કહ્યું હતું કે, ‘તું શાસ્ત્રીનગર આવી જા. તને હું મારી સાથે રાખીશ.’ રાતના સફેદ કલરની કારમાં આકાશ પહોંચી ગયો હતો. સગીરાને તેણે કારમાં બેસાડી હતી અને બાદમાં શરીરના અલગ અલગ ભાગમાં સ્પર્શ કર્યો હતો.

જોકે સગીરાએ તેને આવું કરવાની ના પાડતા તે તેને ટેલિફોન એક્સચેન્જ ખાતે છોડીને ચાલ્યો ગયો હતો. એ પછી પરિવારના રોષનો સામનો કરવો પડે એ બીકે સગીરા ઘરે પરત નહોતી આવી અને પોતાની બહેનપણીને ત્યાં રાતવાસો કર્યો હતો. બાદમાં સગીરાની માતાએ આકાશની વિરૂદ્ધ અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments