Team Chabuk-Literature Desk: સુવર્ણજયંતી પુસ્તમાલા. સ્વાતંત્ર્યોતર ગુજરાતી વાર્તા સંગ્રહ. આ સંગ્રહનું નામ ઉર્વરા છે. આપણા ખમતીધર વિવેચક, સર્જક અને સંશોધક શિરીષ પંચાલ દ્વારા તેને સંપાદિત કરવામાં આવ્યો છે. વાર્તાસંગ્રહમાં શિરીષ સાહેબે પસંદ કરેલી સાડત્રીસ વાર્તાઓ છે. એકથી એક ચડીયાતી વાર્તાઓ છે. જેમને વાર્તા સાહિત્યમાં ડૂબવાનો અને વાર્તા લખવાનો રસ હોય તેમના માટે આ મધપૂડો છે.
આમ તો ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ સંપાદિત કરી હોય એવા ઘણા પુસ્તકો આપણી સમક્ષ છે. ઉર્વરા ગમવાનું કારણ તેમાં કેટલાક એવા સર્જકોની વાર્તાઓ છે જેમના વાર્તાવિશ્વનો આપણી સાથે ભેટો નથી થયો. કેટલાક સાહિત્યકારો જ્યારે કોઈ અજાણ્યા લેખકની વાર્તાને લઈ વાત માંડે. જે આપણા હાથમાં હજુ સુધી ન આવી હોય, તો જ્યાં સુધી એ લેખકની વાર્તા કે વાર્તાસંગ્રહ ન શોધીએ ત્યાં સુધી કિડીઓ જાણે ચટકા ભરતી હોય એવું થયા કરે. જે લોકો વાર્તાના અઠંગ વાચક છે તેમને તો આવું થવાનું જ છે.
સાડત્રીસ વાર્તાઓમાંથી ભૂપેન ખખ્ખરની મનોજનું વેર વાર્તાની વાત કરવી છે. વાર્તા કથાની દૃષ્ટીએ તો સાંગોપાંગ ઉત્તમ છે જ, પણ તેમાં સંવાદો પણ રસપ્રચૂર છે. મૂળ તો ચિત્રકાર ભૂપેન ખખ્ખરે આવી સરસ વાર્તાઓ લખી છે તે કહેનારું અત્યારે કોઈ નથી. તેમની વાર્તાઓ લાંબી હોય છે પણ તેમાં રહેલી કથા અને ઘટના ભાવકને એવી રીતે જકડી રાખે છે કે છોડ્યા વિના રહેવાય નહીં. જેમને તરતા આવડતું ન હોય એને છિંછરું તળાવ આપી દેવામાં આવે અને તે તરતા શીખવાનો પ્રયત્ન કરવા લાગે, એવી વાર્તાઓમાં ભૂપેન ખખ્ખરની વાર્તાનો સમાવેશ કરી શકાય.
ભૂપેન ખખ્ખરની મનોજનું વેર વાર્તા પ્રણય ત્રિકોણ અને વેરનો દ્રી-કોણ રચે છે. એક ઘટના છે જેમાં બે લોકો વેર લેવા માગે છે. બે લોકો એક જ વ્યક્તિ સાથે વેર લેવા માગે છે, પણ એક તેને પ્રેમ કરે છે અને બીજો તેને ભરી ભરીને નફરત કરે છે. ચાર પાત્રો વચ્ચે આ વાર્તા આકાર લે છે. એક સુંદરલાલ છે. જે મોટા માલિક છે. બીજો મનોજ છે જે તેમનો ટાઈપિસ્ટ છે. સુંદરલાલની પત્ની સુશીલા અને ત્રીજો સુંદરલાલનો સેવક શિવલાલ છે.
સુંદરલાલ મનોજને વાતે વાતે ખખડાવી નાખે છે. તેણે ટાઈપ કરેલા કાળગિયાને બધાની સામે ઉડાવી ઓફિસમાં તેની ફજેતી કરે છે. આ વાતનો ડંખ મનોજના હ્રદયમાં અંકિત થઈ જાય છે. એ સુંદરલાલ સાથે વેર લેવાનું નક્કી કરે છે.
વાર્તા અહીંથી આગળ વધતા સુંદરલાલના ભૂતકાળમાં ચાલી જાય છે. તેમના અને તેમની પત્નીના સંબંધોને ઓછા શબ્દોમાં વાર્તાકાર ગાઢ કરે છે. કોઈ સંબંધને ઓછા શબ્દોમાં ગાઢ કરવું હોય તો શૃંગાર લઈ આવો.
વાર્તામાં શૃગાંરિક વર્ણન લેખકે સરસ નિપજાવ્યું છે. સુંદરલાલ સુશીલાને કહે છે – ‘‘સુશીલા તારામાં કામાગ્નિ ઉત્પન્ન થયો છે. તારા શરીરમાં એ ફરી વળ્યો છે. પતિ તરીકે મારો ધર્મ છે કે હું તારી જોડે રતિક્રીડાનો આનંદ માણું.’’
વાર્તામાં એક જગ્યાએ સુશીલા પોતાના જાતિય સંબંધોની વાત ખુલીને કરે છે. સુશીલાના મુખમાં લેખકે સંવાદ મૂક્યો છે – ‘‘મારાથી અસંતોષ રહેતો હોય તો જરૂર બીજી લઈ આવો. એને હું મારી બહેન ગણીને જ રાખીશ. પતિને રીઝવવા માટે શું કરવું તે ધ્યાનપૂર્વક કોકશાસ્ત્રમાં વાંચી અમલ કર્યો છે. ચુંબન, બાહુપાશ, નાગચૂડ, આલિંગન, નખક્ષત, મૈથૂનને લગતી અનેક ક્રિયાઓ મેં હસ્તગત કરી છે. રતિક્રીડાની ચરમ સીમાએ પહોંચી આનન્દનો ચિત્કાર મેં કર્યો છે. તમને મારાથી સંતોષ નથી તેના પ્રાયશ્ચિત રૂપે હું ત્રણ દિવસના ઉપવાસ કરીશ. અને પતિને રીઝવવા પેલું પ્રકરણ કોકશાસ્ત્રમાંથી ફરી વાંચી જઈશ.’’
એક રીતે આ શૃંગારિક વાર્તા પણ થાય છે. આખી વાર્તા શૃંગાર પર આધારિત નથી. જે રીતે સુન્દરમની ખોલકીમાં શૃંગારનું રસપ્રચૂર વર્ણન આવે છે તેવું વર્ણન અહીં નથી. સુશીલાને લેખકે આધુનિક સ્ત્રી તરીકે દર્શાવી છે. જે કોકશાસ્ત્ર વાંચી પતિને રતિક્રીડાનો સંપૂર્ણ આનન્દ આપે છે. બીજી બાજુ એ જ સુશીલા જૂનવાણી વિચારધારા પણ ધરાવે છે.
કહ્યું તેમ આ વાર્તાનું મૂળ કથાવસ્તુ એ શૃંગાર નથી. મૂળ તો વાર્તા વેર પર આધારિત છે. એમાં ચોથા અને અંતિમ પાત્ર શિવલાલનો વાર્તામાં પ્રવેશ થાય છે. લેખકે શિવલાલનું જે આરંભમાં વર્ણન કર્યું તેનાથી લાગે કે તે સુશીલા સાથે શરીર સંબંધ બાંધશે પણ વાચકનું અનુમાન ખોટું ઠરે છે. લેખકે તેને તો સુંદરલાલ સાથે પ્રેમ કરવા ઘડ્યો છે.
શિવલાલ સુશીલાનો સામાન ઘરમાં મુકવા આવે છે ત્યારે લેખક વાચકને એક બીજે રસ્તે લઈ જાય છે. ભાવકને ભટકાવે છે. ભાવક ભટકાયા વિના નથી રહેતો. વર્ણન પણ એવું છે.
‘‘સુશીલાએ પાણીનો ગ્લાસ ટીપોય પર મૂક્યો. ત્યાં એનો સાડીનો છેડો સરક્યો. એના પુષ્ટ સ્તનો પર શિવલાલની નજર ચોંટી ગઈ. વરસાદી વાદળો જેવાં સ્મૃતિનાં ઘેરાં સ્વપ્ન આંખ સામે તાદૃશ થયા. એને પ્રિયતમા ચંદ્રિકા યાદ આવી. પ્રેમમાં ક્યારેય સુખ હોતું નથી. ચંદ્રિકાના સ્તનો પર હાથ ફેરવવા માટે એણે દારૂણ દુ:ખ સહન કરેલું.’’
સુશીલા અને સુંદરલાલને ત્યાં નિખિલનો જન્મ થાય છે. સુશીલાને હવે આર્ય નારી બનવું છે. પતિની સેવા ચાકરી કરવા માટે શિવલાલને આગ્રહ કરે છે અને અહીંથી સુંદરલાલ અને શિવલાલની પ્રેમ કહાની શરૂ થાય છે. આ પ્રેમ અંગેનો એક સુંદર સંવાદ ભૂપેન ખખ્ખરે મૂક્યો છે.
‘‘સુંદરલાલ, તમે જિંદગીમાં આવ્યા ત્યારથી ચંદ્રિકાનો ચહેરો મનોમન ઝાંખો થવા લાગ્યો છે.’’
શિવલાલ સુંદરલાલ માટે એ જ કામ કરે છે જે તેની પત્ની કરતી હતી. માથામાં વેસલીન લગાવવા સુધીનું કામ. સુંદરલાલ માટે સંગીત વગાડવા સુધીનું કામ. સુશીલા જ્યારે પત્ની તરીકેની જગ્યા પાછી લેવા આવે છે ત્યારે શિવલાલની અંદર એક સ્ત્રી ધબકી રહી છે. એ રડવા જેવો થઈ જાય છે. સુશીલા તેને સમજાવે છે.
આ શિવલાલ અને મનોજ ભેગા થાય છે અને પછી સુંદરલાલ સામે વેર લેવાનું નક્કી કરે છે. મનોજનું વેર છે તેના સાહેબ સુંદરલાલે તેને હડધુત કર્યો એ અને શિવલાલનું વેર છે કે તેણે તેની જગ્યા તેની પત્નીને પાછી આપી દીધી.
હવે કથામાં આગળ શું થાય છે આ માટે તો આપે ભૂપેન ખખ્ખરની વાર્તા વાંચવી રહી. આ વાર્તા તો ખૂબ પહેલા લખાય પણ ત્યારબાદ આવેલી નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ મોનસૂન શૂટઆઉટ જો જોઈ હશે તો યાદ આવ્યા વિના નહીં રહે. મોનસૂન શૂટઆઉટમાં ઘટનાને ત્રણ રીતે દર્શાવવામાં આવી છે. વિલનને મારીએ તો શું થાય ? વિલનને ન મારીએ તો શું થાય ? અને વિચારતા રહીએ તો શું થાય ? બસ, આ રીતે જ વાર્તાકાર ભૂપેન ખખ્ખર પોતે વાર્તાનો અંત આણવાની જગ્યાએ આપણી સમક્ષ કેટલાક અન્ત મૂકે છે. હવે તમે ચતૂર છો. વાર્તાનો અન્ત તમારે લઈ આવવાનો છે.
વિચારો મનોજે સુંદરલાલને મારી નાખવો જોઈએ કે નહિં ? આ માટે વાર્તાકાર આપણી સામે કેટલાક વિકલ્પ છોડે છે અને વાર્તા પૂર્ણ કરે છે. ભૂપેન ખખ્ખર પોતાના ભાવકને કહે છે કે વાર્તા ફક્ત લખનારની થોડી હોય. લખ્યા પછી તો એ વાંચકની થઈ જાય છે. એ વિચારે છે. વિવેચન કરે છે. આમ નહીં ને આમ કર્યું હોય તો? અટાણ સુધી તો નવલકથામાં જ વિચારતા હતા. હવે વાર્તામાં વિચારો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત