બોક્સિંગ ડે ટેસ્ટનો બીજો દિવસ પૂર્ણ થઈ ગયો છે. પ્રથમ ટેસ્ટની ભુંડી હારને ભૂંસવા ટીમ ઈન્ડિયા મેદાને ઉતરી હતી. પ્રથમ દિવસે બોલરોએ દમદાર પ્રદર્શન કરતાં ઓસ્ટ્રેલિયાની ટીમ 195 રનમાં તંબુ ભેગી થઈ ગઈ. ભારતની બેટિંગની શરૂઆત થોડી ચિંતાજનક લાગી પરંતુ કેપ્ટન અજિંક્ય રહાણે અને રવિન્દ્ર જાડેજાએ ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. બીજા દિવસની રમત પૂર્ણ થતાં ભારત પાસે 82 રનની લીડ છે. ઓસ્ટ્રેલિયાના 195 રનની સામે ભારતે પાંચ વિકેટ ગુમાવીને 277 રન સ્કોર બોર્ડ પર અંકિત કરી દીધા છે.
અજિંક્ય રહાણેની સદી
વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમનું સુકાન સંભાળી રહેલા અજિંક્ય રહાણેએ સદી ફટકારી દીધી છે. ઓસ્ટ્રેલિયાના ખતરનાક બોલરોના 200 બોલનો સામનો કરીને રહાણેએ 104 રન ફટકાર્યા છે. હજુ તે ક્રિઝ પર યથાવત છે. રહાણેનો સાથ આપી રહેલા રવિન્દ્ર જાડેજાએ પણ હવે લય મેળવી લીધી છે અને 104 બોલનો સામનો કરીને 40 રન કર્યા છે. અજિંક્ય રહાણેની ટેસ્ટ ક્રિકેટમાં આ 12મી સદી છે. 12 સદીમાંથી રહાણેએ 8 સદી વિદેશી ધરતી પર ફટકારી છે.
Another dominant day of Test cricket for #TeamIndia.
— BCCI (@BCCI) December 27, 2020
It was a day that is undoubtedly headlined by Captain @ajinkyarahane88, whose century (104* off 200) will go down as one of the best by an Indian captain on foreign soil.#TeamIndia 277/5 (Rahane 104*, Jadeja 40*) pic.twitter.com/zwuHWWHYjP
મોકે પે ચોકા
કેપ્ટન વિરાટ કોહલી પેટરનિટી લિવ પર ભારત પરત ફર્યો છે. વિરાટની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાની કમાન અજિંક્ય રહાણેને સોંપવામાં આવી છે. રહાણેએ આ મોકાનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમને સસ્તામાં ઓલઆઉટ કરીને કેપ્ટન તરીકે અને સદી ફટકારીને બેટિંગમાં પણ પોતાનું જોરદાર પરફોર્મન્સ દેખાડ્યું છે. રહાણેનો આ દેખાવ જોઈને કેપ્ટન વિરાટ કોહલીએ પણ ટ્વિટ કરીને વખાણ કર્યા છે.
રહાણેની કેપ્ટન્સીથી પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર પણ પ્રભાવિત થયા છે. સુનિલ ગાવસ્કરે કહ્યું કે, રહાણેને જે મેચમાં કપ્તાની કરવાનો મોકો મળ્યો છે ત્યારે મેં જોયું છે કે રહાણેમાં એ સમજ છે કે ફિલ્ડરને કઈ જગ્યાએ રાખવો. તો પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે પણ રહાણેની કેપ્ટન્સીની સાથે જાડેજા, પંત અને ગિલની બેટિંગના વખાણ કર્યા છે.
Another great day for us. Proper test cricket at its best. Absolutely top knock from Jinks👌@ajinkyarahane88
— Virat Kohli (@imVkohli) December 27, 2020
Brilliant captains knock from @ajinkyarahane88 Great exhibition of character. Useful contributions from Gill, Pant and Jadeja. Decisive 3rd day looms. #INDvAUS pic.twitter.com/S8FiKmNjkP
— VVS Laxman (@VVSLaxman281) December 27, 2020
પાંચ વિકેટ ફટાફટ પડી
ભારતની પાંચ વિકેટ 173 રનમાં પડી ગઈ હતી. જેમાં મયંક અગ્રવાલ શૂન્ય રને આઉટ થયો. ત્યારબાદ ડેબ્યુ મેચ રમી રહેલા શુભમન ગિલે 45 રન કરીને બાજી સંભાળી. જ્યારે ચેતેશ્વર પુજારા ફરી ફ્લોપ રહ્યો. પુજારાએ માત્ર 17 રન બનાવીને ચાલતી પકડી. હનુમા વિહારી પણ ખાસ ઉકાળી શક્યો નહીં અને 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. રિષભ પંતે પણ 29 રન બનાવ્યા. પાંચ વિકેટ પડી ગયા બાદ કેપ્ટન અજિંક્ય રહાણે અને રવિન્દ્ર જાડેજાએ બાજી સંભાળી 100 રન ઉપરની ભાગીદારી નોંધાવી.
કેએલ રાહુલને ટીમમાં લેવાની માગ
પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે થયેલી હાર બાદ ભારતીય ટીમ પર ખૂબ ટીકા થઈ. બીજી ટેસ્ટમાં ઘણા બદલાવ પણ કરવામાં આવ્યા. જો કે પ્રથમ ટેસ્ટથી જ ટીમમાં કેએલ રાહુલનો સમાવેશ કરવાને લઈને સોશિયલ મીડિયામાં માગ ઉઠી રહી છે. ત્યારે બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં હનુમા વિહારી સસ્તામાં આઉટ થઈ જતાં ટ્વિટર પર રાહુલના ફેન્સ એક્ટિવ થયા હતા અને હનુમા વિહારીની જગ્યાએ રાહુલને રમાડવાની માગ કરી રહ્યા છે. કેએલ રાહુલ છેલ્લા ઘણા સમયથી સતત સારો દેખાવ કરી રહ્યો છે. ગત આઈપીએલમાં પણ સૌથી વધુ રન રાહુલના નામે હતા. તો ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 અને વન-ડે મેચમાં પણ રાહુલે સારો દેખાવ કર્યો હતો જેથી લોકો રાહુલને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવા માટે માગ કરી રહ્યા છે.
પુજારાનું બેટ ક્યારે બોલશે ?
ભારતીય ટેસ્ટ ટીમના મજબૂત બેટ્સમેન ચેતેશ્વર પુજારાનું બેટ ઘણા સમયથી ખામોશ છે. પુજારાના બેટથી લાંબા સમયથી કોઈ મોટી ઇનિંગ નીકળી નથી. ક્રિકેટ પ્રેમીઓ પણ ચેતેશ્વર પુજારાનો જુનો અંદાજ જોવા માટે તરસી રહ્યા છે. એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પુજારાએ પ્રથમ ઇનિંગમાં 43 અને બીજી ઇનિંગમાં શૂન્ય રન બનાવ્યા હતા. તો બીજી ટેસ્ટમાં પણ પ્રથમ ઇનિંગમાં પુજારા માત્ર 17 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલ દ્રવિડ બાદ ટેસ્ટ ટીમની બીજી દિવાલ મનાતા ચેતેશ્વર પુજારાના આ પ્રકારના દેખાવથી ટીમ મેનેજમેન્ટ પણ ચિંતામાં છે. છેલ્લી 17 ટેસ્ટ મેચમાં પુજારાએ એક પણ સદી નથી ફટકારી. છેલ્લે પુજારાએ 2018માં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી ત્યારબાદ કોઈ મોટી ઇનિંગ પુજારાના બેટથી જોવા નથી મળી.
પુજારાને ત્રીજા નંબરે બેટિંગ પર ઉતારવાને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ચર્ચા થઈ રહી છે કે ત્રીજા નંબર માટે ભારત પાસે કેએલ રાહુલ જેવો બેટ્સમેન છે તો તેને ચાન્સ આપવો જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત