Team Chabuk-Gujarat Desk: રાજ્યભરમાં વધી રહેલા કોરોનાના કેસની વચ્ચે સરકારી તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. રાજ્યના ચાર મહાનગરોમાં સાવચેતીના ભાગરૂપે સરકારે રાત્રિ કર્ફ્યૂ વધારી દીધો છે. 12 થી 6 સુધીના રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરીને 10 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ કરવામાં આવ્યો છે. જો કે રાજ્ય સરકારના કર્ફ્યૂના સમયમાંથી પણ એક કલાક વધારીને અમદાવાદ મહાનગરપાલિકાએ આજે નવો સમય જાહેર કર્યો છે. અમદાવાદ શહેરમાં આવતીકાલ એટલે કે 19 માર્ચથી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે.
અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસ બાદ મહાનગરપાલિકાની સમીક્ષા બેઠક મળી હતી. શહેરમાં વકરી રહેલા કોરોનાની સ્થિતિને કાબૂમાં લેવા માટે મળેલી આ બેઠકમાં મહત્વના કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં મહત્વનો નિર્ણય લેવાયો છે કે આવતીકાલ 19 માર્ચથી અમદાવાદ શહેરમાં 10 વાગ્યાના બદલે 9 વાગ્યાથી જ કર્ફ્યૂ શરૂ થઈ જશે. એટલે કે અમદાવાદ શહેરમાં આવતીકાલથી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ રહેશે. આ નિયમનું શહેરવાસીઓએ કડક પાલન કરવું પડશે નહીંતર તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવશે.
મોલ-સિનેમાગૃહ બંધ
રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર ઉપરાંત મહાનગરપાલિકાએ શહેરના તમામ મોલ અને સિનેમાગૃહોને શનિવાર અને રવિવાર સંપૂર્ણ બંધ રાખવા આદેશ આપ્યો છે. અમદાવાદ શહેરમાં શનિવાર અને રવિવારે રજાના દિવસો હોવાથી મોટી સંખ્યામાં લોકો મોલમાં ખરીદી માટે અને સિનેમાગૃહોમાં જતાં હોય છે તેથી શનિ-રવિવારે અમદાવાદ શહેરના તમામ મોલ અને સિનેમાગૃહ બંધ રાખવા તંત્રએ આદેશ આપ્યો છે. બાકીના દિવસોમાં કોવિડ પ્રોટોકોલના પાલન સાથે મોલ અને સિનેમાગૃહો ખુલ્લા રાખી શકાશે.
હોસ્પિટલની સ્થિતિ અંગે ચર્ચા
કોરોનાની હાલની પરિસ્થિતિની સમીક્ષા અંગે મળેલી અમદાવાદ મહાનગરપાલિકાની બેઠકમાં કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટ ખાનગી કોવિડ-19 હોસ્પિટલની સંખ્યા, પથારીઓની ઉપલબ્ધતા, મેડિકલ તથા પેરા-મેડિકલ સ્ટાફની સ્થિતિ, ટેસ્ટીંગ માટેની સુવિધા, અન્ય દવાઓની ઉપલબ્ધતા તથા રસીકરણ વગેરે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર, અલગ અલગ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
આજથી બાગ-બગીચા અને ઝુ બંધ
અમદાવાદ શહેરમાં આજથી તમામ બાગ-બગીચા, પ્રાણી સંગ્રહાલય, કાંકરિયા તળાવ જેવા સ્થળો પણ બંધ કરી દેવાયા છે. ત્યારે હવે શનિવાર અને રવિવારે મોલ અને સિનેમાગૃહ પણ બંધ રાખવાના આદેશથી અમદાવાદવાસીઓને રજાના દિવસો ઘરે રહીને પસાર કરવા પડે તેવો ઘાટ સર્જાયો છે.
આજથી અમદાવાદમાં AMTS અને BRTS પણ બંધ કરી દેવામાં આવી છે. આગામી નિર્ણય ન આવે ત્યાં સુધી AMTS અને BRTS બંધ રહેશે. AMTS અને BRTS બંધ થતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. વધારે રૂપિયા ખર્ચીને લોકોને મુસાફરી કરવી પડી રહી છે.
અમદાવાદમાં દૈનિક કોરોનાના કેસ 300 નજીક
રાજ્યમાં આજે કૂલ 1276 કોરોનાના નવા દર્દીઓ નોંધાયા છે. દિવસે દિવસે કોરોનાના દૈનિક કેસમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ચાર મહાનગરોમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. આજે સૌથી વધુ કેસ 324 કેસ સુરત શહેરમાં નોંધાયા છે. જ્યારે બીજા નંબરે 298 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 250 લોકોને રજા આપવામાં આવી છે. અમદાવાદમાં અત્યાર સુધીના કૂલ કેસ 65,693 થયા છે અને 2328 લોકોના મોત થયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત