Team Chabuk-Gujarat-Desk: ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જિલ્લાથી લઈને ગામડાં ખૂંદી નાખ્યા. એક એક જગ્યાએ જઈ મત માગ્યા. ત્યારે ક્યાં ગયું હતું તંત્ર ? ઉંઘતું હતું ? ઉંઘતું જ હોય ને!
આવું શા માટે લખવું પડી રહ્યું છે. અચાનક તંત્રને લાગી રહ્યું છે કે કોરોનાના કેસ વધી રહ્યા છે. અચાનક તંત્રને કોરોના ઉથલપાથલ મચાવશે એવો ભય સતાવી રહ્યો છે. કોરોનાને ડામવા માટે શું કરવું ? તો તંત્રનો પ્લાન છે કે જેમના લોકડાઉનમાં પણ ધંધા રોજગાર બંધ હતા અને લોકડાઉન ખુલતા જેઓ ફરી દિવસ રાત મહેનત કરી રહ્યા છે તેમની જ દુકાનો બંધ કરોને.
આ ક્રૂર મજાક છે અને તેનો દાખલો સફાળા જાગેલા AMCનાં તંત્ર દ્વારા મળ્યો છે. શહેરમાં એકાએક કોરોનાના કેસ વધવાના કારણે સોમવારના રોજ રાતનાં આઠ વાગ્યા પછી ખાણીપીણી, રેસ્ટોરન્ટ સહિતની જગ્યાઓ પર અચાનક પોતાના બાવડાનું બળ બતાવવા AMC ત્રાટકી હતી. તેમની અચાનક ચેકિંગના કારણે રાતનાં ધંધા નાખીને બેઠેલા લોકોમાં ફફડાડ વ્યાપી ગયો હતો. ધડાધડ દુકાનો સહિતની જગ્યાઓ બંધ કરતા લાખો રૂપિયાનું નુકસાન ગયું હતું.
જ્યારે ચૂંટણીના તાયફા થતા હતા ત્યારે ક્યાં હતું AMC ? ત્યારે માસ્ક ન પહેર્યા હોય તો ચાલે પણ જેવી ચૂંટણી પૂર્ણ થઈ માસ્કની ઉઘરાણી શરૂ થવા લાગી. ચૂંટણી હોય એ જગ્યા માટે તો એમ જ કહેવાય કે કોરોના અહીં છે જ નહીં. હવે રહી રહીને કોરોનાના કેસ જે જનતાના કારણે તો બિલકુલ નથી વધ્યા તે વધવા લાગતા એમને ગાઈડલાઈનનું પાલન કરાવવું છે.
એક બાજુ ક્રિકેટ મેચ યોજાય ત્યારે કોવિડ-19નાં નિયમો હવામાં ઓગળી ગયા હતા. બધા સ્ટેડિયમમાં જઈ આનંદ માણી રહ્યા હતા. જોકે રસ્તા પર જે પોતાની નાની અમથી રેકડી નાખી કે રેસ્ટોરન્ટ નાખી માંડ પેટીયું રળતા હોય તેમની આગળ છાતી બતાવતી AMC ચૂંટણી ટાણે મૌન થઈ જાય છે.
AMCના અધિકારી તો કહે છે કે, હોટલમાં ભારે ભીડ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન થાય છે કે નહિં તે અંગેનું ચેકિંગ હતું કોઈ પણ એકમો બંધ કરવામાં આવ્યા નથી. જોકે મણીનગરના એક પૂર્વ કોર્પોરેટરનું કહેવું છે કે, અહીં એકમો બંધ કરાવવામાં આવ્યા હતા.
સોલીડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ આ અંગે જણાવ્યું હતું કે, ખાણી પીણીની દુકાનો બંધ કરાય એ વાત માત્ર અને માત્ર અફવા છે. કમિશ્નરનાં આદેશનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. કોરોનાના કેસ વધવાના કારણે ફક્ત ચેકિંગ હાથ ધરવામાં આવશે. દંડ કરવામાં કે સીલ કરવામાં નહિં આવે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત