Homeગુર્જર નગરીજૂનાગઢની એક રીક્ષામાંથી 32,600 રૂપિયાનો દારૂ મળ્યો

જૂનાગઢની એક રીક્ષામાંથી 32,600 રૂપિયાનો દારૂ મળ્યો

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં ફરી એક વખત દારૂની મસમોટી હેરાફેરી અટકાવવામાં આવી છે. આ વખતે કુલ 83,100 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સતત બીજી વખત આટલો મુદ્દામાલનો દારૂ પકડાતા શહેરીજનો પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા.

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ આ દારૂની હેરાફેરી રીક્ષામાં થતી હતી. જેમાં એ ડિવીઝન પોલીસે ખાસ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે જૂનાગઢના ધરારનગરથી ખાડીયા તરફ જતી GJ02XX 2566 નંબરની રીક્ષામાં દારૂ ભરાઈને આવી રહ્યો છે. આ દારૂ પ્રદીપ ખાડીયાના સુનીલ સોલંકીના ઘરે ઉતારવાનો છે.

માહિતી મળ્યા પછી એ ડિવીઝન પીઆઇ એમ.એમ. વાઢેર, પીએસઆઇ એ. કે. પરમાર સહિતના સ્ટાફે ટાઉન હોલ પાસે વોચ ગોઠવી રિક્ષાને અટકાવી તપાસ કરી હતી. તપાસ દરમિયાન રિક્ષામાંથી 32,600નો ઇંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ, રિક્ષા અને મોબાઇલ મળી કુલ 83,100ના મુદ્દામાલ સાથે કડિયાવાડના ભાવેશ રમેશભાઇ બગડાને ઝડપી લીધો હતો. જ્યારે દારૂ મંગાવનાર સુનીલ સોલંકીને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોરબંદર પોલીસ એક્શનમાં

બીજી બાજુ જૂનાગઢ જિલ્લાની નજીક આવેલા પોરબંદર જિલ્લામાં પણ દારૂની એક બે નહીં પણ સત્તર ઘટના બની હતી. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં દારૂના 17 કેસ નોંધાયા છે. જેમાં 14 શખ્સો નશો કરેલી સ્થિતિમાં મળી આવ્યા છે તો 15 લીટર દેશી દારૂ પણ મળી આવ્યો છે. શહેરમાં વધી રહેલી દારૂની હેરાફેરી અને પીવાના દૂષણને નાથવા માટે પોલીસે હવે લાલ આંખ કરી છે.

(તસવીર પ્રતિકાત્મક છે.)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments