Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ

સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર શહેરમાં આવેલી સી.યુ. શાહ (ટી.બી) હોસ્પિટલની બેદરકારીના કારણે માતા-પિતાને એક 25 વર્ષની દીકરીને ખોવાનો વારો આવ્યો છે. મૂળ વઢવાણના ખારવા ગામના વતની અને હાલ સુરેન્દ્રનગરના રતનપર ખાતે રહેતા નિલેશભાઈ ખોખાણી અને તેમના પત્ની ભારતીબેન ખોખાણીએ આરોપ લગાવ્યો છે કે, તેમની દીકરી કલ્યાણીનું મોત સી.યુ. શાહ હોસ્પિટલની ઘોર બેદરકારીના કારણે થયું છે.

સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો, ગુજરાત પ્રદેશ ભાજપ કિશાન મોરચાના એક્ઝિક્યુટિવ મેમ્બર નિલેશભાઈ ખોખાણી અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ભારતીબેન નિલેશભાઈ ખોખાણીની દીકરી કલ્યાણી ખોખાણીને તારીખ 16 માર્ચના રોજ સારવાર માટે સી.યુ. શાહ એટલે કે ટીબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મૃતક કલ્યાણી ડાયાબિટીસની દર્દી હતી અને પરિવારને પ્રથમ નજરે ન્યૂમોનિયાની અસર દેખાતા સારવાર અર્થે 17 માર્ચના રોજ સાંજે 4 વાગ્યે દીકરીને સભાન અવાસ્થામાં ડાયાલિસીસ માટે લઈ જવામાં આવી હતી. ડાયાલિસીસ પૂર્ણ થયા બાદ સભાન અવસ્થામાં દીકરી કલ્યાણીને ડાયાલિસીસ રૂમમાંથી આઈસીયુ રૂમ તરફ લઈ જતી વખતે વચ્ચે અચાનક સુગર લેવલ એકદમ ઘટી ગયું હતું અને તે બેભાન અવસ્થામાં જતી રહી હતી અને તારીખ 18 માર્ચના રોજ તેનું મૃત્યુ થયું હતું.

CU Shah Hospital

નિલેશભાઈ ખોખાણી અને ભારતીબેન ખોખાણીના જણાવ્યા પ્રમાણે જ્યારે તેમની દીકરી કલ્યાણીને ડાયાલિસીસ રૂમથી આઈસીયુ રૂમમાં લઈ જવામાં આવી રહી હતી ત્યારે તેમણે સુગર લેવલ પ્રત્યે વારંવાર ડોક્ટર અને સ્ટાફને જાણ કરી હતી. પરંતુ ફરજ પરના ડોક્ટર તથા નર્સે ધ્યાન ન આપતા સુગર લેવલ એકદમ ઘટી ગયું હતું અને એક જ મિનિટમાં મૃતક કલ્યાણી બેભાન થઈ ગઈ હતી. સુગર લેવલ એકદમ નીચું જતું રહેતા તાત્કાલિક બોટલ ચડાવી સુગર લેવલ અંદાજે 530 આસપાસ વધારી દીધું હતું. પરંતુ બેભાન થઈ ગયા બાદ સુગર લેવલ વધારવાથી પણ કોઈ ફર્ક પડ્યો ન હતો. આમ હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે એક 25 વર્ષની દીકરીને આ દુનિયામાંથી વિદાય લેવી પડી હતી.

આ ઉપરાંત નિલેશભાઈ અને ભારતીબેન ખોખાણીએ હોસ્પિટલમાં રહેલી અન્ય બેદરકારી અંગે જણાવતા કહ્યું કે, મેડિસીન વિભાગ આઈસીયુ માંથી આઠ માળના ભોંય તળીયે આવેલું છે. આઈસીયુ સુધી દર્દીને સ્ટ્રેચરમાં અમારે ખેંચીને લાવવા પડ્યા હતા. ડાયાલિસીસ વખતે પણ દર્દીને સ્ટ્રેચરમાં લઈ જવા પડ્યા હતા જે સીસીટીવીમાં પણ જોઈ શકાય છે. આ ઉપરાંત કેસ બારી, લેબોરેટરી તથા આઠ માળ બિલ્ડિંગના ભોંય તળીયે આવેલા આઈસીયુ વચ્ચે ઘણું અંતર છે. જેથી દર્દીના સગા પેપર વર્કમાં જ થાકી જાય છે. જેથી આઈસીયુની બાજુમાં જ લેબોરેટરીનું સેમ્પલ કલેક્શન ઉભું કરવામાં આવે તેવી માગ કરાઈ છે. આ ઉપરાંત ડાયાલિસીસ રૂમથી લઈને આઈસીયુમાં બેડ સુધી દીકરીને લઈ જવામાં આવી હતી તેના સીસીટીવી ફુટેજ આપવામાં આવે.

બેદરકારીના કારણે થયેલા દીકરીના મોતના મામલે નિલેશભાઈ અને ભારતીબેન ખોખાણીએ 28 માર્ચના રોજ સી.યુ. શાહ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટને રજૂઆત કરી હતી. પરંતુ આજદિન સુધી હોસ્પિટલ સત્તાધિશો દ્વારા કોઈ જ જવાબ આપવામાં આવ્યો નથી કે સંપર્ક પણ કરવામાં આવ્યો નથી. ત્યારે તેમણે આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીને જવાબદારો સામે પગલાં ભરી દીકરીને ન્યાય મળે તે માટે પ્રયત્નો શરૂ કર્યા છે. આ મામલે નિલેશભાઈ ખોખાણીએ ધારાસભ્ય જગદિશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, મહેસાણાના પૂર્વ સાંસદ શારદાબેન પટેલ, સુરેન્દ્રનગરના ડીઆઈજી ગીરીશભાઈ પંડ્યા સહિતનાને લેખિત રજૂઆત કરી છે અને સી.યુ. શાહ હોસ્પિટલની બેદરકારી બદલ જવાબદારો સામે પગલાં ભરવા માગ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments