Team Chabuk-Gujarat Desk: છેલ્લા ઘણા સમયથી વીડિયો કોલ કરીને પુરુષોને ફસાવીને રૂપિયા પડાવવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવો વધુ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદના એક યુવકને વીડિયો કોલ કરીને સામે તરફ રહેલી યુવતીએ કપડાં ઉતારી વીડિયો રેકોર્ડ કરીને યુવકને ફસાવ્યો છે. યુવતીએ વીડિયો કોલમાં પોતાના કપડાં ઉતારી સમગ્ર વીડિયો રેકોર્ડ કરી લીધો હતો અને બાદમાં આ વીડિયો દ્વારા યુવકને ફસાવીને રૂપિયા પડાવ્યા હતા. યુવકે બદનામી ન થાય તે માટે ગેંગના માણસોને રૂપિયા ચૂકવી દીધા હતા.
બનાવની વિગતે વાત કરીએ તો, અમદાવાદ શહેરના નવા વાડજમાં રહેતા પરિણીત યુવક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. થોડા દિવસો પહેલાં યુવક ઘર પાસે બેઠો હતો તે સમયે એક યુવતીનો વીડિયો કોલ આવ્યો હતો. યુવકે વીડિયો કોલ રિસીવ કરતાં સામે એક યુવતી જોવા મળી હતી. વીડિયો કોલ શરૂ થતાં જ આ યુવતી પોતાના કપડાં ઉતારવા લાગી હતી. યુવક કઈ સમજે તે પહેલાં જ યુવતીએ સમગ્ર વીડિયોનું રેકોર્ડિંગ કરી લીધું હતું અને પછી પોતાનો ખરો રંગ બતાવ્યો હતો.
વીડિયો કોલનો રેકોર્ડ થયા બાદ યુવતીએ યુવકને ફોન કરને ધમકી આપીને કહ્યું હતું કે, વીડિયો કોલનો વીડિયો અપલોડ ન કરવો હોય તો પૈસા આપવા પડશે. બદનામીના ડરથી યુવકે યુવતીને 10 હજાર રૂપિયા આપી દીધા હતા. ત્યારબાદ ફરીથી આ યુવતીનો મેસેજ આવ્યો હતો અને યુટ્યૂબમાં વીડિયો અપલોડ ન થવા દેવો હોય તો બીજા રૂપિયા આપવા પડશે તેવુ કહ્યું હતું. યુવકે આ વખતે પણ 10 હજાર રૂપિયા ચૂપચાપ આપી દીધા હતા. આટલેથી ન અટકતાં આ યુવતીએ ફરી 10 હજાર રૂપિયા માગ્યા હતા અને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ ન થવા દેવો હોય તો રૂપિયા આપી દેવા ધમકી આપી હતી. યુવકે ત્રીજી વખત પણ 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.
રૂપિયા ખંખેરવાના ઈરાદે શરૂ થયેલી આ ગેમ આમને આમ ચાલતી રહી. આ યુવતીએ ફરીથી યુવકનો સંપર્ક કરીને અન્ય સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ ન કરવા અને વીડિયો ડિલીટ કરવા માટે વધુ નાણાની માગ કરી હતી. આમ યુવકે અલગ અલગ 7 વખત ટ્રાન્ઝેક્શન કરીને આ યુવતીને 66 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ પણ આ યુવતીએ યુવકને વીડિયો અપલોડ કરી દેવાની ધમકી આપીને રૂપિયાની માગણી કરવાનું ચાલુ રાખ્યું હતું. અંતે યુવકે કંટાળીને આ અંગે સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો હતો. હાલ આ મામલે ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે.
હાલમાં આ પ્રકારના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. વિવિધ નંબર પરથી મિત્રતાની વાત કરતાં મેસેજ આવે છે અને ત્યારબાદ વીડિયો કોલ કરીને ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ જવાય તેવા વીડિયો શરૂ કરી દેતા હોય છે. આવા વીડિયોનું રેકોર્ડિંગ કરી લઈને સામેની વ્યક્તિને ધમકાવીને રૂપિયા પડાવવામાં આવતાં હોય છે. સાયબર ક્રાઈમ પણ અજાણ્યા વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વાત કરવાની ના પાડે છે અને આવા ઠગબાજોથી ચેતવાની સલાહ આપે છે. આવા અનેક બનાવો પોલીસના ચોપડે નોંધાઈ રહ્યા છે અને તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત