Homeગુર્જર નગરીઅમદાવાદ: કાકા વીંટી આપો ફૂંક મારી પાછી આપી દઉં કહી ઢોંગીબાવાએ વૃદ્ધને...

અમદાવાદ: કાકા વીંટી આપો ફૂંક મારી પાછી આપી દઉં કહી ઢોંગીબાવાએ વૃદ્ધને ચાલીસ હજારની બાટલીમાં ઉતારી દીધા

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં ઢોંગીબાવાની ટોળકી સક્રિય થઈ છે. પહેલા રાણીપ વિસ્તારમાં પોતાની કળા પાથરી ગઈ અને હવે વાસણા વિસ્તારમાં એક વૃદ્ધને ટાર્ગેટ બનાવી લૂંટી લીધા હતા. વૃદ્ધ જ્યારે મંદિરેથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઢોંગીબાવાની આ ટોળકીએ તેમને આંતર્યા હતા અને મહાદેવનું મંદિર ક્યાં છે આમ કહી ઔપચારિક વાર્તાલાપનો દોર શરૂ કર્યો હતો. વૃદ્ધ સાથે વાતો કરી, બાટલીમાં ઉતારી દઈ, વીંટીને ફૂંક મારી ચાલીસ હજારની મતા સાથે ફરાર થઈ ગયા હતા. ચોંકાવનારી વાત એ છે કે કોરોના જેવી મહામારી હોવા છતાં ચારેમાંથી એકે પણ માસ્ક નહોતું પહેર્યું. હાલ લૂંટની આ સમગ્ર ઘટના વાસણા પોલીસ મથકે નોંધાઈ છે.

આ ઘટનાની સમગ્ર વિગતો કાંઈક એવી છે કે, અમદાવાદના વાસણા ખાતે રહેતા અને નિવૃત્ત જીવન વ્યતિત કરતા શંકરભાઈ નાગર પોતાના પરિવાર સાથે રહે છે. શંકરભાઈ પોતાના હાથમાં એક ગુરૂના નંગવાળી વીટી પહેરતા હતા. 21મી મેના રોજ સવારમાં પોતાના ઘરેથી નીકળી નારાયણ નગર રોડ ખાતે આવેલ લક્ષ્મીનારાયણના મંદિરે તેઓ દર્શન કર્યા બાદ ઘર તરફ પરત ફરી રહ્યાં હતાં. આ સમયે તેમને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે તેમની સાથે ફિલ્મ સ્ટાઈલમાં કપટ થવાનું છે. તેઓ ચાલીને જતાં હતાં ત્યારે એક યુવાને તેમની નજીક ગાડી ઊભી રાખી હતી.

શંકરભાઈની સાથે છળકપટ કરતા પહેલા આ ટૂકળીએ તેમને કાકા મહાદેવનું મંદિર ક્યાં છે? આવો ઔપચારિક વાર્તાલાપ શરૂ કર્યો હતો. જેમાં શંકરભાઈને, ગાડીની પાછળની સીટમાં બિરાજમાન ઢોંગીબાવાને ચલમ પીવી છે, અમારે મહાદેવના મંદિરે જવું છે, અમને સરનામું આપો અને સીટની પાછળ રહેલા ઢોંગીબાવાના દર્શન કરો તમારું કલ્યાણ થઈ જશે.. આવી વાતોના વડા કરવા લાગ્યા હતા.

વૃદ્ધ પણ ભગવાનનું નામ લઈ શૈતાનના કામ કરતા આ લોકોની વાતમાં આવી ગયા હતા. એ પછી પાછળ બેસેલા વ્યક્તિએ નવો પાસો ફેંક્યો હતો. તેણે વૃદ્ધને કાચની નજીક આવવાનું કહ્યું હતું. શંકરભાઈ પણ તેમની વાતમાં સોયમાં દોરાની જેમ પરોવાઈ ગયા હોય નજીક ગયા હતા. એ પછી પાછળ બેસેલા વ્યક્તિએ તેમના હાથમાં રૂદ્રાક્ષ આપ્યું અને કપાળ પર તિલક કરી કહ્યું કે, ‘આપની સોનાની વીંટી આપો ફૂંક મારીને પાછી આપી દઉં.’

ત્યાં સુધીમાં શંકરભાઈ તેમની એક એક વાતમાં ગળાડૂબ થઈ ગયા હતા. તેમણે કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના હાથમાંથી સોનાની વીંટી કાઢી આપી દીધી હતી. વીંટી આપતાની સાથે જ આ શખ્સો ગાડી લઈ ફરાર થઈ ગયા હતા અને શંકરભાઈ જોતાં રહી ગયા હતા. સૌથી મોટી વાત એ છે કે મહામારીના સમયે પણ આ ચારેયે માસ્ક પહેર્યું ન હોવાથી વૃદ્ધ શંકરભાઈ ચારેના મોઢા ઓળખી ગયેલા હતા.

જોકે વીંટી ચાલી ગઈ અને પોતે છેતરામણીનો ભોગ બન્યા છે એ વાતના ખ્યાલે તેમની તબિયત લથડી પડી હતી. તેમણે પોલીસને આ વિગતની જાણ કરી હતી. ઠગાઈ કરનારા આ શખ્સોની વિરૂદ્ધ વાસણા પોલીસ મથકે ગુનો નોંધાયો છે અને તેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments