માહિતી વિભાગ રાજકોટ: સૂર્ય પુત્રી તાપી નદીના કિનારે વસેલું સુરત. અનેક ઉપનામોથી સુશોભિત છે. સિલ્કસિટી, ટેક્ષટાઈલ અને ડાયમન્ડ સીટી તરીકે પણ ઓળખાતા સુરત શહેરને છેલ્લા થોડા સમયથી એક નવી ઓળખ મળી છે અને તે છે ‘ઓર્ગન ડોનર સીટી’ તરીકેની. એની પાછળ છે એક ઉમદા વ્યક્તિત્વ દ્વારા સમાજ સેવાની નિ:સ્વાર્થ ખેવના. સોળ વર્ષની તપસ્યા અને એમની સાથે જોડાયેલી ટીમની સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના અને લગન.
આવું વ્યક્તિત્વ એટલે આ ટીમનું સફળ નેતૃત્વ કરનાર નિલેશ માંડલેવાલા. નિલેશભાઈ એટલે સધર્ન ચેમ્બર ઓફ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સુરતના સફળ પ્રમુખ તરીકે સેવા આપનાર તેમજ સમાજ સેવાની અનેક પ્રવૃતિઓમાં પણ તેઓ હંમેશા કાર્યરત રહ્યા. થોડાક વર્ષો પહેલાં તેઓ માત્ર એક ઉદ્યોગ સાહસિક, બિઝનેસમેન અને ચેમ્બર પ્રમુખ તરીકે ઓળખાતા હતા, પરંતુ એમની આ ઓળખ અધુરી ગણાય. હવે તેઓ ઓર્ગન ડોનેશન એટલે અંગદાન માટેડોનેટ લાઈફના માધ્યમથી સંખ્યાબંધ લોકોના જીવન દાતાબની ગયા છે.
આ વાત ૧૯૯૭ ની છે. એમના પિતાની કિડની નિષ્ફળ થતા વર્ષ ૨૦૦૪થી તેઓનું નિયમિત પણે ડાયાલીસીસકરાવવા જવું પડતું, આ દરિમયાન તેઓ કિડનીના અન્ય દર્દીઓ અને તેમના પરીવારની તકલીફોને દુઃખથી નજરો નજર વાકેફ થયેલા. આ બધું જોયા પછી તેમના જીવનમાં એક નવી ચેતના અને નવી દિશા પ્રાપ્ત થઈ. અને એ હતી અંગદાન મેળવવાની પ્રવૃત્તિ. વર્ષ-૨૦૦૫થી તેમણે સુરત શહેરમાં અંગદાન અંગે ઝુંબેશ ઉપાડી.
એ સમયે લોકોમાં અંગદાન અંગેની જાગૃતિનો અભાવ હતો. જ્યારે તેઓને ખબર પડે કે કોઈ હોસ્પિટલમાં બ્રેન ડેડ વ્યક્તિ સારવાર હેઠળ છે, તુરંત પોતાનો વેપાર છોડી તે દર્દીના સ્વજનોનોને મળવા હોસ્પિટલમાં પહોંચી જતાં અને બે હાથ જોડી સમજણ આપવાનો પ્રયાસ કરતા, પણ તેઓને વ્યાપક નિરાશા મળતી કેટલીક વાર અસભ્ય વર્તન, અપમાન, અપશબ્દો સાંભળવા, સહન કરવા પડતા અને ક્યારેક ધક્કે ચડવાનો વારો પણ આવતો. પણ ઉદ્યોગ સાહસિક એવા નિલેશભાઈ હિંમત હાર્યા વગર ICUની બહાર, હોસ્પિટલના પેસેજમાં ઉભા રહીને સ્વજનના પરીવારજનોને તેમના વહાલા સ્વજનના અંગદાન કરવા માટે સમજાવવાનો પ્રયાસ જારી રાખતા.
વર્ષ ૨૦૦૫થી અંગદાનની જનજાગૃતિ માટે વન મેન આર્મીની જેમ કાર્ય કરતા રહ્યા. નિલેશભાઈએ વર્ષ ૨૦૧૪માં શહેરના નામાંકિત મહાનુભાવો તથા સ્વયંસેવકોના સહયોગથી ‘ડોનેટ લાઈફ’ નામની સંસ્થાની સ્થાપના કરી. ડોનેટ લાઈફ એક સ્વાસ્થ્ય સહાયક સંસ્થા છે. તેનો મુખ્ય હેતુ સમાજમાં અંગદાનની જાગૃતિ લાવવાનો અને બ્રેઇનડેડ વ્યક્તિના પરીવાર જનોને સમજાવી અગદાન માટે તૈયાર કરાવી કિડની, લીવર, સ્વાદુપિંડ, હૃદય અને ફેફસાના રોગોથી પીડાતી વ્યક્તિઓમાં દાનમાં મેળવેલ અંગો પ્રત્યારોપણ કરાવડાવી તેમને સ્વસ્થ્ય અને નવજીવન બક્ષવાનો છે.
અંગદાન માટે સમાજને ચેતનવંતો કરવા, ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સમાજમાં અંગદાનની જનજાગૃતિ માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા અને ધીમે ધીમે સફળતા તરફ આગળ વધ્યા. શહેરમાં વિવિધ સેમિનારો, પ્રદર્શનો, વોકાથોન, પતંગોત્સવ, રેડિયો વાર્તાલાપ, ટેલીવીઝન તેમજ ડીઝીટલ મીડિયા સોશિયલ મીડિયા વગેરેનો ભરપૂર ઉપયોગ કરીને પાંચ કરોડથી વધુ લોકો સુધી પહોંચવામાં સફળતા મેળવી અને અંગદાન-જીવનદાનનું મહત્વ સમજાવ્યું. આજે પણ દુનિયા ભરના પાંચ કરોડ લોકો સંસ્થા ની ગતિવિધિના ફોલોઅર્સ છે.
બાકી હતું તે આ સંસ્થાએ સ્મશાન ભૂમિમાં પણ જઈને અંગદાન અંગેની જનજાગૃતિનો કાર્યક્રમ કર્યા હતા. આખરે સફળતા મળવા લાગી. લોકસભા સેક્રેટરીએટ ઓફિસર અને સ્ટાફ માટે ઓનલાઈન વર્કશોપ દ્વારા અંગદાનનું મહત્વની સમજણ પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન પાર્લામેન્ટ રિચર્સ ટ્રેનિંગ ફોર ડેમોક્રેસી (પ્રાઇડ) લોકસભાના સેક્રેટરીએટ દ્વારા કરવામા આવ્યું હતું.
આ બધા ભરપૂર પ્રયાસો બાદ આજે એ સ્થિતિ આવી કે દક્ષિણ ગુજરાતમાં કોઈપણ હોસ્પિટલમાં કોઈ વ્યક્તિ બ્રેનડેડ થાય તો તેની જાણ ડોકટરો, દર્દીના પરિવારજનો સૌપ્રથમ સુરતના નિલેશભાઈને કરે છે, એ હદે આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ. જ્યારે સોળ વર્ષ પહેલા એજ નિલેશભાઈને લોકો તરફથી નિરાશા, અપમાન, કેટલાક તો ગાળો પણ દેતા. હવે સમય બદલાયો તેઓને સામેથી આવકાર મળે છે.
બ્રેઇનડેડ દર્દીના પરીવારનો સહયોગ અને સગાઓની સહમતી મળ્યા બાદ અંગ પ્રાપ્તી તથા ત્યારબાદની પ્રક્રિયા પૂર્ણ કરવા ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા SOTTO નો સંપર્ક કરવામાં આવે છે. ડોનેટ લાઈફ અંગદાતા તથા SOTTO, ROTTO અને NOTTO વચ્ચે એક માધ્યમ નું કાર્ય કરે છે. હૃદય, ફેફસા, કિડની, લીવર,સ્વાદુપિંડ જેવા મહત્વના અંગો સમયસર એક શહેરમાંથી બીજા શહેરમાં કે બીજા રાજ્યમાં પહોંચાડવા માટે, ગ્રીન કોરિડોર બનાવવા માટે સુરત શહેર પોલીસ અને રાજ્યભરના વિવિધ શહેરો અને ગ્રામ્ય પોલીસ તેમજ સુરત એરપોર્ટ ઓથોરિટી સાથે સંકલનનું કાર્ય પણ ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
અંગદાન બાદ મેડીકો લીગલ કેસમા ડોનેટ લાઈફની અંગદાતાનો પોલીસ પંચકેસ તથા પોસ્ટમોર્ટમ કરાવવામાં પણ મહત્વની ભૂમિકા રહી છે. વળી અંગદાતાના પાર્થિવ શરીરનું પુરા સન્માન સાથે એના ઘર, ગામ કે શહેર સુધી પહોચાડવાની યોગ્ય વ્યવસ્થામાં પણ તેઓ મહત્વનો ભાગ ભજવે છે. સામાન્ય પરીવારમાંથી આવતા બ્રેઇનડેડ વ્યક્તિઓ બાળકોના શિક્ષણની જવાબદારી પણ ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા ઉપાડવામાં આવી રહી છે.
ગુજરાતમાં જે કેડેવરિક કિડની, લીવર અને સ્વાદુપિંડ ના દાન થાય છે, તેમાંથી ૫૦%, હૃદય ના દાનના ૭૩% અને ફેફસાના દાનના, ૮૩% દાન કરાવવાનું શ્રેય ડોનેટ લાઈફ સંસ્થા ને જાય છે, ગુજરાતમાં સૌપ્રથમ વખત હાડકાઓનું દાન કરાવવાનું શ્રેય પણ ડોનેટ લાઈફને ફાળે જાય છે. ડોનેટ લાઈફ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત આંતરસિટી કેડરિક કિડની, આંતરરાજ્ય લીવર, હ્રદય અને ફેફસાનું દાન કરાવીને તેનું ટ્રાન્સપ્લાન્ટ દેશના વિવિધ શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નાઇ, બેંગ્લોર,કોલકત્તા,હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદમાં કરાવવામાં સફળતા મેળવી છે.
સપ્ટેમ્બર ૨૦૧૭માં ડોનેટ લાઈફ દ્વારા ૧૪ મહિનાના બ્રેઇનડેડ બાળકના કિડની અને હદયનું દાન કરાવડાવ્યું હતું. તે હદયનું ટ્રાન્સપ્લાન્ટ સાડા ત્રણ વર્ષની દીકરીમાં મુંબઈની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.નાની ઉમરના બાળકના અંગદાન અને સૌથી નાની ઉમરની બાળકીમાં હ્રદય ટ્રાન્સપ્લાન્ટની આ સૌપ્રથમ ઘટના હતી. આ ઘટના દેશમાં સૌથી વધુ ચર્ચામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૨૦માં ડોનેટ લાઈફ દ્વારા સુરતમાંથી જશ સંજીવ ઓઝા નામનાઅઢી વર્ષ બાળકના અંગો નું દાન કરાવવામાં આવ્યું હતું.દેશમાં સૌથી નાની ઉમરના બાળકનામલ્ટિપલ ઓર્ગન્સ જેવા કે હદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાનની આ સૌપ્રથમ ઘટનાએ પણ દેશ ભરમાં ભારે લાગણી મેળવી હતી.
સપ્ટેમ્બર ૨૦૨૧માં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે બે ૧૮ વર્ષીય મિત્રોના કિડની, લિવર, ફેફસાં અને ચક્ષુઓ મળી કુલ ૧૩ અંગો અને ટીસ્યુંઓનું દાન કરવવામાં આવ્યું હતું. જેને કારણે ૧૨ વ્યક્તિઓને નવુંજીવન અને દ્રષ્ટિ મળી હતી. જે ગુજરાતની સૌ પ્રથમ ઘટના હતી. ગુજરાતમાંથી ઓગણ પચાસ જેટલા હ્દયના અને ચોવીસ ફેફસાના દાન મેળવવામાં આવ્યા છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અંગદાનમાં મહત્વનું સ્થાન મેળવ્યુ છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા છત્રીસ હદય અને વીસ ફેફસા દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લોર, કોલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં જરૂરિયાતમંદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદઉપરાંત અંગદાન ક્ષેત્રેમાં સુરતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હ્દયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન,યુએઇઅને રશિયાના નાગરિકો અને ફેફસાનું દાન યુક્રેનના નાગરીકમાં મુંબઈ અને ચેન્નાઈની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા દેશમાં સૌ પ્રથમ વખત અંગદાન કરનાર વ્યક્તિની યાદમાં તેમની તસ્વીર વાળી ટપાલ વિભાગની “માય સ્ટેમ્પ” આપી દરેક અંગદાન કરનાર વ્યક્તિ ને સન્માનિત કરવાની એક નવી પહેલની શરૂઆત કરવામાં આવી છે. મહામહિમ રાષ્ટ્રપતિજી રામનાથ કોવિંદજી દ્વારા સાર્વજનિક મંચ ઉપરથી નિલેશભાઈ અને તેમની સંસ્થા ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃતિની પ્રશંસા કરતા જણાવ્યુ હતું કે” નિલેશભાઈ આપ આગળ વધો, કેવળ ગુજરાત જ નહીં. પરંતુ સમગ્ર દેશ તમારી સાથે છે.”
હાલના વડાપ્રધાન અને તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એકેડેવર અંગદાન દ્વારા ઓર્ગનની નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટેના નિલેશભાઈના ઉમદા કાર્ય માટે પ્રસંશાપત્ર લખ્યો હતો અને આશીર્વાદ આપ્યા હતા. તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાર્વજનિક મંચ પરથી તેમની ભારોભાર પ્રસંશા કરતા જણાવ્યું હતું કે “લોકોને જીવનદાન મળે એ માટે તમે ખૂબ સુંદર કાર્ય કરો છો, તેને કારણે ગુજરાતની ગરીમા અને પ્રતિષ્ઠા વધી છે”.
અંગદાનના કાર્યોમાં તેમણે આપેલ યોગદાનની નોંધ ગુજરાત સરકાર દ્વારા લઇ ઓર્ગન અનેટીસ્યુંપ્રત્યારોપણ માટેની રાજ્ય સલાહકાર સિમિતના સભ્ય તરીકે તેમની નિમણુંક કરી છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું રહ્યું હતું, ત્યારે ડોનેટ લાઈફ સુરત દ્વારા છેલ્લા એક વર્ષમાં ૪૬ કિડની, ૨૬ લિવર, ૧૦ હદય , ૧૬ ફેફસા, ૧ પેન્ક્રીયાસ અને ૪૪ ચક્ષુદાન સહીત ૧૪૩ અંગો અનેટીસ્યુઓના દાન મેળવી દેશ અને વિદેશના ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુજીવન આપવામાં સફળતામેળવી છે.
અંગદાનની પ્રગતિમાં સુરત શહેર અને ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયસ્તરે એક અલગ ઓળખ અપાવનાર સુરત શહેર અને ગુજરાતનું ગૌરવ નીલેશ માંડલેવાલાએ ડોનેટ લાઈફના માઘ્યમથી અંગદાન-જીવનદાનની જનજાગૃતિની અલખ જગાવીને કાર્યરત રહ્યા છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી અંગદાનની વિગતો જોઈએ તો ૪૦૬ કિડની, ૧૭૧ લિવર, ૮ પેન્ક્રીયાસ, ૩૬ હદય, ૨૦ ફેફસાં અને ૩૦૮ ચક્ષુદાન કુલ ૯૪૯ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવી દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશના મળી કુલ ૮૭૦ વ્યક્તિઓને નવજીવન અને નવી જીંદગી આપવામાં સફળતા મેળવી છે.
દેશમાં દર વર્ષે પાંચ લાખથી વધુ દર્દીઓ ઓર્ગનન મળવાને કારણે મૃત્યુ પામે છે, ત્યારે આવા દર્દીઓની સહાયતા કરવા તથા તેઓમાં આશાનું કિરણ પ્રગટાવવા, તેમજ નવજીવન આપવાના આશયથી ઓર્ગનમેન તરીકે જાણીતાથયેલા ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલા પોતાનું જીવન આ ઉમદા કાર્ય માટે છેલ્લા સોળ વર્ષથી સમર્પિત કર્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત