Team Chabuk-Literature Desk: સુરેશ જોષીની શતાબ્દિલ ચાલે છે. હમણાં જ એક વર્ષ પૂર્ણ પણ થઈ જશે. આપણને હતું કે ધામધૂમપૂર્વક સુરેશ રસીયા એકઠા કરીએ અને સુરેશ જોષીની વાતો માંડીએ તેની જગ્યાએ બધાએ ઓનલાઈન સુરેશ જોષીની વાતો કરવી પડી. જેની પાછળનું કારણ છે કોરોના.
આપણે જે રીતે વારંવાર, મુન્શી, મેઘાણી કે પન્નાલાલ પટેલની વાતો જીભ પર લાવીએ છીએ એ રીતે સુરેશ જોષીને લાવતા નથી. પિયુષ મિશ્રા કહે છે તેમ, જેમ ભગતસિંહને આપણે ચે ગુવેરા ન બનાવી શક્યા, તેવી આ વાત હશે ? કોરોના પરથી સુરેશ જોષી યાદ આવી જાય છે. એમણે આલ્બેર કેમ્યૂની નવલકથા પ્લેગ વિશે લખ્યું તેમાં જણાવ્યું છે કે સુરતમાં પણ પ્લેગ ફાટી નીકળ્યાની વાતે ડર ફેલાવેલો. દુનિયાની દરેક વ્યક્તિને મહામારીનો ભય સતાવતો હોય છે. આ વાક્ય કહી સુરેશ જોષી પ્લેગ નવલકથાની આખી વાત આપણી સમક્ષ મૂકે છે.
આપણને એમ હતું કે વેક્સિન આવી ગઈ છે. હવે કોરોના ચાલ્યો જશે. ત્યાં આપણા જ કેટલાક સત્તાધીશોની મોટી ભૂલનાં કારણે ગુજરાતમાં માંડ મુઠ્ઠી ભર રહેલા કેસોએ પોતાની વિરાટ છબીના દર્શન કરાવ્યા. આવે વખતે સુરેશ જોષીએ પ્લેગ વિશે કરેલું વિવેચન યાદ ન આવે તો તેને સાહિત્યકાર કે સાહિત્યરસિયો કેમ ગણવો ? ગુજરાતીમાં તો પ્લેગ નવલકથાનો અનુવાદ થઈ ચૂકેલો છે. જે રીતે આઉટસાઈડર નવલકથા ભાવકોની આંખે ચડી છે તેવી રીતે પ્લેગ નથી ચડી. કોરોના વાઈરસ આવ્યો ત્યારે કેટલાક લોકો પ્લેગ નવલકથાની વાત કરી નોબલ પ્રાઈઝ વિજેતા કેમ્યૂને યાદ કરી પોતાની ફરજ નિભાવી રહ્યા હતા.
આલ્બેર કેમ્યૂની નવલકથા પ્લેગ વિશે લખતા સુરેશ જોષી શોખની વાત કરે છે. શોખની વસ્તુઓ વચ્ચે અંતર હોવું જોઈએ. સારું લખાણ કેટલાક સમયના અંતરે મળે. રોજ થોડું મળે?
કેમ્યૂની આઉટસાઈડર કે ધ ફોલ નવલકથાની તુલનાએ પ્લેગ નવલકથાએ શીર્ષકથી મોટું કાઠુ કાઢ્યું છે. અસ્તિત્વવાદ અને એબ્સર્ડનાં મસાલાથી ભરપૂર નવલકથાઓ લખતા કેમ્યૂની પ્લેગ તેની બે નવલકથાઓની સાપેક્ષે એ વિશ્વમાં નથી લઈ જતી જેની આપણે અગાઉ સફર કરી ચૂક્યા છીએ.
સુરેશ જોષી પણ કેમ્યુની એ નવલકથાને તેની અન્ય બે કૃતિ સાથે તુલના કરે ત્યારે તેને નબળી જ આંકે છે, પણ પ્લેગને જ્યારે એ બેની તુલના વગર એક સ્વતંત્ર નવલકથાની દૃષ્ટીએ જોવામાં આવે ત્યારે તે અદભુત કૃતિ બને છે. મહામારીના વિષય પર લખાયેલી ક્ષણિક નવલકથાઓમાં એ અવ્વલતાનું સ્થાન ધારણ કરે છે.
આપણે પણ કોરોના મહામારી સમયે સર્જન ક્રિયાને વેગ આપેલો. મહામારી પર કવિતાઓ લખાઈ. મહામારી પર વાર્તાઓ લખાઈ. કેટલીક ઓનલાઈન જગ્યાએ તો મેરેથોન કવિતાઓ યોજાય એ જ વાત જાણી હસવું આવી જાય છે. હજુ સુધી આમાંથી સારું કયુ એ સામે નથી આવ્યું. પણ જો કેમ્યૂની પ્લેગ અને 2020થી ચાલ્યા આવતાં કોરોનાની વાત કરવી હોય તો કેટલીક વાતો સમાંતર નીકળે છે.
સુરેશ જોષી કેમ્યૂની વાતને ટાંકતા લખે છે – ‘ઉંદરો શેરીમાં મરણ પામતાં હતાં, માણસો તેમના ઘરમાં’ છાપાઓને શેરીઓ સાથે સંબંધ હતો ઘર સાથે સંબંધ ન હતો.
જ્યારે મીડિયા પાસેથી આપણને સત્ય જાણવાની ઈચ્છા હોય છે ત્યારે જ તે ન દેખાડવાનું આપણને દેખાડતી હોય છે. કોરોના વાઈરસના સમયે એક એન્કર બરાડા પાડતા હતા અને સુશાંત સિંહ રાજપૂતનાં કેસને લઈ બેઠા હતા. જ્યારે કોરોના વખતે લોકડાઉનમાં ગુજરાત સહિતના રાજ્યોના મજૂરો ચાલી ચાલીને પોતાના વતને જઈ રહ્યાં હતાં એ સમાચાર બનવા જોઈએ. મીડિયાએ જનતાને દરેક વખતે પ્રભિત કરવાનું કામ કર્યું છે. સુરેશ જોષી પણ એ વાક્યને પોતાના વિવેચનમાં લાવી ફક્ત આપણી સમજણ ચકાસવા માગે છે. માધ્યમ માટે બહાર મરતા ઉંદરો એ વિસ્મય જગાવતા સમાચાર છે, એ નહીં કે ઘરની અંદર પણ અગણિત માણસો મૃત્યુ પામી રહ્યાં છે. મહામારી વખતે જ્યારે આપણને મીડિયાની જરૂર પડે છે ત્યારે એ મીડિયા ન દેખાડવાનું દેખાડી રહી છે. છળ-કપટ કરી રહી છે. ગોબેલ્સ પ્રચાર કરી રહી છે. આ એક વાક્યથી કેમ્યૂનાં મલકમાં અને આપણા મલકમાં કંઈ બદલ્યું નથી એ સ્પષ્ટ થાય છે.
કોરોનામાં લોકડાઉન થયું ત્યારે કેટલાકને પોતાના ઘરથી દૂર રહેલા પહાડો પ્રદુષણ હટતા નજરે આવવા લાગ્યા હતા. તેની તસવીરો પણ આપણે જોઈ. જાપાનમાં લોકોને રસ્તા પર રખડતા હરણ દેખાવા લાગ્યા હતા. અમદાવાદમાં શેઢાળી નીકળી હતી.
કેમ્યૂની નવલકથામાં પણ લોકો ઘરમાં પૂરાતા પ્રકૃતિ ચારેબાજુથી ખીલી ઉઠે છે. મહામારીના દરેક સમયે એ વાત સત્ય સાબિત થાય છે કે પ્રકૃતિ તમને સુંદરતા બક્ષવા માટે તૈયાર છે પણ તેનો બેડો ગર્ક આપણે જ કરી રાખ્યો છે. પ્રકૃતિ આપણને ઉપભોગની વસ્તુ આપી રહી છે. તેની સામે આપણે તેને ધૂમાડો આપીએ છીએ. ઉપભોગના પાણીમાંથી પણ દસ રૂપિયાની કમાણી કરી લઈએ છીએ. એ દરેક વખતે તમે ન હોઉં તો કેટલું સારું, આવો મૌન રહી ઉત્તર આપે છે; પણ આપણે કાન હોવા છતાં બહેરા છીએ.
ને કોરોના સમયે દુનિયા આખી વિજ્ઞાન પર નભેલી હતી અને કેટલાક લોકો કહેતા હતા કે આ તો આપણને કરવામાં આવેલી શિક્ષા છે. કેમ્યૂની નવલકથામાં પણ એ જ વાત છે. પાદરીઓ પ્લેગને ઈશ્વર દ્વારા કરવામાં આવેલી કડક શિક્ષાના રૂપે જુએ છે. દરેક મહામારી આપણને વિજ્ઞાન પર ભાર આપવાની વાત કરતી દેખાશે અને આપણે એટલા જ ધર્મ તરફ ઢળી જશું.
કોરોનાની શરૂઆતમાં દર્દી વધ્યા ત્યારે તમિલનાડુ શહેરમાંથી એક દર્દી ભયથી ભાગી ગયાની વાત સામે આવી હતી. એ વાત પણ સુરેશ જોષી પોતાના વિવેચનમાં લાવ્યા છે. કેમ્યૂની ધ પ્લેગ નવલકથામાં પણ રેમ્બર્ટ નામનો વ્યક્તિ ચોરીછૂપે ભાગી જવા ઈચ્છે છે.
સુરેશ જોષીને તો જરાય ખબર નહીં હોય કે હું જે કેમ્યૂની નવલકથામાંથી તારવેલા કેટલાક વાક્યો અને અવતરણો અલગ કરી લખી રહ્યો છું એ 2020માં સાચા પડી જવાના છે. કદાચ મહામારી એક સરખી હોય છે. એક સરખી શિક્ષા કરતી હોય છે. પાઠ ભણાવતી હોય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત