Team Chabuk-Gujarat Desk: રવિવારનો આખો દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જૂનાગઢ, રાજકોટ, છોટા ઉદેપુર, જામનગર, પંચમહાલ, અરવલ્લી, વલસાડ, પોરબંદર, દાહોદ સહિતના અનેક જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં પણ સવારથી ધીમીધારે વરસાદ પડ્યો છે. રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 197 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે રાજકોટના લોધિકામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો છોટા ઉદેપુરમાં પણ સાત ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં સવારથી સાંજ સુધી 9 ઈંચ વરસાદ ખાબક્યો છે.
સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી નોંધાયેલો વરસાદ
| સ્થળ | વરસાદ ઈંચમાં |
| છોટા ઉદેપુર | 7 |
| લોધિકા | 7 |
| કાલાવડ | 5.5 |
| ક્વાંટ | 6.5 |
| કપરાડા | 5 |
| માણાવદર | 4.88 |
| વંથલી | 4.44 |
| જૂનાગઢ શહેર | 4.17 |
| જૂનાગઢ | 4.17 |
| બોડેલી | 4.17 |
| કુતિયાણા | 4.01 |
| લીમખેડા | 3.46 |
| જાંબુઘોડા | 3.46 |
| દાહોદ | 3.3 |
| શહેરા | 2.91 |
| વિસાવદર | 2.91 |
| સંજેલી | 2.91 |
| બાયડ | 2.91 |
| જેતપુર પાવી | 2.91 |
ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ ધોરાજી પંથકમાં વરસાદનું આગમન થઈ ગયું હતું. તાલુકાના મોટી મારડ ગામે 9 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ નદી બની ગયા હતા. ગામના ચેક ડેમ અને તળાવ ઓવર ફ્લો થયા છે. મોટી મારડ ગામના અનેક ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે.
ગીર સોમનાથ જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વેરાવળ અને સુત્રાપાડા શહેર અને પંથકમાં સવારથી જ મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જૂનાગઢમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જૂનાગઢ શહેર અને તાલુકામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ ઉદભવી છે. જૂનાગઢમાં ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ગીરનાર પર્વત પર પણ જાણે પાણીનો ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જૂનાગઢમાં આવેલા દામોદર કુંડમાં નવા નીરની પધરામણી થઈ હતી. ગીરનારના દાતાર પર વરસાદ વરસતાં પગથીયાઓ પર ઝરણાની માફક પાણી વહેતા થયા હતા. જો કે જૂનાગઢમાં સવારથી જ વરસાદ શરૂ થઈ જતાં રોપ-વે સેવા બંધ રાખવાની ફરજ પડી હતી. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.
રાજકોટ શહેરમાં પણ મેઘરાજાની બીજા દિવસે તોફાની બેટિંગ જોવા મળી. શનિવારે પડેલા ધોધમાર વરસાદ બાદ રવિવારે પણ સવારથી જ રાજકોટ શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. બપોર બાદ રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થતાં અનેક નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નિચાણવાળા વિસ્તારોમાં આવેલી અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. રાજકોટ શહેરમાં બે કલાકમાં જ ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. હજુ રાત્રે પણ ધીમીધારે વરસાદ ચાલુ છે.
અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ધારી પંથકમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો. ધારી શહેર તેમજ આસપાસના ગામમાં વરસાદ પડ્યો હતો. ઝર, મોરઝર, હરિપરા, કુબડા સહિતના ગામોમાં સારો વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે.
જામનગર જિલ્લામાં પણ સતત બીજા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. જામનગરના કાલાવડ તાલુકામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારથી સાંજ સુધીમાં કાલાવડ તાલુકામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે બાલંભડી ડેમ ઓવરફ્લો થયો હતો. બાલંભડી ડેમ ઓવરફ્લો થતાં છતર ગામની નદીમાં પૂર આવ્યું હતું. આ પૂરમાં એક જેસીબી ડ્રાઈવર સાથે તણાયું હતું. જો કે સદભાગ્યે ડ્રાઈવરનો બચાવ થયો હતો.
કાલાવડના છતર ગામ પાસે નદીમાં jcb તણાયું pic.twitter.com/zI7evNr15d
— thechabuk (@thechabuk) July 25, 2021
મધ્ય ગુજરાતમાં પણ વરસાદે ધમાકેદાર બેટીંગ કરી છે. દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. દાહોદમાં 3.3 ઈંચ, ઝાલોદમાં 0.55 ઈંચ, ગરબાડામાં 1.6 ઈંચ, દેવગઢબારીયામાં 2.50 ઈંચ, ધાનપુરમાં 1.35 ઈંચ, ફતેપુરામાં 2.75 ઈંચ, લીમખેડામાં 8.46 ઈંચ, સંજેલીમાં 2.87 ઈંચ, સીંગવડમાં 1.10 ઈંચ વરસાદ નોંધાયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત