Homeગુર્જર નગરીઅમદાવાદમાં 200 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સરદારધામ ભવનનું વડાપ્રધાને કર્યું લોકાર્પણ

અમદાવાદમાં 200 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સરદારધામ ભવનનું વડાપ્રધાને કર્યું લોકાર્પણ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર 200 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સરદારધામ ભવનનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમદાવાદમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સરદારધામ ભવનનું લોકાર્પણ કર્યું હતું અને સાથે જ સરદારધામ ફેઝ-2માં નિર્માણ પામનાર કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તથા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ‘કેમ છો બધા, વરસાદ-પાણી કેમ છે…’ પૂછીને કરી હી હતી. વડાપ્રધાને કહ્યું કે, આજે સમગ્ર દેશ ગણેશ ઉત્સવ ઉજવી રહ્યો છે. તમને બધાને આ ઉત્સવના અભિનંદન. આજે ઋષિપંચમી પણ છે. ભારત ઋષિ પરંપરાનો દેશ છે. તેમનાથી આપણી ઓળખ થઈ છે. આપણે તે વારસાને આગળ ધપાવીએ. આજે મારા તરફથી તમામ નાગરિકોને મિચ્છામી દુક્કડમ. સરદાર પટેલના ચરણોમાં વંદન, સરદારધામના ટ્રસ્ટીઓને અભિનંદન. તેમના પ્રયાસોથી સરદાર ધામ આકાર પામ્યું અને ફેઝ ટુ નો પાયો નંખાયો. સરદારધામ અનેક યુવાઓને સશક્ત કરશે. પાટીદાર સમાજના યુવકો સાથે ગરીબ અને મહિલાઓના સશક્તિકરણ પર તમે ભાર મૂક્યો તે સરાહનીય છે. સરદાર ધામ આવનારી પેઢીને સરદાર સાહેબના જીવનના આદર્શ પર જીવવા પ્રેરણા આપશે.

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ સરદારધામના આ કાર્યનો બિરદાવીને આગામી સમયમાં નિર્માણ પામનારા કન્યા છાત્રાલય માટે જમીનમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી હતી. 

7 લાખ 19 હજાર સ્કેવર ફીટમાં સરદારધામ આકાર પામ્યું છે. જેમાં GPSC અને UPSC કેન્દ્ર ઉપરાંત ડિફેન્સ જ્યુડિશરી, રાજનીતિ તેમજ મીડિયા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 900 વિદ્યાર્થીઓની ક્ષમતાની ઈ-લાઈબ્રેરી બનાવવામાં આવી છે. તથા 50 રૂમ વિશ્રામગૃહ માટે અનામત રાખવામાં આવ્યા છે. સરદારધામમાં 1600 દીકરીઓ માટે રહેવા-જમવાની એક રૂપિયાના ટોકન દરે વ્યવસ્થા પણ કરવામાં આવી છે, તેમજ 1 હજાર વ્યક્તિની ક્ષમતાના 2 હોલ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરત, ઉંઝા, બરોડા અને ભાવનગરની સમાજની સંસ્થાઓ સાથે MOU કરીને UPSC અને GPSC તાલીમ કેન્દ્રો સરદારધામમાં શરૂ કરવામાં આવ્યા છે. આ તાલીમ કેન્દ્રનો 50% ખર્ચ જે-તે સંસ્થા દ્વારા તેમજ 50% ખર્ચ સરદારધામ દ્વારા આપવામાં આવે છે. આ તાલીમ કેન્દ્રના પારદર્શક વહિવટ માટે સરકારમાંથી નિવૃત થયેલા સફળ અને યોગ્ય દિશા સૂચન કરી શકે તેવા IAS અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. એક સામાન્ય પરિવારનો દીકરો કે દીકરી સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રિલીમ પરીક્ષાથી લઈને છેક ઈન્ટર્વ્યૂ સુધી તાલીમ અને માર્ગદર્શન વિનામુલ્યે મેળવી શકે તે પ્રકારે અહીં સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

અમદાવાદ ખાતે નિર્માણ પામેલા સરદારધામમાં 1600 વિદ્યાર્થી માટે રહેણાક સુવિધાઓ, 1 હજાર કમ્પ્યૂટર સિસ્ટમ્સ, ઇ-લાઇબ્રેરી, હાઇટેક ક્લાસરૂમ, જિમ, ઓડિટોરિયમ, 50 લક્ઝરી રૂમ સાથે રેસ્ટ હાઉસ અને રાજકીય બેઠકો માટે અન્ય સુવિધાઓ છે. આ ભવનમાં 1,000 વિદ્યાર્થીની ક્ષમતા ધરાવતી લાઇબ્રેરી, 450 બેઠક ક્ષમતા ધરાવતું સભાગૃહ, 1,000 લોકોની ક્ષમતાવાળા બે મલ્ટી-પર્પસ હોલ, ઇન્ડોર ગેમ્સ અને અન્ય સુવિધાઓ છે. ભવનની સામે સરદાર વલ્લભભાઈ પટેલની 50 ફૂટ ઊચી કાંસાની પ્રતિમા સ્થાપિત છે. આગામી સમયમાં વડોદરા, ભાવનગર અને રાજકોટ ખાતે પણ આ પ્રકારના ભવનનું નિર્માણનું કાર્ય કરવામાં આવનાર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments