Team Chabuk-Political Desk: ચાર દિવસ ચાલેલી રાજકીય ગડમથલ બાદ બપોર પછી રાજીખુશી રાજીનામું આપી મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે જગ્યા ખાલી કરી દીધી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે રાજીનામા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ જણાવ્યું નહોતું જેના કારણે અનેક તર્કવિતર્કો ઉતરાખંડની રાજકીય નદીમાં તરતા થયાં હતાં.
બુધવારે દહેરાદૂનમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની બેઠક થઈ હતી. જે પછી તીરથ સિંહ રાવત ઉતરાખંડના નવા મુખ્યમંત્રી બન્યા. આજે સાંજે તેઓ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. જોકે આ નામ સપાટી પર આવ્યા પછી ઘણા રાજકીય વિશ્લેષકો અને જનતાને પણ આંચકો લાગ્યો હતો.
તીરથ સિંહ રાવત રાજનીતિનો જૂનો અને અડીખમ ચહેરો છે. ગઢવાલની લોકસભા સીટ પરથી સાંસદ પણ છે. 9 ફેબ્રુઆરી 2013થી 31 ડિસેમ્બર 2015 સુધી ઉત્તરાખંડ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 2012થી 2017 સુધી ચોબટ્ટાખાલ નિર્વાચન ક્ષેત્રમાં ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. હાલ તેઓ ભાજપના રાષ્ટ્રીય સચિવ તરીકેની ફરજ નિભાવી રહ્યા છે.
રાજનીતિમાં તીરથસિંહને ભુવનચંદ્ર ખંડ્ડીના શિષ્ય માનવામાં આવે છે. 1964માં પૌડીના કલ્જીખાલ બ્લોકના સિરૌ ગામમાં તેમનો જન્મ થયો હતો. છ ભાઈ બહેનોમાં તેઓ સૌથી નાના છે. શરૂઆતનો અભ્યાસ જગાધારી (યમુનાનગર)માં કર્યો હતો. પિતા રેલવેમાં નોકરી કરતાં હતાં.
મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા પછી તીરથ સિંહ રાવતે કહ્યું કે તેઓ સંઘ માટે કામ કરતા હતા. પણ અટલ બિહારી વાજપેયી પાસેથી પ્રેરણા લઈને તેઓ આગળ વધ્યા. તેમણે પૂર્વ મુખ્યમંત્રીનું નામ લઈ કહ્યું કે, તેઓ ત્રિવેન્દ્રસિંહ રાવતની સાથે લાંબા સમયથી કામ કરતા હતા. પ્રથમ સંઘમાં પ્રચારક તરીકેનું કાર્ય કર્યું. એ પછી પાર્ટી અને સરકારની સાથે કામ કર્યું. હજુ પણ તેઓ માર્ગદર્શકના રૂપે આગળ કામ કરતા રહેશે.
ત્યાં સામેની તરફ ઉતરાખંડના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનારા ત્રિવેન્દ્ર સિંહ રાવતનો પ્રથમ ઈન્ટરવ્યૂ પણ સામે આવી ગયો છે. તેમણે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, તેઓ પાર્ટીના કાર્યકર્તા છે. પદ તો આવતા જતા રહે છે. હવે તેઓ પાર્ટીના કાર્યકર્તા તરીકે જ કામ કરશે.
સીએમ પદ માટે તીરથ સિંહનું નામ ઘણા લોકોને આંચકો આપી ગયું હતું. ત્રિવેન્દ્ર સિંહ રાવતના રાજીનામા બાદ સંભવિત મુખ્યમંત્રીઓની રેસમાં ધન સિંહ રાવતનું નામ અગ્રક્રમે ચાલી રહ્યું હતું. જ્યારે ત્રિવેન્દ્ર સિંહ રાવતે સોમવારે 8 માર્ચના રોજ ચમોલીનો પ્રવાસ એકાએક રદ્દ કરી ને દિલ્હી ચાલ્યા ગયા તો ધન સિંહે જ મુખ્યમંત્રીના પ્રતિનિધિરૂપે બે કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
જોકે આ પ્રથમ વખત નહોતું કે ધન સિંહે પ્રથમ વખત મુખ્યમંત્રીની ગેરહાજરીમાં કોઈ કાર્યક્રમમાં ભાગ લીધો હોય. ધનસિંહ રાવતના સિવાય અનિલ બલૂની, રમેશ પોખરિયાલ નિશંક અને અજય ભટ્ટ જેવાઓનાં નામ સીએમ પદની રેસમાં હવામાં તરી રહ્યા હતા. પણ બુધવારે કમાન તીરથ સિંહ રાવતના હાથમાં આવી ગઈ અને બીજા નામો હજુ પણ હવામાં જ તરી રહ્યા છે. કહી શકાય કે ધન સિંહ રાવત વરરાજા બનવાના હતા પણ અણવર બનીને રહી ગયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત