Homeગુર્જર નગરીધારાસભ્ય માસ્ક વિના આ જગ્યાએ પકડાય તો અડધો દંડ ઉઘરાવવાનો સંવેદનશીલ નિર્ણય...

ધારાસભ્ય માસ્ક વિના આ જગ્યાએ પકડાય તો અડધો દંડ ઉઘરાવવાનો સંવેદનશીલ નિર્ણય લેવાયો

ગોવાબાપાઃ રાજ્યના મહાનગરોમાં હવે શાળા-કોલેજના શટરો 10 એપ્રિલ સુધી પાડી દેવા સરકારે નિર્ણય જાહેર કરી દીધો છે ચાબુક. આવતીકાલે પરીક્ષા શરૂ થવાની હતી, વિદ્યાર્થીઓ પરીક્ષાની ચિંતામાં હતાં ત્યાં જ સરકારે પરીક્ષા મોકૂફ રાખીને વિદ્યાર્થીઓને પાછી મોજ કરાવી દીધી. ચાબુક સાચું કઉં તો આ વખતે છોકરાવ પરીક્ષા આપીનેય શું કરવાના. ભણવામાં ઠેકાણા તો પડ્યા નથી. ઓનલાઈન શિક્ષણના નામે મોબાઈલ અને કમ્પ્યૂટરમાં આંખો જ ફોડી છે. જે હોય એ હાલો વિધાનસભા બાજુ આંટો મારીએ.

કોંગ્રેસનું વોક આઉટ

ચાબુક આજે તો વિધાનસભામાં મોટી બબાલ થઈ ગઈ હો. થયું એવું કે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે કોંગ્રેસની દુઃખતી રગ દબાવી દીધી. જેઠાભાઈએ વિધાનસભામાં કહ્યું કે, માધવસિંહ સોલંકીના સમયમાં દારુ જુગારના અડ્ડા ધમધમતા હતા. તેમના વખતે પણ પોલીસ પાંગળી બની ગઈ હતી. ઇમરાન ખેડાવાલાના મત વિસ્તારમાં પણ જુગાર રમાય છે. બસ જેઠાભાઈના આ નિવેદન સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો અને આખી કોંગ્રેસ વિધાનસભા ગૃહમાંથી બહાર નીકળી ગઈ.

હવે બહાર નીકળીને કોંગ્રેસે જે જે કહ્યું છે એ ભાજપવાળાને નહીં ગમે. કોંગ્રેસના પરેશભાઈ ધાનાણીએ કહ્યું કે ગુજરાતમાં ગલીએ ગલીએ ગુંડાઓનું રાજ છે. જેલમાંથી અંગ્રેજોને પત્ર લખનારી પાર્ટી આજે ગેલમાં છે. ભાજપના રાજમાં ગોંડલ, દ્વારકા, કુતિયાણા, પોરબંદર કોના નામે ઓળખાય છે એ લોકો જાણે છે. અમિત ચાવડાએ કહ્યું કે, કમલમના ઇશારે કામ કરનારા અધિકારીઓ સમજી જાય, આગામી સમયમાં હિસાબ કરવામાં આવશે.

પરેશભાઈએ કાઢ્યો બળાપો

આ કોરોનાકાળમાં અમરેલીમાં કોવિડ સેન્ટર ફાળવવા બાબતે વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. એ બાદ પણ પરેશભાઈ એક વખત ઉપવાસ પર બેઠેલા. તે વખતે પોલીસે મંજૂરી વગર ઉપવાસ પર બેઠા હોવાનું કહીને પરેશભાઈને રોક્યા હતા. ઝપાઝપી પણ થયેલી અને પરેશભાઈનો શર્ટ પણ ફાટી ગયેલો. હવે આ મામલે આજે પરેશભાઈએ કહ્યું છે કે, પ્રતિક ઉપવાસ કરવા હોય તો મંજૂરી લેવી પડે છે. મંજૂરીનું બંધન નડે છે. ગુંડાઓને પકડવા નીકળતી હોય તેમ પોલીસ વેપારીઓને હેરાન કરે છે. શાંતિ અને સલામતીની જવાબદારીવાળાને પટ્ટાવાળા બનાવી દીધા છે. ગુંડાઓ ગલીમાં રખડે છે અને સામાન્ય વ્યક્તિ ભયથી થરથરે છે.

પરેશભાઈ તો બોલવા જ મંડેલા હો ચાબુક. આજે તો પરેશભાઈએ તેમની અંદર રહેલો બળાપો ઠાલવી દીધો.

મામલો બાપ-દાદાએ પહોંચ્યો

વિધાનસભામાં મામલો એટલે ઉગ્ર બની ગયો કે ભાજપ-કોંગ્રેસ બાપ-દાદા સુધી પહોંચી ગ્યા. નીતિનભાઈ પટેલે કોંગ્રેસને સંબોધીને એવું કહ્યું કે, ગપ્પા મારી મારીને તમારા દાદા બોલતા હતા. પરેશભાઈ ધાનાણીએ નીતિનભાઈને કહ્યું કે, મારા બાપ દાદાઓએ જેલ ભોગવી છે, તમારા બાપ દાદાએ અંગ્રેજોની દલાલી કરી છે.

ચાબુક વિધાનસભાની આ વાતો સાંભળીને ઉપર રહેલા આ નેતાઓના બાપ દાદા પણ કહેતા હશે કે અલ્યાવ અમને અહીંયા તો શાંતિ લેવા દો.

આપણા ધારાસભ્યો પર તંત્રએ ખરેખર મહેરબાની કરી છે હો. ચાબુક હું કે તું જો માસ્ક પહેર્યા વગર ઝડપાયા તો તરત 1 હજાર રૂપિયા દંડ ભરવો પડે અને આ ધારાસભ્યોને આ દંડમાં 50 ટકા રાહત અપાઈ છે. ખરેખર સંવેદનશીલ નિર્ણય કહેવાય હો આ તો. વિધાનસભામાં કોઈ ધારાસભ્ય માસ્ક વગર પકડાશે તો 500 રૂપિયા દંડ ભરવાનો. એટલે કે પ્રજા કરતાં નેતાઓને 500 રૂપિયાનો ફાયદો. મોજે મોજ છે હો નેતાઓને.

ભાજપમાં રામ

ચાબુક હવે તો રામ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. સાચા રામ નહીં પણ સિરિયલના રામ. લોકડાઉનમાં પાછી ટીવી પર પ્રસારિત થયેલી અને આપણે બધાયે ઘરે બેસીને જોયેલી સિરીયલ રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ ભાજપમાં જોડાઈ ગયા છે. વાતો તો એવી પણ થઈ રહી છે કે અરુણ ગોવિલ ચૂંટણી પણ લડવાના છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments