Homeગુર્જર નગરીએવા કયા કયા પગલાં ભર્યા કે અમરેલીનું આ ગામ કોરોના મુક્ત બની...

એવા કયા કયા પગલાં ભર્યા કે અમરેલીનું આ ગામ કોરોના મુક્ત બની ગયું

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોના વાઇરસ શહેરોથી લઈ નાના ગામડાઓ સુધી પ્રસરી ચુક્યો છે. ભાગ્યે જ કોઈ એવા ગામડા બાકી હશે જ્યાં કોરોના વાઇરસે દેખા ન દીધી હોય. પ્રથમ લહેરમાં શહેરો કરતાં ગામડાઓમાં સંક્રમણ ઓછું જોવા મળ્યું હતું પરંતુ કોરોનાની બીજી લહેરમાં ગામડાઓમાં પણ મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે એક એવા ગામની વાત કરવી છે જેણે કોરોના સામેનો આ જંગ જીતી લીધો છે. સ્વયં શિસ્ત અને લોકજાગૃતિના બળે આ ગામ હાલ કોરોના મુક્ત થઈ ગયું છે.

વાત છે અમરેલીના એક નાનકડાં ગામની. આ ગામનું નામ છે નાના આંકડિયા. નાના આંકડિયા ગામ અમરેલી શહેરથી માત્ર સાડા નવ કિલોમીટરના અંતરે આવેલું છે. શહેરથી સાવ નજીક હોવાથી દરરોજ લોકોની આ ગામમાં અવર જવર રહેતી હોય છે. આમ છતાં અમરેલી જિલ્લાનું આ ગામ કોરોના મુક્ત બન્યું છે. ગામ લોકોની સાવધાની અને સાવચેતીના કારણે આ શક્ય બન્યું છે.

ગ્રામજનોએ અપનાવ્યું રસીકરણનું શસ્ત્ર

આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વાઇરસ સામે લડવા માટે રસીકરણ એ અસરકારક હથિયાર છે. જે લોકો કોરોના રસી લે છે તેઓને કોરોના સામે લડવામાં ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. ત્યારે આ રસીકરણના અસરકારક શસ્ત્રને નાના આંકડિયા ગામના લોકોએ તુરંત જ અપનાવી લીધું છે. નાના આંકડિયા ગામમાં 45 વર્ષથી ઉપરના 85 ટકા લોકોએ અત્યાર સુધી કોરોના રસી લઈ લીધી છે. ઘણા લોકો રસી લેવાથી મોં ફેરવી રહ્યા છે ત્યારે નાના આંકડિયા ગામના લોકોએ હર્ષભેર રસીકરણ કેન્દ્ર સુધી જઈને રસી મૂકાવી છે જેનું પરિણામ ગ્રામજનોને હવે મળી રહ્યું છે. ગામમાં થયેલા ઝડપી રસીકરણના કારણે ગામ હાલ કોરોનાથી બચવામાં સફળ રહ્યું છે.

માત્ર 20 કેસ જ નોંધાયા

અમરેલી શહેર પાસે આવેલા નાના આંકડિયા ગામમાં જ્યારથી કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી માત્ર 20 લોકોને જ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. એટલે કે નાના આંકડિયા ગામના લોકો કોરોના સંક્રમણને ફેલાતું રોકવામાં સફળ રહ્યા છે. 3 હજારની વસ્તી ધરાવતા ગામમાં અત્યાર સુધી માત્ર 20 જ લોકો જ કોરોના સંક્રમિત થયા છે અને સંક્રમિત થનાર એકપણ વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર પડી નથી. તમામ દર્દીઓ માત્ર ઘરે રહીને જ સાજા થઈ ગયા છે. ત્યારે અન્ય ગ્રામજનોએ પણ કોરોના સામેની લડાઈ લડવા અંગે આ ગામ પાસેથી પ્રેરણા લેવી જોઈએ.

આમ અમરેલીના 3 હજારની વસ્તી ધરાવતા નાના આંકડિયા ગામે સાવધાની, સતર્કતા, કોરોના સામેના જરૂરી પગલાં, નિયમોનું પાલન, સ્વયં શિસ્ત અને રસીકરણ પર ભાર મૂકીને કોરોનાને હંફાવ્યો છે. આજે કોરોના આ ગામથી દૂર છે. નાના આંકડિયા ગામે કોરોના સામે લડવા માટે જે પગલાં ભર્યા છે તે અન્ય ગ્રામજનોએ પણ અપનાવવા જરૂરી છે. તો જ મારું ગામ કોરોના મુક્ત ગામ બનશે.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments