Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં એક પછી એક મહાઠગ ઝડપાઈ રહ્યા છે. રૂપિયા ખંખેરવાની લ્હાયમાં આ ઠગ દ્વારા મોટી માછલીઓને જાળમાં ફસાવવામાં આવી રહી છે. ત્યારે કિરણ પટેલ બાદ વધુ એક મહાઠગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મોરબીના સિરામીકના કારખાનામાં મજૂરી કામ કરતા શખ્સે પોતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો નજીકનો હોવાનું કહીને જુદાજુદા રાજ્યના છ જેટલા ધારાસભ્યોનો સંપર્ક કરી તેમને આંટીમાં લઇને મંત્રીપદ અપાવી દેવાની વાત કરીને છેતરવાનો પ્રયાસ કર્યો હોવાની મહારાષ્ટ્રના નાગપુર ખાતે ફરિયાદ નોંધાઈ છે. જેની તપાસમાં મોરબી ખાતે આવીને નાગપુર એલસીબીના પીએસઆઇ દ્વારા સિરામીકના કારખાનામાંથી એક શખ્સને ઉઠાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો નજીકનો હોવાનો દાવો કરીને છ ધારાસભ્યોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય અને મંત્રી પદ અપાવી દેવાની લાલચ આપીને પૈસાની માંગણી કરવામાં આવી હોય તે બાબતે મહારાષ્ટ્રના નાગપુર ખાતે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો અને તેની તપાસ દરમિયાન નાગપુર એલસીબીના પીએસઆઇ પોલીસ સ્ટાફ સાથે મોરબી આવ્યા હતા અને મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા સ્વીઝર સિરામીક કારખાના પાસે આવેલ તેની કેંટિંગ પાસેથી મુખ્ય ભેજાબાજને પકડીને નાગપુર લઈ જવામાં આવ્યો છે.

આ કેસના મુખ્ય આરોપી નીરજસિંહ શિવરાજસિંહ રાઠોડ (ઉં.વ. ૩૭) ની ગુજરાતના મોરબીમાં લખધીરપુર રોડ ઉપર આવેલ સ્વીઝર સિરામીકના ગેઇટ પાસેથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી દ્વારા મહારાષ્ટ્રના ચાર અને ગોવાના એક ધારાસભ્ય તેમજ નાગાલેન્ડના એક ધારાસભ્ય આમ કુલ છ ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની નજીકના હોવાનો દાવો કરીને મંત્રી પદ આપવાના બદલામાં પૈસાની માંગણી કરી હતી.એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક ધારાસભ્યોએ પૈસા પણ આપ્યા હતા પરંતુ તે મોટી રકમ નહોતી. હાલ નાગપુર પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને આ ગેંગમાં અન્ય કોણ કોણ સામેલ છે અને આ સિવાય અન્ય કેટલા ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો છે તે શોધવાના પ્રયાસો ચાલુ છે. આરોપીઓએ મહારાષ્ટ્રના વિકાસ કુંભારે (મધ્ય નાગપુર), નારાયણ કુચે (બદનાપુર), તાનાજી મુટકુલે (હિંગોલી) અને ટેકચંદ સાવરકર (કામથી) નામના ચાર ધારાસભ્યોનો સંપર્ક કર્યો હતો. આ સમગ્ર બાબતે મહારાષ્ટ્રના નાગપુર ખાતે ફરિયાદ હોય ત્યાંના એલસીબીના પી.એસ.આઇ તેઓને મળેલ બાતમીના આધારે મોરબી આવ્યા હતા અને મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામીકના યુનિટ નજીક વોચ ગોઠવી હતી અને ત્યાંથી મુખ્ય આરોપી નીરજસિંહ શિવરાજસિંહ રાઠોડ (ઉં.વ. ૩૭) હાલ રહે.મોરબી વાળો મળી આવતા તેને પકડીને હાલ આગળની તપાસ માટે નાગપુર લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ