Team Chabuk- Gujarat Desk: શહેરોમાં દિવસભર રસ્તા પર ઉભા રહીને ટ્રાફિકનું નિયમન કરાવતા ટ્રાફિક પોલીસ સાથે અવારનવાર વાહનચાલકોને બોલાચાલી થતી હોય છે. દંડ ભરવા બાબતે અથવા નિયમો તોડવાને લઈ અનેકવાર ટ્રાફિક પોલીસ અને વાહનચાલક વચ્ચે ઝઘડો થયાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. ઘણીવાર વાહનચાલકો નિયમ તોડ્યો હોવા છતાં દંડ ભરવા માટે તૈયાર થતાં નથી અને ટ્રાફિક પોલીસના જવાનો સાથે મારામારી કે ઝઘડા પર ઉતરી આવતા હોય છે. જેથી હવે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા એક નવો રસ્તો શોધી કાઢવામાં આવ્યો છે.
આજથી એટલે કે 14 માર્ચ ને રવિવારથી અમદાવાદ શહેરના ટ્રાફિક પોલીસને બોડી વોર્ન કેમેરા આપવામાં આવશે. આ કેમેરા ટ્રાફિક પોલીસના ખભા પર લગાવવામાં આવશે. જેથી ટ્રાફિક પોલીસ સાથે કોઈ વાહનચાલક ઝઘડો કરશે તો તે તમામ હરકત ખભા પર લાગેલા કેમેરામાં રેકોર્ડ થઈ જશે જેથી જે-તે વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં પોલીસને સરળતા રહેશે. પોલીસને આધુનિક બનાવવાની સાથે જ રવિવાર અને સોમવાર એમ બે દિવસ અમદાવાદમાં હેલમેટ અને સીટબેલ્ટ ડ્રાઈવ યોજવા પણ આદેશ અપાયો છે.
ટ્રાફિક પોલીસ સાથે ઝઘડશો તો ભારે પડશે
ટ્રાફિક પોલીસ જવાનોના ખભા પર બોડી વોર્ન કેમેરા લાગવાથી હવે ટ્રાફિક પોલીસ સાથે રકઝક કરનારા અને ઝઘડો કરનારાએ ચેતી જવું પડશે. કેમ કે આજથી ટ્રાફિક પોલીસ કેમેરાથી સજ્જ બની ગઈ છે. જેથી ટ્રાફિક નિયમો તોડીને પોલીસ જવાનો સાથે માથાકૂટ કરનારા અને પોતાનો રોફ જમાવતા લોકોએ છાનામાના દંડ ભરીને ચાલતી પકડવી પડશે.
કંટ્રોલ રૂમને થશે જાણ
ટ્રાફિક પોલીસ જવાનના ખભા પર લાગેલા કેમેરા તમામ કાર્યવાહીને રેકોર્ડ કરશે અને તે રેકોર્ડિંગ કંટ્રોલ રૂમમાં જોવા મળશે. કોઈ વ્યક્તિ ટ્રાફિક પોલીસ જવાન સાથે ઝઘડો કરતો જોવા મળશે અને કંટ્રોલ રૂમને જરૂર જણાશે તો તુરંત જ વધારાના પોલીસ જવાનો સ્થળ પર મોકલવામાં આવશે. સાથે જ, પોલીસ સાથે માથાકૂટ કરનાર વ્યક્તિના સીધા જ પુરાવા પોલીસ પાસે ઉપલબ્ધ થઈ જશે.
આજે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે બપોરે ચાર વાગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ટ્રાફિક પી.આઈ.ને બોડી વોર્ન કેમેરા આપવામાં આવશે. અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની હાજરીમાં યોજાનારા આ સમારોહમાં તમામ ટ્રાફિક પી.એસ.આઈ.ને બોડી વોર્ન કેમેરા આપવામાં આવશે. ટ્રાફિક પોલીસને સુવિધા મળવાથી અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસ વધુ આધુનિક બનશે.
બે દિવસ ડ્રાઈવના આદેશ
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને રવિવાર અને સોમવારે ખાસ ડ્રાઈવ કરવા માટેનો પણ આદેશ આપી દેવાયો છે. બે દિવસ અમદાવાદ શહેરમાં વિશેષ ડ્રાઈવ રાખવામાં આવી છે. શહેરના જુદા જુદા રોડ પર વાહનચાલકોને હેલમેટ અને સીટબેલ્ટના નિયમનું કડક પાલન કરાવવામાં આવશે. જે લોકોએ હેલમેટ નહીં પહેર્યું હોય અથવા કારચાલકોએ સીટબેલ્ટ નહીં બાંધ્યા હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત